ફક્ત મકરસંક્રાંતિ પર જ નહિ પણ આખા શિયાળામાં જરૂર કરો તલ-ગોળના લાડુનું સેવન, જાણો કારણ.

તલ અને ગોળના લાડુ ખાવાના ફાયદા જાણીને તમે આખા શિયાળામાં તેને ખાવાનું ચૂકશો નહિ.

દરેક તહેવારની જેમ મકરસંક્રાંતિ પણ હિંદુ ધર્મમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ તહેવાર દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ તહેવાર પર તલ-ગોળનું દાન અને સેવન કરવાનું ઘણું મહત્વ છે. આ દિવસે ઘરોમાં તલ-ગોળના લાડુ બનાવવામાં આવે છે.

તલના લાડુ જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ પૌષ્ટિક પણ હોય છે. તલ અને ગોળમાં એવા અનેક ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ તેનું નિયમિત સેવન કરે છે તો તેની રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે, જે વિવિધ બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે. તો ચાલો હવે જાણીએ કે તલના લાડુ ખાવાના શું ફાયદા છે.

રોગપ્રતિકારક શક્તિ વધે : તલમાં ઝીંક સારી માત્રામાં જોવા મળે છે. ઝીંકની સાથે સાથે આયર્ન, સેલેનિયમ, કોપર, વિટામીન B6 અને વિટામીન E રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ 30 ગ્રામ તલનું સેવન કરે છે, તો તેને ઝિંકની દૈનિક જરૂરિયાતના 20 ટકા ઝીંક મળે છે. બીજી તરફ, ગોળમાં પણ ઝિંક જોવા મળે છે, તેથી જો કોઈ વ્યક્તિ તલ અને ગોળના લાડુનું સેવન કરે છે, તો તેની રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે.

શરીરને ગરમ રાખે : તલ અને ગોળ બંને ગરમ હોવાથી તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે. શિયાળાની ઋતુમાં તેમાંથી બનાવેલા લાડુનું નિયમિત સેવન કરવાથી શરીર અંદરથી ગરમ રહે છે અને શરીરમાં ઠંડીનો અનુભવ થતો નથી.

સુગર કંટ્રોલમાં રાખે : તલમાં કાર્બોહાઇડ્રેટ ખૂબ જ ઓછું હોય છે અને પ્રોટીનની સાથે હેલ્ધી ફેટ વધુ માત્રામાં જોવા મળે છે. તેથી તેનું સેવન કરવાથી સુગરને નિયંત્રિત કરી શકાય છે.

તલના બીજમાં પિનોરેસિનોલ સંયોજન પણ હોય છે જે પાચન એન્ઝાઇમ, માલ્ટેઝની ક્રિયાને અટકાવીને શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે, ડાયાબિટીસ અથવા સુગરની સમસ્યાવાળા લોકોએ તલ અને ગોળના લાડુનું સેવન ન કરવું જોઈએ, નિષ્ણાતની સલાહ મુજબ અન્ય કોઈપણ રીતે તલનું સેવન કરવું જોઈએ.

ઘૂંટણના દુ:ખાવામાં મદદ કરે છે : સાંધામાં સોજો એટલે કે ઓસ્ટિઓઆર્થરાઇટિસ (Osteoarthritis – અસ્થિવા) એ સાંધાના દુ:ખાવાનું સૌથી સામાન્ય કારણ છે, જે ઘણીવાર ઘૂંટણને વધુ અસર કરે છે. આમાં ઘણા પરિબળો સામેલ છે, જેમાં સાંધાને ગાદી આપતા કાર્ટિલેજમાં સોજો અને તણાવનો સમાવેશ થાય છે.

તલના બીજમાં સેસમિન (Sesamin) નામનું સંયોજન હોય છે, જે એન્ટીઇમ્ફ્લામેટ્રી અને એન્ટીઑકિસડન્ટ અસર ધરાવે છે. તે ઘૂંટણની કાર્ટિલેજનું રક્ષણ કરે છે, જે ઘૂંટણનો દુ:ખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

થાઈરોઈડમાં ફાયદાકારક : છાલ વગરના અને છાલ વાળા તલના બીજમાં સેલેનિયમ (Selenium) સારી માત્રામાં જોવા મળે છે. 30 ગ્રામ તલ સેલેનિયમની દૈનિક જરૂરિયાતના 18 ટકા પૂરા પાડે છે. થાઈરોઈડ હોર્મોન બનાવવામાં તલ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી જો કોઈને થાઈરોઈડની સમસ્યા હોય તો તલનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અન્ય ફાયદા : આ સિવાય તલ ખાવાના અન્ય ફાયદાઓ પણ છે. જેમ કે તે હાડકાંને મજબૂત કરી શકે છે, એન્ટીઑકિસડન્ટનો સારો સ્ત્રોત છે, સોજો ઘટાડી શકે છે, પ્રેશર ઘટાડી શકે છે, પ્લાન્ટ પ્રોટીનનો સારો સ્ત્રોત છે, ફાઇબરનો સારો સ્ત્રોત છે વગેરે.

નોંધ : જો કોઈને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તલના લાડુનું સેવન કરો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.