એક બસ ડ્રાઈવરની દીકરી છે આઈએએસ ઓફિસર, જણાવ્યું કેવી રીતે પહોંચી આ સ્થાન સુધી?

પિતા ચલાવી રહ્યા હતા બસ, ત્યારે દીકરીએ ફોન કરી કહ્યું – પપ્પા હું IAS બની ગઈ, વાંચો સફળતાની સ્ટોરી.

હરિયાણાના બહાદુરગઢની રહેવાસી પ્રીતિ હુડ્ડાએ હિન્દી મીડીયમમાં પેપર અને ઈન્ટરવ્યું આપીને યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી. ત્યાર પછી તેને આઈએએસ માટે પસંદ કરવામાં આવી હતી. પ્રીતિના પિતા દિલ્હી પરિવહન નિગમ (DTC) માં બસ ચલાવતા હતા અને જયારે તેણીએ પોતાના પિતાને આઈએએસ બનવાની જાણકારી આપી હતી, તે સમયે પણ તે બસ ચલાવી રહ્યા હતા.

પ્રીતિએ જેએનયુમાં કર્યો અભ્યાસ : પ્રીતિ હુડ્ડાએ દસમાં ધોરણમાં 77 ટકા અને 12 માં ધોરણમાં 87 ટકા મેળવ્યા. ત્યાર પછી તેણીએ દિલ્હીની લક્ષ્મી બાઈ કોલેજ માંથી હિન્દીમાં ગ્રેજયુએશન કર્યું, જેમાં તેણીએ 76 ટકા મેળવ્યા. ત્યાર પછી તેણીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી માંથી એમ.ફિલ. અને પીએચડી કર્યું.

એમ.ફિલ. પછી શરુ કરી યુપીએસસીની તૈયારી : પ્રીતિ હુડ્ડાએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, મેં બાળપણમાં ક્યારેય વિચાર્યું ન હતું કે સિવિલ સેવાની તૈયારી કરીશ. હું મારા કુટુંબમાં આટલું બધુ ભણવા વાળી પહેલી છોકરી છું. તેણીએ જણાવ્યું કે, પપ્પાનું સપનું હતું કે હું આઈએએસ બનું. જયારે હું જેએનયુ આવી ત્યારે તેના વિષે વધુ ખબર પડી કે તૈયારી કેવી રીતે કરી શકાય અને એમ.ફિલ કર્યા પછી મેં તૈયારી શરુ કરી.

તૈયારી દરમિયાન જોઈ ફિલ્મો, ખુબ કરી મસ્તી : યુપીએસસી પરીક્ષાની તૈયારીને લઈને પ્રીતિ હુડ્ડાએ જણાવ્યું હતું કે, સતત 10 કલાકની તૈયારીને બદલે થોડું સમજી વિચારીને દિશા નક્કી કરીને અભ્યાસ કરવાની જરૂર રહે છે. તૈયારીની સાથે સાથે મસ્તી પણ જરૂરી છે. તૈયારી કરતી વખતે ફિલ્મ જોવી પણ જરૂરી છે. કોન્ફીડન્સ સાથે ધીમે ધીમે સિલેબસ પુરા કરો અને ઘણા વધુ પુસ્તકો વાંચવાને બદલે, મર્યાદિત વાંચો, પણ વારંવાર વાંચો.

બસ ચલાવતી વખતે પિતાને મળ્યા દીકરીના આઈએએસ બનવાના સમાચાર. પ્રીતિ હુડ્ડાએ જણાવ્યું કે, જયારે મારું યુપીએસસીનું પરિણામ આવ્યું હતું, ત્યારે મેં મારા પપ્પાને ફોન કર્યો હતો અને તે સમયે તે ડીટીસી બસ ચલાવી રહ્યા હતા. આ સમાચાર સાંભળીને પપ્પા ઘણા ખુશ થયા હતા. પપ્પા ક્યારેય પણ મોઢા ઉપર વખાણ કરતા ન હતા, પણ તે દિવસે તેમણે પહેલી વખત વખાણ કર્યા અને કહ્યું કે, શાબાશ મારી દીકરી, હું ઘણો ખુશ છું.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.