જાણો એ કયા અસામાજિક તત્વો એ ભગવાન સ્વામીનારાયણ ને રામ, લક્ષ્મણ, જાનકીની મૂર્તિઓ પધરાવતા રોક્યા

આ ઐતિહાસિક ઘટના સંવંત 1859-60 એટલે કે ઈસવીસન 1802-1803 ની છે આ કોઈ વાર્તા નથી પણ ઈતિહાસ માં બનેલી સત્ય ઘટના છે જેના કારણે ભગવાન સ્વમીનારાયણ જેમણે વચનામૃત માં ભગવાન રામ અને સીતા જેવી ભક્તિ કરતા ખુબ વખાણ કર્યા છે પણ એવી એક ઘટના થી તેમની મૂર્તિ નાં પધરાવી શક્યા.

માંગરોળમાં જ્યાં રામાનંદ સ્વામીએ દરિયા કિનારે મંદિર કર્યું હતું તેમાં ગોપીદાસ, જાનકીદાસ, શીતળદાસ વગેરે સાધુઓ રહેતા હતા. તેઓ રધુનાથદાસના મળતિયા હતા અને શ્રીહરિના દ્રેષી હતા. તેઓ માનતા કે આ શ્રીહરિએ વૃદ્ધ રામાનંદ સ્વામીને ગમે તેમ સમજાવી ગાદી પચાવી લીધી છે., જયારે ગાદીનો ખરો હકદાર તો રઘુનાથદાસ છે. તે કહેતા કે રામાનંદ સ્વામી રાધાકૃષ્ણની ચલ મૂર્તિ પૂજતા તે શ્રીહરિ પાસે હતી, તેથી જ શ્રીહરિ આવા ચમત્કારો બતાવી શકતા હતા.

રાધાકૃષ્ણની મૂર્તિ શ્રીહરિ પાસેથી લઇ લેવા એક દિવસ તેઓ જૂથમાં આવ્યા. શ્રીહરિ તે સમયે પૂજા કરતા હતા. તેમને શ્રીહરિને કહ્યું : “આ રાધા-કૃષ્ણની પ્રતિમા અમને આપી દો. અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી તમે પરાણે પડાવી લીધી છે.”

આ અડબંગી સાધુઓનો આવો મિથ્યા પ્રલાપ સાંભળી શ્રીહરિ સાથેના સાધુઓ જરા ઊંચા-નીચા થવા લાગ્યા, પરંતુ શ્રીહરિએ તેમને કહ્યું : “આપણે શાંતિ રાખવી. તેમને મૂર્તિઓ લઇ જવી હોય તો ભલે લઇ જાય.”

પરંતુ એમ કાંઈ તે મૂર્તિઓ આ અડબંગી સાધુઓને આપી દે તેવા શ્રીહરિ સાથેના સાધુઓ ન હતા. તેમણે કહ્યું : “રામાનંદ સ્વામીએ પોતે જ આપને મૂર્તિઓ પૂજવા આપી છે. રામાનંદ સ્વામીના સ્થાને આપ છો, તેથી આ મૂર્તિઓ તો તેમને અપાય જ નહિ.”

શ્રીહરિને થયું કે આમાંથી નકામો ક્લેશ થશે. તેમને શાંતિથી પૂજાવિધિ પૂરો કર્યો, પરંતુ પેલા અડબંગી બાવાઓ તો કોલાહલ કરવા માંડ્યા.

એટલામાં એક હરિભક્ત ત્યાંથી નવાબ સાહેબને આ ધાંધલના સમાચાર આપવા દોડી ગયો. નવાબને આ સમાચાર મળ્યા. પોતે જેને ગુરુ માને છે, જે ખુદાના પયગંબર છે તેમને બાવાઓ હેરાન કરે છે, તે સમાચાર સાંભળી નવાબે તરત જ આરબોની એક ટુકડી ત્યાં મોકલી. આરબ સિપાઈઓને આવતા જોઈ બાવાઓ ગભરાયા. આરબીએ તેમને કહ્યું : “યહાં ધાંધલ નહિ કરના, વરના મર જાયેગા.”

બાવાઓને લાગ્યું કે હવે ધાંધલ કરવાથી મામલો વિશેષ બગડશે. તેઓ શાંતિથી ત્યાંથી ચાલી ગયા. બાવાઓએ નક્કી કર્યું કે હવે ત્રાગું કરવું. ચિતા તૈયાર કરી. શરીરે ટીલાં-ટપકાં કરી ગળામાં ફુલહાર પહેરી નીકળ્યા. ‘રામ રમણકી ત્યારી રામ, પ્રાણ પ્રયાણ કર જારી રામ’ – એમ બોલતા જાય અને ચિતાઓની પ્રદક્ષિણા કરતા જાય.

આ સમાચાર દરબારમાં નવાબ સાહેબને મળ્યા. તેમને તરત જ પોતાના કારભારી અમરસિંહ તથા દેવજીભાઈ લુહાણા, શામજીભાઈ તથા નગરશેઠ વગેરેને શ્રીહરિ પાસે મોકલ્યા. શ્રીહરિને પણ આ અનિચ્છનીય બનાવ અટકાવવો હતો.

શ્રીહરિને નમસ્કાર કરી તેઓ તેમની સન્મુખ બેઠા. ગોપીદાસ, શીતલદાસ, જાનકીદાસ વગેરેને પણ ત્યાં બોલાવ્યા. તેમણે તેમની હકિકત પૂછી ત્યારે તેમણે કહ્યું : ” અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી રાધાકૃષ્ણની મૂર્તિઓ આમણે છીનવી લીધી છે, તે અપાવો.”

અમરસિંહ તેમની આ વાહિયાત વાત સાંભળી જરા ગુસ્સે થઈને તેમને કહ્યું : “તમારા ત્યાગ, ધતિંગ બધું અમે જાણીએ છીએ. રાધાકૃષ્ણની મૂર્તિઓ તો શ્રીહરિ પાસે જ રહશે. તે સિવાય તમારે જે કહેવું હોય તે કહો.”

બાવાઓ મુંઝાયા. તેમણે કહ્યું : “આ શ્રીહરિ પાસે રાધાકૃષ્ણની મૂર્તિઓ છે તેથી તે ચમત્કાર બતાવે છે. અમારા મંદિરમાંની રામ. લક્ષ્મણ અને જાનકીજીની મૂર્તિઓ પણ જો ચમત્કાર કરીને પડાવી લે તો અમારી આજીવિકા બંધ થઇ જશે.”

શ્રીહરિ આ સાંભળી હસ્યાં. તેમણે કહ્યું : “અમારા સાધુ તો ભિક્ષા માંગીને નિર્વાહ કરશે, પરંતુ દેવનું સ્થાપન કરી, તેમના નિમિતે પદાર્થો ભેગા કરી ભોગવશે નહિ.”

એટલું કહીને શ્રીહરિએ તેમની સામે જોયું. પછી પંચને સંબોધીને તેમણે કહ્યું : “આ સર્વે સાધુઓ તો અમારા ગુરુભાઈઓ છે. તેઓ અમને જુદા માને છે પણ અમે તેમને જુદા માનતા નથી. એમની આજીવિકા બંધ કરવાનો અમારો હેતુ પણ નથી. માટે આપ સર્વે પંચના સભ્યો જેમ કહેશો તેમ અમે કરીશું.”

શ્રીહરિની આ વાત સાંભળી પંચના સભ્યોએ મસલત કરી નક્કી કરી લીધું. અમરસિંહ કારભારી સૌના વતી બોલ્યા : ” તો હવે અમે તમને કહીએ છીએ કે રામાનંદ સ્વામીએ જે રાધાકૃષ્ણની મૂર્તિઓ આ શ્રીહરિને આપી છે તે તો તેમની પાસે જ રહેશે, પણ તમારા મંદિરમાં રામ, લક્ષ્મણ અને જાનકીજીની મૂર્તિઓ રામાનંદ સ્વામીના વખતની છે તે તમારા કબજાની ગણાશે.”(ગોપીદાસ વગેરે અડ્બંગી ઓ ની)

શ્રીહરિ તથા તેમના સંતો આ ચુકાદો સાંભળી રાજી થયા. બાવાઓ શાંત પડ્યા, પણ ગોપીદાસને કાંઈક ચટપટી થઇ. તેથી તે એકદમ બોલી ઊઠયો : “જો આ શ્રીહરિ નવા મંદિરો કરે અને એમાં રામ-લક્ષ્મણની મૂર્તિઓ પધરાવે તો અમારા જુના મંદિરોની કાંઈ કિંમત રહે નહિ અને કોઈ ત્યાં દર્શને પણ ન આવે.”

પંચના સભ્યોને ગોપીદાસની દહેશનમાં કાંઈ વજૂદ દેખાયું નહિ. શામજી શેઠ તથા નગરશેઠ અને અન્ય શાણા વણિકો જે ત્યાં આવી ગયા હતા તેમને બાવાઓની દયા આવી. આજીવિકા માટે જ મૂર્તિઓનું પૂજન-અર્ચન કરનારા આ બાવાઓએ પૂજેલી મૂર્તિઓમાં કેટલું દૈવત હોય !

શામજી શેઠે કહ્યું : ” જુઓ, લોકો તો જ્યાં મૂર્તિઓમાં દૈવત હશે, જ્યાં મનને શાંતિ મળશે, અંતરમાં ભક્તિના ભાવ જાગશે ત્યાં જ જશે;  પરંતુ કેવળ મૂર્તિઓ જોઈ કોઈ દર્શન કરવા નહિ આવે. રામાનંદ સ્વામીએ મૂર્તિઓ પધરાવી ત્યારે તેમાં દૈવત હતું, પરંતુ તમારા છળકપટભર્યા ભાવથી હવે એ મૂર્તિઓમાં ભગવાનનો વાસ હોય ખરો ?”

શ્રીહરિ તથા તેમના સાધુઓ શાંતિથી આ બધી વાતો સાંભળતા હતા. તેમને પંચના સભ્યોને કહ્યું : “આમને કેવળ ઉદરપોષણનો સ્વાર્થ છે. તમે જે નિર્ણય કરશો તે અમારે માન્ય છે.”

પંચના સભ્યોએ મસલત કરી. પછી અમરસિંહે કહ્યું : “શ્રીહરિ જે નવા મંદિરો કરે તેમાં તેમણે રામ, લક્ષ્મણ અને જાનકીજીની મૂર્તિઓ પધરાવવી નહિ; પરંતુ રાધાકૃષ્ણ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ વગેરે દેવોની મૂર્તિઓ પધરાવવી. વળી, તમારે નવા મંદિરો કરવા પડે તો તમારે રાધાકૃષ્ણ વગેરે દેવોની મૂર્તિઓ પધરાવવી નહિ. આટલો આમારો નિર્ણય બંને પક્ષે માન્ય રાખવાનો.”

શ્રીહરિ તરત જ પોતાની સંમતિ આપી. ગોપીદાસ, જાનકીદાસ વગેરેએ પણ કબુલ કર્યું.

‘અમે રામાનંદ સ્વામીના શિષ્યો છીએ, મૂળ સંપ્રદાય અમારો છે, રામાનંદ સ્વામીએ કરેલા મંદિરો અમારા છે, નીલકંઠ વર્ણી તો નવા આવેલા છે, તે મંદિરો ન કરી શકે, મૂર્તિઓ ન પધરાવી શકે’ – આવા આવા ઝઘડાઓમાં જયારે સાધુઓ પડે છે ત્યારે તેઓ સાધુતા ખોઈ બાવા બની જાય છે. જેમણે કેવળ ઉદરપોષણ માટે જ ભેખ લીધો હોય, ‘નવા મંદિરો થતા અમારા મંદિરો પડી ભાગશે, અમારી આજીવિકા ટળી જશે,’ એમ પોતાના યોગ અને ક્ષેમ માટે પરમાત્માનો આશ્રય છોડી જે પંચનો કે અદાલતનો આશ્રય લેતા હોય તેઓ ભક્તિના કે જ્ઞાનના પાઠ ભણ્યા જ નથી, સંત્સગના રંગે રંગાયા જ નથી.

પરમાત્માની પ્રતિષ્ઠા પરમાત્મ-ભાવ સિદ્ધ કરેલા સત્પુરુષો કરી શકે છે. તે મંદિરો ભક્તોથી ઊભરાય, તેમાં સ્થાયેલી મૂર્તિઓમાં તેમને પરમાત્મભાવની પ્રતીતિ આવે. તે જોઈ ક્લેશ, ઈર્ષા કે ઝઘડો કરવા કરતા ભક્તિભાવ કેળવી પરમાત્માનું આહવાન પોતાના મંદિરોમાં કરવું તેમાં પરમાત્મા પ્રત્યે વિશેષ ભક્તિ છે.

બાવાઓ ફરી ધાંધલ ન કરે તે માટે પંચે લખાણ કર્યું : “માંગરોળમાં તથા ભુજનગરમાં રામાનંદ સ્વામીના બે મંદિરો છે તેની માલિકી શીતલદાસ તથા જાનકીદાસની રહેશે અને અમદાવાદમાં રામાનંદ સ્વામીના બે મંદિરો છે તેની માલિકી રઘુનાથદાસ તથા ગોપીદાસની રહેશે. તે ઉપરાંત જમીન, વસ્ત્રો, પાદુકા, વાહન વગેરે જે જેના કબજામાં હોય તે તેની માલિકીનું ગણાશે.”

આ પ્રમાણે દસ્તાવેજ તૈયાર કરી તેમાં શીતલદાસ તથા જાનકીદાસ વતી શામજી લુવાણાની સહી લીધી, રઘુનાથદાસ તથા ગોપીદાસના વતી અમદાવાદના ચતુર્વેદ નાગરે સહી કરી અને શ્રીહરિ વતી શેઠ ગોવર્ધનભાઈએ સહી કરી દસ્તાવેજની ત્રણ નકલો કરી. ત્રણેને સહીવાળી એક એક નકલ આપી. આ રીતે સમાધાન કર્યું.

બાવાઓ રાજી થયા. શ્રીહરિએ પણ પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા; પરંતુ તે આશીર્વાદની તેમને જરૂર ન હતી, તેમને મિલકતની જરૂર હતી.

આ છે ભગવાન સ્વામીનારાયણ ને સીતારામ ની મૂર્તિ નાં પધરાવવા દેવાનું ઐતિહાસિક દસ્તાવેજી કારણ જે સ્વામીનારાયણ સંપ્રદાય નાં પ્રમાણ ભૂત ગ્રંથો માં પણ તમને મળી રહેશે.