ભારત 2026 માં જર્મનીને પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે, 2034 માં જાપાન પાછળ હશે

ભારત 2026 માં જર્મનીને પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. યુકેમાં આવેલા સેંટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (સીઈબીઆર) ના તાજા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં એ પણ આશા જણાવવામાં આવી છે કે, ભારત 2034 માં જાપાનથી આગળ નીકળી જશે અને અમેરિકા, ચીન પછી ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા હશે. સીઈબીઆરે એ પણ કહ્યું કે, ભારતની જીડીપી 2026 સુધી 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. જો કે મોદી સરકારે આ લક્ષ્ય માટે 2024 નિર્ધારિત કર્યું છે.

ભારત 2019 માં ફ્રાંસ અને યુકેને પાછળ છોડીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું :

‘વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ 2020’ શીર્ષક વાળા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત 2019 માં ફ્રાંસ અને યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) ને પાછળ છોડીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આ સંસ્થા અનુસાર, આવતા 15 વર્ષ સુધી ભારત, જાપાન અને જર્મની વચ્ચે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહેવા લડાઈ થશે. જો કે અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિને જોતા આ લક્ષ્યને પ્રાપ્ત કરવું સરળ નથી દેખાઈ રહ્યું.

હાલમાં જ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સી રંગરાજને કહ્યું હતું, હાલના વિકાસદરના હિસાબે ભારત 2024-25 માં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બની જશે, એવું શક્ય નથી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.