આજે કોબીજનાં મુઠીયા બનાવીને ટ્રાય કરો, એવા ટેસ્ટી લાગશે કે જીભને ચટાકો લાગી જશે.

કોબીજનાં મુઠીયા / Cabbage Muthia :

– નિગમ ઠક્કર.

દૂધીનાં મુઠીયા તો દરેકનાં ઘરમાં અવાર-નવાર બનતા હોય છે, પણ ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો તેના ઓપ્શનમાં મુઠીયા બનાવવા માટે બીજા ઘણા વિકલ્પ છે જેમકે કોથમીરનાં, લૂણીની ભાજીનાં, મૂળાની ભાજીનાં, કોબીજનાં, મેથીની ભાજીનાં, કારેલાની છાલનાં વગેરે… તો આજે હું કોબીજનાં મુઠીયા પરફેક્ટ માપ અને ટીપ્સ સાથે બનાવવાની રેસિપી પોસ્ટ કરું છું.

Ingredients – (સામગ્રી)

Serving – 4-5 person (૪-૫ વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય છે)

300 grams Cabbage (કોબીજ)

1 Cup / 150 grams Wheat Flour (ઘઉંનો ઝીણો લોટ)

1 Cup / 150 grams Handvo Flour (હાંડવાનો લોટ અથવા ઘઉંનો જાડો લોટ પણ લઈ શકો છો)

1 tsp Turmeric Powder (હળદર પાવડર)

1 tsp Red Chilli Powder (લાલ મરચું પાવડર)

2 tsp Coriander Cumin Powder (ધાણાજીરું પાવડર)

As per taste Salt (મીઠું)

2 tbsp Ginger Chilli Paste (આદુ મરચાંની પેસ્ટ)

3-4 tsp Sugar (ખાંડ)

2 tbsp Curd (દહીં)

3 tbsp Refined Oil (For Moyan) (તેલ – મોણ માટે)

1 tsp Carom Seeds / Ajwain (અજમો)

Pinch of Cooking Soda (ખાવાનાં સોડા)

For Tempering (વઘાર માટે) :

3 tbsp Refined Oil (તેલ)

2 Dry Red Chillies (સૂકા લાલ મરચાં)

2 tsp Mustard Seeds (ઝીણી રાઈ)

1/2 tsp Asafoetida / Hing (હીંગ)

7-8 Curry Leaves (મીઠો લીમડો)

3 tsp Sesame Seeds (સફેદ તલ)

Garnish it with Fresh Grated Coconut & Fresh Pomegranate Seeds (સજાવટ માટે ફ્રેશ કોપરાનું છીણ અને ફ્રેશ દાડમનાં દાણા)

Serve it with Chutney / Tomato Sauce / Tea / Masala Milk (સર્વ કરવા માટે ચટણી / ટામેટાનો સોસ / ચા / મસાલાવાળું દૂધ)

રીત –

સૌ પ્રથમ કોબીજની ઉપરનાં જાડા પાન કાઢી તેને સમારીને ચોપરમાં ચોપ કરી લો. ચોપ ન કરવી હોય તો છીણી (ખમણી) ને પણ લઈ શકો છો.

ચોપ કરેલી કોબીજને એક બાઉલમાં કાઢી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું, આદુ મરચાંની પેસ્ટ (લસણ ખાતા હોવ તો લસણની પેસ્ટ ઉમેરી શકો છો), ખાંડ, દહીં, અજમો અને સોડા ઉમેરી બધું સરખું મિક્સ કરો જેથી કોબીજમાંથી પાણી છૂટું પડશે.

હવે તેમાં ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ, હાંડવાનો (કણકી કોરમા) નો લોટ જો તે ન હોય તો ઘઉંનો જાડો લોટ અથવા ઝીણો રવો પણ ઉમેરી શકો છો. બંને લોટને કોબીજનાં મિશ્રણમાં મિક્સ કરી મીડીયમ સોફ્ટ લોટ તૈયાર કરો. (કોબીજમાંથી પાણી છૂટું પડે અને દહીં પણ ઉમેર્યું હોવાથી લોટ તૈયાર કરવા વધારાનું પાણી ઉમેરવાની જરૂર નથી.)

ઢોકળિયામાં પાણી ભરી તેને 5 મિનીટ માટે મધ્યમ આંચે પ્રિહીટ કરી તેની પ્લેટને તેલથી ગ્રીસ કરો. બંને હાથની હથેળીમાં થોડું તેલ લગાવી લોટમાંથી મધ્યમ સાઈઝનાં મુઠીયા વાળી ઢોકળિયાની પ્લેટમાં ગોઠવતા જાઓ. (આટલા મિશ્રણમાંથી 8 જેટલા મુઠીયા બનશે.)

ઢોકળિયાનું ઢાંકણ બંધ કરી મુઠીયાને 5 મિનિટ તેજ આંચે અને પછી 25 મિનિટ સુધી મધ્યમ આંચે સ્ટીમ થવા દો, ત્યારબાદ ઢાંકણ ખોલીને મુઠીયાને ચેક કરવા માટે તેના પર ચપ્પુ કે ટૂથપિક લગાવો, જો તે સાફ બહાર આવે તો સમજવું કે મુઠીયા સ્ટીમ થઈ ગયા છે, હવે ગેસ બંધ કરો.

સ્ટીમ કરેલા મુઠીયાને ઢોકળિયામાં જ રહેવા દો પણ તે સરખા સીઝી જાય તેના માટે તેના પર કોટન કપડું કે દુપટ્ટો ઢાંકીને 15 મિનીટ માટે ઠરવા દો. ઢોકળિયા પર ઢાંકણ ન ઢાંકવુ નહિતર મુઠીયાની વરાળ ઢાંકણ પર લાગશે અને તેનું પાણી વળશે.

15 મિનીટ પછી મુઠીયાને પ્લેટમાં કાઢી લો. ડાયેટ કરતાં હોય અથવા ઓછું તેલ ખાવાનું પસંદ હોય તેઓ આ સ્ટીમ મુઠીયાને વઘાર્યા વિના કાચા સીંગતેલ સાથે ખાઈ શકે છે. મુઠીયા સરખા ઠરે પછી ચપ્પા વડે તેના મીડીયમ સાઇઝનાં ટુકડા કરો.

કઢાઈમાં વઘાર માટે 3 ટેબલસ્પૂન સીંગતેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં, ઝીણી રાઈ, હીંગ, મીઠા લીમડાનાં પાન, તલ ઉમેરી તેમાં મુઠીયાનાં ટુકડા ઉમેરી તાવેથા વડે હળવા હાથે વઘારને મુઠીયામાં મિક્સ કરી તેને 2-3 મિનિટ માટે ધીમી આંચે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી વઘારો.

છેલ્લે ગરમાગરમ મુઠીયા પર થોડું ફ્રેશ ખમણેલું કોપરું અને દાડમનાં દાણા ભભરાવી ચટણી, દૂધ કે ચા સાથે સર્વ કરો. રાત્રે જમવામાં બનાવ્યા હોય અને વધે તો સવારે નાસ્તામાં ખાશો તો પણ પોચા જ રહેશે, ગળે બિલકુલ નહીં બાજે.

તો દરેક ગુજરાતીઓનાં પ્રિય કોબીજનાં મુઠીયા તૈયાર છે.

– નિગમ ઠક્કર.