ગરીબ પરિવારને યોજના હેઠળ આપેલી ભેંસ થોડા દિવસમાં મરી ગઈ, પછી જે વહીવટ થયો તે દરેકે જાણવો જોઈએ

હું બરવાળા ફરજ બજાવતો હતો એ વખતે અમે ગરીબ બી.પી.એલ.પરિવારો, અનુસૂચિત જાતિ પરિવારો અને વિધવા મહિલાના પરિવારોને દૂઝણી ભેંસની સહાયની યોજના બનાવી હતી. એ વખતે કુદરતી રીતે એક ગરીબ પરિવારને આપેલી ભેંસ મરી જવાની ઘટના બને છે. જેની સુખાંતવાળી હૃદયને કરુણા અને આનંદથી ભરી દેતી સત્યકથા આજે આપની સામે મૂકું છું.આશા છે આ સત્યકથા આપના મન-હૃદયને લાગણીથી ભીંજવશે.

નવી રીતના વહીવટની વાત

વર્ષ 2013-14ની વાત છે. તાલુકા વિકાસ અધિકારી તરીકે મને બે વર્ષ પૂરાં થઈ ગયા હતા. મારું પોસ્ટિંગ જયારે બરવાળા ખાતે થયું ત્યારે મને અનેક લોકોએ કહેલું કે અઘરો તાલુકો છે.જોઈને ચાલજો નહીંતર કાઠું પડશે.

પણ,મારા બે વર્ષના કાર્યકાળના અંતે હું એટલું ચોક્કસ કહી શકું છું કે આ તાલુકાએ મને અખૂટ પ્રેમ આપ્યો છે. અહીંનો મારો કાર્યકાળ મારા જીવનનું શ્રેષ્ઠ સંભારણું બની રહ્યો છે. વહીવટી અને ચૂંટાયેલી પાંખના સહિયારા પ્રયાસોથી અમે એ ત્રણ વર્ષમાં ખૂબ સારા પ્રજાલક્ષી કામો કરી શક્યા હતા.

લાખો કરોડોની ગ્રાન્ટનો ઉપયોગ પ્રજાભિમુખ કામો માટે થાય એ અમારી પ્રાથમિકતા રહેતી.કોલગી સમિતિની ભલામણ મુજબ બરવાળા તાલુકો વિકાસશીલ તાલુકો હતો.અમારે એને વિકસિત તાલુકાના સ્તરે લઈ જવાનો હતો.

આ પ્રયાસના ભાગરૂપે અમે તાલુકાના વંચિત લોકોની સુખાકારી માટે એક નવતર યોજના બનાવી હતી. એ યોજના મુજબ બી.પી.એલ.પરિવારો પૈકીના અતિ ગરીબ પરિવારો, અનુસૂચિત જાતિના પરિવારો અને વિધવા મહિલાઓને દૂધાળા પશુ આપવાના હતા. આવા પાંચસો લાયક પરિવારોને શોધી અમારે એમને એક એક દૂઝણી ભેંસ આપવાની હતી.એક ભેંસની કિમત રૂ.40000/-નક્કી કરવામાં આવેલી. લાભાર્થીએ ફક્ત રૂ.7500/-નો લોકફાળો ભરવાનો હતો. બાકીના 32500/- સરકારે ભોગવવાના હતા. સમગ્ર રાજ્યમાં એકમાત્ર બરવાળા તાલુકા માટે જ આવી યોજના ઘડાઈ હતી.

મેં મારા કર્મશીલ તલાટી મિત્રો પાસે સર્વે કરાવી દરેક ગામમાંથી જરૂરિયાતમંદ પરિવારોની યાદી તૈયાર કરાવી લીધી હતી. અમારે એ મુજબ આગળની કામગીરી તબક્કાવાર આરંભવાની હતી.

ભેંસોની ખરીદી અને એનું વિતરણ વાત કરીએ એટલું સહેલું નહોતું. મેં ઓફિસ અને ફિલ્ડના સ્ટાફમિત્રોની મિટીંગ બોલાવી આ અભૂતપૂર્વ પ્રોજેક્ટ માટે સૌને નિષ્ઠાથી કામ કરવા અને ક્યાંય તાલુકાને લાંછન ન લાગે એમ કામ કરવા હાકલ કરી. સ્ટાફે ઉત્સાહથી પ્રામાણિકતા સાથે કામ કરવા મને વચન આપ્યું. માન.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શાહ સાહેબનું પીઠબળ અને માર્ગદર્શન અમારી સાથે હતું.

સો લાભાર્થીઓનો રૂ.7500/-લેખે ફાળો જમા થતા અમે ભેંસોની ખરીદીનું કામ આદર્યું.આટલી બધી ભેંસો પૂરી પાડી શકે એવી એજન્સીની અમને જરૂર હતી એટલે અમે એક પ્રતિષ્ઠિત ડેરીનો સંપર્ક કર્યો. ડેરીના પ્રતિનિધિ મિટીંગ માટે બરવાળા આવ્યા એટલે અમારી વાટાઘાટો શરું થઈ.

વાતની મેં શરૂઆત કરી. ‘અમારે તબક્કાવાર 500 ભેંસો જોઈએ છે. તમે પૂરી પાડી શકશો? વંચિતો માટેની યોજનામાં અમારે નમૂનારૂપ કામ કરવું છે.ભેંસની રૂ.40000/-ની કિમત પૈકી રૂ.7500/-લાભાર્થી આપશે અને બાકીની રકમ અમે એટલે કે સરકાર ચૂકવશે.’

“હા, સર! આખી યોજના મેં જોઈ લીધી છે. ભેંસો અમે તબક્કાવાર આપ જણાવો એ રીતે પૂરી પાડીશું.આપ જણાવશો એ રીતે અમે બધું ગોઠવી આપીશું. આપને ફરિયાદ નહીં રહે.”

પ્રતિનિધિ મભમમાં ઘણું બોલી ગયા.

‘જુઓ, મારી બે શરત છે. એ તમે પૂરી કરો તો કાલે જ આપણે એગ્રીમેન્ટ પણ કરી લઈશું.’

“આદેશ કરો સર!”

‘મારી એવી લાગણી છે કે તમે બધી ભેંસો અમને ત્રણ વેતર સુધીના વિયાણ વાળી જ આપશો. અને હા, દરેક ભેંસ સાથે મારે બચ્ચામાં પાડી જ જોઈએ છે.’

હું હજુ આગળ બોલું એ પહેલા તેઓ હસી પડ્યા.

“સર! એ વાત કેમ બની શકે? ભેંસને જે આવ્યું હોય એ જ અમે તો આપીએને? બચ્ચામાં પાડી પણ હોય અને પાડો પણ હોય.આપનું લોજીક મને નથી સમજાતું સર!”

મેં એમને અટકાવ્યા અને કહ્યું. ‘આ ભેંસો ગરીબ પરિવારોને આપવાની છે. તેઓ રૂ.7500/-ભરવાના છે. એમને બચ્ચામાં પાડા વાળી ભેંસ મળે તો પાડો તો બે-ત્રણ મહિનામાં મરી જાય. પછી એ ભેંસ દોહવા ન દે અને લાભાર્થીને ફાળાના ભરેલા પૈસા માથે પડે. બે વરસ ભેંસ પાલવે પછી છેક ફરીવાર લાભાર્થી દૂધ ભાળે.

બચ્ચામાં પાડી હોય તો એ ત્રણ-ચાર વરસમાં ભેંસ બની જાય એટલે પરિવારને બહુ મોટો આર્થિક લાભ થાય.આપણે એમની સામે જોવાનું છે. તમારે તો ભેંસો માર્કેટમાંથી ખરીદીને અમને પૂરી પાડવાની છે એટલે તમારે બચ્ચામાં પાડી હોય એવી જ ભેંસો ખરીદવાની છે.અને બીજી એક વાત કે વિયાણને એક મહિનાથી વધું સમય થયો હોય એવી ભેંસ અમને નહીં આપવાની.’

મેં એમને આખી વાતનો ફોડ પાડ્યો.

“સાહેબ! આપ તો બધી વાતે અમને બાંધો છો. પણ, આપની વાત મને હૃદયમાં ઉતરી ગઈ છે. ગરીબો માટે અમે એ પણ કરીશું.”

વાત ફાઈનલ થઈ એટલે બીજા દિવસે એગ્રીમેન્ટ કરવાનું નક્કી થયું. જતા જતા એણે મને સંકોચ સાથે પૂછી લીધું.

‘સર! આમાં મારે તમારું શું રાખવાનું છે એ મને કહી દેજો.’

“મને સારી ભેંસો સિવાય કાંઈ નથી જોઈતું અને જોઈશે તો હું સામેથી માંગી લઈશ.”એમ કહી મેં એમને વિદાય કર્યાં.

પછી તો બીજે દિવસે એગ્રીમેન્ટ થઈ ગયા. બીજા સપ્તાહમાં દસ ભેંસોનો લોટ વાહનમાં આવી ગયો. ધારાસભ્યશ્રી, લાભાર્થીઓ, આગેવાનોની હાજરીમાં ડ્રો સિસ્ટમથી ચિઠ્ઠી મારફત ભેંસોનું વિતરણ થયું. ગરીબ પરિવારોમાં આનંદ આનંદ છવાઈ ગયો.

એક પછી એક એમ દસ ડ્રો કરી અમે સો ભેંસો તાલુકાના ગામડાઓમાં પહોંચતી કરી દીધી. એ વખતે આપણા પૂર્વ મુખ્યમંત્રી માન.શ્રીમતી આનંદીબહેન પટેલ અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી હતા. તેઓ પણ આ પ્રોજેક્ટ ઉપર સીધી નજર રાખી અમને બળ પૂરું પાડતાં હતાં.

વાત હવે અહીંથી વળાંક લે છે. એક દિવસ હું ઓફિસકામમાં વ્યસ્ત હતો ત્યારે એક પરિવાર મારી મુલાકાતે આવે છે. એને હું આવકારી કામની વિગત જણાવવા કહું છું.

‘સાબ્ય! હું રામપરેથી (રામપરા ગામ)આવું સુ.હટાણું કરવા આવ્યા’તા. મારું નામ વાલજી જાદવ કોલાદરા સે. આ મારા પત્ની સે. મજૂરી કરી અમે ગુજારો કરવી સવી. યાદ હોય તો તમે અમને સહાયમાં બે મયના પે’લા ભેંસ આપી’તી. આઠ શેર દૂધ કાઢતી’તી.અમને થયું કે હવે અમે તરી જાશું, પણ કરમની કઠણાઈ તે પંદર દી પેલા ભેંસ અનરવી થઈ ને બીજે દી મરી ગઈ. અમારા સાડા સાત હજાર ય વસુલ નો થ્યા.’

એ જેમ જેમ બોલતા ગયા એમ એમ મારો મુંજારો વધતો ગયો.

‘આ તો આંયા આવ્યા એટલે થયું કે તમને મળતા જાવી. ફરિયાદ કરવા નથી આવ્યા. ભેંસ તો બોવ સરસ હતી, પણ અમારા ભાગ્યમાં નહીં એટલે બીજા શું કરે? ભલે સાબ્ય અમે રજા લેવી.’

એટલું બોલી પતિ-પત્ની ઊભા થયા. હું એને જતાં જોઈ રહ્યો. મને એ રાત્રે ઊંઘ ન આવી.

બીજા દિવસે મેં ડેરીના પ્રતિનિધિને ફોન કરી મારી ઓફિસે બોલાવી લીધા.મદદનીશ ટી. ડી. ઓ. અને મારા વહીવટી ગુરુ જયુભા ચુડાસમા, તલાટી મંડળના આગેવાન સહદેવસિંહ,રામપરાના તલાટી જનકભાઈ, વાલજીભાઈ કોલાદરા અને એમના પત્ની પણ ઓફિસમાં હાજર હતાં.

પેલા પ્રતિનિધિએ મને ઈશારો કર્યો કે આ લોકો થોડીવાર બહાર જાય તો આપણે પેલું સમજી લઈએ.મેં એમને ઈશારો કરી શાંત રાખ્યા.

મારે તો બધો વહેવાર બધાની હાજરીમાં જ સમજવો હતો એટલે મેં એમને સંબોધીને કહ્યું.

‘જુઓ, આ વાલજીભાઈ આપણા લાભાર્થી છે. આ એમના ગામના તલાટી છે. બાકીના સ્ટાફ મિત્રો છે.રામપરાના આ પરિવારને આપણે ભેંસ આપી હતી. કુદરતી સંજોગોને લીધે એ મહિનામાં મરી ગઈ છે. દોષ નસીબનો છે. એમને સાડા સાત હજાર જેટલું વળતર પણ નથી મળ્યું.મારી ઈચ્છા છે કે તમે એમને લાભાર્થી ફાળાની રકમ પ્રેમપૂર્વક પરત આપી દ્યો.આ પરિવારને બહુ મોટો સધિયારો મળશે અને તમારા કહેવા મુજબ મારા વહીવટની વાત પણ સચવાઈ જશે.’

હું વધું કાંઈ આગળ બોલું એ પહેલા તેઓ ઊભા થઈ ગયા. ખિસ્સામાંથી રૂપિયા સાડા સાત હજાર કાઢ્યા અને પેલા પરિવાર સામે હોંશથી ધરી દીધા.

વાલજીભાઈ અને એના પત્નીએ બહુ આનાકાની પછી મારા આગ્રહને વશ થઈ પૈસા સ્વીકાર્યા. વાલજીભાઈ અને એમના પત્નીની આંખોમાં આ ભાવુક ક્ષણોને કારણે ભેજ તગતગી રહ્યો હતો.ડેરીના પ્રતિનિધિ અવાક હતા અને મારું હૃદય આનંદિત હતું.જયુભા અને સહદેવસિંહ પણ ગદગદિત હતા.

જવા માટે પગ ઉપાડતી વખતે એ પ્રતિનિધિ જે બોલ્યા એ આ મુજબ હતું.

“સાહેબ! મેં વહીવટ થતા તો બહુ જોયા છે, પણ આવો વહીવટ થતો પહેલીવાર જોયો છે. આવો વહીવટ કરવાનો થાય ત્યાં મને બેધડક યાદ કરજો.”

આટલું કહી એમણે વિદાય લીધી અને હું મારા કામમાં પરોવાયો. એ રાત્રે હું આખી રાત નિરાંતે ઊંઘ્યો.

-રવજી ગાબાણી