રખડતો આખલો ખાઈ ગયો 4 તોલા સોનું, હવે સોનું પાછું મેળવવા થઈ રહી છે આખલાની સેવાચાકરી

હરિયાણાના કાલાંવાલીથી એક વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ ભૂલથી શાકભાજી સાથે 4 તોલા સોનું પણ ઘરની બહાર ફેંકી દીધું. ત્યારબાદ ગલીમાં ફરી રહેલો એક આખલો શાકભાજીની સાથે સાથે સોનાના ઘરેણાં પણ ગળી ગયો.

પરિવાર એ સમયે આઘાતમાં આવી ગયો જયારે તેમને ઘરમાંથી ઘરેણાં ગાયબ થઈ જવાની વાત ખબર પડી. ઘરેણાં શોધવા માટે સીસીટીવી કેમેરાની તપાસ કરી તો ખબર પડી કે, એમનું સોનું એક રખડતો આખલો શાકભાજીઓ સાથે ગળી ગયો છે.

એ પછી આખો પરિવાર આખલાને શોધવામાં લાગી ગયો. છેવટે કલાકો સુધી મથ્યા પછી એ પરિવાર પેલા આખલાને પકડીને ઘરે લઈ આવ્યો. એ પછી તેમણે આખલાને ઘર નજીક એક ખુલ્લી જગ્યા પર બાંધી દીધો. હવે આ પરિવાર આખલાની ખુબ સેવાચાકરી કરી રહ્યો છે. આખલાને લીલો ચારો, ગોળ, કેળા વગેરે ખવડાવવામાં આવી રહ્યું છે, જેથી તે ગોબર કરે એમાં સોનું નીકળી આવે. પણ અત્યાર સુધી એમને કોઈ સફળતા મળી નથી.

હકીકતમાં આ કિસ્સો કાલાંવાલીના વોર્ડ નંબર 6 માં આવેલા જનકરાજના ઘરનો જણાવવામાં આવી રહ્યો છે. ગયા શુક્રવારે એમનો પરિવાર કોઈ સમારોહમાંથી ઘરે આવ્યો હતો, આ દરમ્યાન ઘરની મહિલાઓ રસોડાના કોઈ વાટકામાં ઘરેણાં મૂકીને ઊંઘી ગઈ. સવારે ઘરની મહિલાઓએ ધ્યાન નહિ આપ્યું અને ઘરેણાં વાળા વાટકામાં શાકભાજીની છાલ નાખી દીઘી.

ત્યારબાદ જનકરાજની વૃદ્ધ માં એ એ શાકભાજીની છાલ અને બીજી બચેલી શાકભાજીઓ ગલીમાં પશુઓ માટે બનાવેલી જગ્યા પર નાખી દીધા. થોડી મિનિટ પછી વૃદ્ધ મહિલાને એ જગ્યા પર સોનાની એક બુટ્ટી મળી. જયારે તેમણે એ બુટ્ટી પરિવારના સભ્યોને દેખાડી તો તેમને ખ્યાલ આવ્યો કે, તેમણે સોનાના ઘરેણાં તો રસોડામાં મુક્યા હતા. જયારે રસોડામાં જઈને જોયું તો ત્યાંથી ઘરેણાં ગાયબ થઈ ગયા હતા.

ત્યારબાદ પરિવારજનોએ ફટાફટ સીસીટીવી કેમેરામાં તપાસ કરી તો ખબર પડી કે, ભૂલથી સોનાના ઘરેણાં શાકભાજીવાળા કચરા સાથે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. જેને એક અડધી કપાયેલી પૂંછડી વાળો આખલો ગળી ગયો છે. ત્યારબાદ પરિવારના સભ્યોએ ત્રણ કલાક સુધી તપાસ કરીને એ આખલાને શોધી કાઢ્યો. ત્યારબાદ એ પરિવારે એ રખડતા આખલાને ઈંજેક્શન મારીને ઘણી મહેનત પછી ઘર નજીક બાંધી દીધો.

આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.