દેશમાં આવશે સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, eKUV100 પણ છે રેસમાં

ઓટો એક્સ્પો 2020 માં આમ તો ઘણી ઇલેક્ટ્રિક ગાડીઓ લોન્ચ અને રજુ થઇ. પણ તમામ ગાડીઓ વચ્ચે બે ઇલેક્ટ્રિક કારોની ખુબ ચર્ચા થઈ રહી છે. પહેલી કાર ગ્રેટ વોલ મોટર્સ (GWM) ની Ora R1 છે, જયારે બીજી ઇલેક્ટ્રિક કાર મહિન્દ્રાની eKUV100 છે.

સૌથી પહેલા એ જણાવી દઈએ કે, આ બંને કારોની ચર્ચા પાછળ કારણ શું છે? મહિન્દ્રાનો દાવો છે કે, તેમની મિની ઇલેક્ટ્રિક એસયુવી eKUV100 દેશમાં સૌથી સસ્તી કાર હશે. જયારે ચીનની ઓટોમોબાઇલ કંપની ગ્રેટ વોલ મોટર્સ (Great Wall Motors) નો દાવો છે કે, તેમની દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Ora R1 જલ્દી જ ભારતમાં લોન્ચ થશે.

મહિન્દ્રાની ઈકેયુવિ 100 ની કિંમત :

આવો હવે જાણીએ કે બંનેની કિંમત કેટલી મેળ ખાય છે? ગ્રેટર નોએડામાં ચાલી રહેલા Auto Expo 2020 માં મહિન્દ્રાએ કેયુવિ 100 નું ઇલેક્ટ્રિક મોડલ ઈકેયુવિ 100 લોન્ચ કર્યું છે. સરકારની ફેમ યોજનાનો લાભ જોડ્યા પછી દિલ્લીમાં આ કારની એક્સ શો રૂમ કિંમત 8.25 લાખ રૂપિયાથી શરુ થાય છે. કંપનીનો દાવો છે કે, ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેંટમાં આ દેશની સૌથી સસ્તી કાર છે.

GWM Ora R1 ની કિંમત :

તેમજ ચીનની જાણીતી ઓટોમોબાઇલ કંપની ગ્રેટ વોલ મોટર્સ પોતાની ઇલેક્ટ્રિક કાર ઓરા આર 1 ને ભારતમાં લઈને આવી રહી છે. કંપનીએ ઓટો એક્સપોમાં પોતાની ઇલેક્ટ્રિક કાર ઓરા આર 1 નું શોકેસ કર્યું. આ કારની કિંમત ભારતમાં લગભગ 6.2 લાખ રૂપિયાથી 8 લાખની વચ્ચે હોઈ શકે છે. આ કાર ચીનના રસ્તા પર દોડી રહી છે.

મહિન્દ્રા ઈકેયુવિની માઈલેજ :

મહિન્દ્રાની ઈ કેયુવિ એક વાર ફૂલ ચાર્જ કરવા પર 147 કિલોમીટર મુસાફરી કરી શકે છે. તેમની બેટરી ફાસ્ટ ચાર્જરની મદદથી એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. તેમજ સ્ટાન્ડર્ડ ચાર્જરથી આ ઇલેક્ટ્રિક કારને ફૂલ ચાર્જ કરવામાં લગભગ 5.45 કલાકનો સમય લાગશે.

ઓરાની માઈલેજ :

ચીનની આ કાર એક વાર ફૂલ ચાર્જ થવા પર 351 કિલોમીટર સુધી ચાલી શકશે. એટલે કે માઈલેજમાં આ વિદેશી કાર મહિન્દ્રાની કાર કરતા સારી છે. ઓરા આર 1 સ્ટાન્ડર્ડ અને ફાસ્ટ ચાર્જિંગ બંને ટેક્નોલોજી સાથે આવે છે. તેની બેટરીને 40 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ઓરાની ટોપ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક છે.

મહિન્દ્રાનું એન્જીન :

મહિન્દ્રાની આ ઇલેક્ટ્રિક કારમાં 40kW ની ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે, જે 54.4 એચપી પાવર અને 120 એનએમનો ટૉર્ક આપે છે. તેમાં લીકવીડ કુલ્ડ બેટરી આપવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે, મહિન્દ્રાની આ ઇલેક્ટ્રિક કારની કિંમત તેના પેટ્રોલ વર્ઝન કરતા ફક્ત 23 હજાર રૂપિયા વધારે છે.

ઓરાનું એન્જીન :

ઓરા આર 1 માં સિંગલ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે 35 કિલોવોટની લિથિયમ આયન બેટરી પેક સાથે આવે છે, જે 48 બીએચપીની શક્તિ અને 125 એનએમનો ટૉર્ક જનરેટ કરે છે. ઓરા આર 1 ની લંબાઈ 3.94 મીટર છે. જે મારુતિ સુઝીકી સેલેરીયોથી પણ નાની છે.

ઓરા આર1 ના ફીચર :

ગ્રેટ વોલ મોટર્સ ઓરા આર 1 ના બેઝ મોડલમાં 2 એયરબેગ, ABS, રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરા, ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ અને હિલ સ્ટાર્ટ એસીસ્ટ જેવા ફીચર આપવામાં આવ્યા છે. કંપનીએ આ કારમાં 9 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે. આ કાર દેખાવમાં ઘણી આકર્ષક છે.

મહિન્દ્રાના ઈ કેયુવિના ફીચર :

મહિન્દ્રાની કેયુવિ 100 ની સરખામણીમાં ઈ કેયુવિ 100 માં ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે. તેની ગ્રિલમાં ફેરફાર કરવામાં આવ્યો છે, સાથે જ હેડલેમ્પ અને ટેલલાઈટ પણ બદલવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, આ કારની બુકીંગ માર્ચથી શરુ થશે અને ડિલિવરી એપ્રિલથી શરુ થઈ જશે. મહિન્દ્રાએ આ ઇલેક્ટ્રિક કારને ઓટો એક્સપો 2018 માં રજુ કરી હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.