ભૂખ્યા બાળકોનું પેટ ભરવા માટે માં એ પોતે મુંડન કરાવ્યું, પણ મળ્યા ફક્ત 150 રૂપિયા

તમિલનાડુના સલેમ શહેરમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સલેમમાં 3 બાળકોની માતા પ્રેમા (ઉંમર 31 વર્ષ) એ પોતાના ભૂખ્યા બાળકોનું પેટ ભરવા માટે પોતાનું મુંડન કરાવવું પડ્યું. જયારે પ્રેમાએ પોતાના વાળને વેચ્યા તો તેને ફક્ત 150 રૂપિયા જ મળ્યા. પ્રેમાનો પતિ સેલ્વને દેવાના દબાણમાં આવીને 7 મહિના પહેલા આત્મહત્યા કરી લીધી હતી.

પ્રેમાનો પતિ સેલ્વન ઈંટની ભઠ્ઠીમાં મજુર હતો. તેમણે પોતાના પરિવારની દરરોજની જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે દેવું લઇ લીધું હતું. તેના પર 2 લાખ રૂપિયાનું દેવું હતું. પ્રેમા પણ ઈંટની ભઠ્ઠીમાં મજૂરી કામ કરે છે. પ્રેમા પાસે જે પૈસા હતા તે પુરા થઇ ચુક્યા હતા. તેના પછી તેણે મિત્ર અને સંબંધીઓ પાસેથી મદદ માંગી. પરંતુ કોઈએ કાંઈ મદદ કરી નહિ.

આ દરમિયાન એક માણસે પ્રેમાને જણાવ્યું કે, જો તું પોતાના માથાના વાળ કાપીને તેને આપી દે તો તે તેને પૈસા આપી શકે છે. તે વ્યક્તિ પ્રેમાના વાળમાંથી ટોપી બનાવવા માંગતો હતો. એ પછી પ્રેમાએ પોતાના વાળ 150 રૂપિયામાં વેચી દીધા. પ્રેમાએ આ પૈસાથી પોતાના ભૂખ્યા બાળકોને જમવાનું આપ્યું. દેવામાં ડૂબેલ પ્રેમાએ પણ પોતાના પતિ સેલ્વનની જેમ જ આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું, પરંતુ ત્યારે જ તેને આશાની કિરણ દેખાઈ.

આ વાત જયારે બાલા નામના ગ્રાફિક ડિઝાઈનરને ખબર પડી, તો તેણે સોશિયલ મીડિયા પર એને શેયર કરી દીધી. એ પછી સોશિયલ મીડિયા પર લોકો પ્રેમા અને તેના બાળકની મદદ માટે આગળ આવ્યા. ક્રાઉડ ફંડિંગ દ્વારા મદદ મળવા લાગી અને લોકો પ્રેમા અને તેના બાળકો માટે પૈસા મોકલવા લાગ્યા. આ સમાચાર લખાઈ જવા સુધી પ્રેમા અને તેના બાળકો માટે 1 લાખ 45 હજાર રૂપિયાની આર્થિક મદદ આવી ચુકી છે. આના સિવાય જિલ્લા પ્રશાસને પ્રેમાના વિધવા પેંશનને મંજૂરી આપી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.