આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે કેટલાક ફોટા લઈને આવ્યા છીએ અને તેની સાથે સંકળાયેલી થોડી વાતો પણ છે, જે તમને ભારત અને તેની સંસ્કૃતિ વિષે ઘણું બધું જણાવી જશે. તો ફટાફટ જાણી લો આજના આર્ટિકલમાં શું ખાસ છે?
(1) અમેરિકન મેગેઝીન ‘એસ્કેપ’ માટે લીધેલ આ મારવાડી મહીલાઓની છબિ ફોટોગ્રાફર એલિઝ્ન ટેટલાફે તેની રાજકોટની મુલાકાત સમયે લીધી હતી. છબિનું આકર્ષણ મહીલાઓનું પરંપરાગત ચળકાટભર્યા કાપડમાં રંગબેરંગી વસ્ત્ર પરિધાન છે. બજારમાં પોતાની વાતચીતમાં મગ્ન આ બન્ને મહીલાઓ બહુ સ્વસ્થ પગલે પગરવ કરી રહી છે. ચહેરા ઉપર મલકતું સ્મિત કોઈ રસદાયક વાતનું બયાન કરે છે. હાથના બલોયા એક નજાકત બક્ષે છે તો પોતાની દિકરીનો કુમાશતાથી પકડેલો હાથ લાગણીની દોરવણી દેખાડે છે. આ છબિ ઈનામી કૃતિ હતી.
(2) આ ને ગુફતેગુ કહી શકાય. રબારી સ્ત્રીઓ બપોરની વાતોમાં મશગૂલ છે. જમણી બાજુ બેઠેલી મહીલા ખુબ ધ્યાનપૂર્વક મરક મરક સ્મિત સાથે તેની સખીની વાત સાંંભળી રહી છે. બાળકો તેમની મસ્તીમાં છે. વાતોનો દોર ખુટશે નહી તેવું લાગે છે.
(3) મુંબઈની એક જૂની છબિ જેમાં ગુજરાતી લોકોનો સમૂહ વીટી સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો છે.
(4) જર્મન છબિકાર શેલ્ટન મ્યુલરે તેના ગુજરાતના પ્રવાસ દરમિયાન જુનાગઢની કોઈ વન્ય વિસ્તારમાં પાણી ભરીને જતી આ મહીલાની છબિ લીધી છે. છબિમાં જે સાદગી છે તેથી તેનું કોઈ વિવરણ જરૂરી બનતું નથી. બસ..છબિની નજાકત અને ચાલી જતી મહીલાના મૌન પદધ્વનિ ને જુઓ અને સાંંભળો !
(5) 1903 ની આ એક છબિ જુઓ. અમદાવાદના કોઈ સ્ટુડીયોમાં લેવામાં આવેલ આ છબિ તે સમયના ગુજરાતી પહેરવેશનું પ્રતિબિંબ દર્શાવે છે. કોતરણીવાળી સ્ટુડીયો ખુરશી અને ટેબલ જે મોટા ભાગે સિસમના લાકડામાંથી બનાવામાં આવતા. ટેબલ ઉપર પુસ્તકો રાખીને સાક્ષરતા દર્શાવવામાં આવતી. ફ્રેંચ સ્ટાઈલની શેટી તરીકે ઓળખાતી ખુરશી દરેક સ્ટુડીયોમાં જોવા મળતી. મહીલાની બોર્ડરવાળી સાડી અને કોણી સુધીની ઝૂલવાળું બ્લાઉઝ તે સમયની ફેશન પર અંગુલિનિર્દેશ કરે છે. શોભાના કુંડા પણ તે સમયે ચલણમાં હશે તેવું જણાય છે. મહીલાના પગ પાસે રાખવામાં આવેલ લૂછણિયું અને ચપ્પલ એકબીજાને પૂરક બની સાથ આપે છે.
જેનિફર મેરિ નામની ન્યુયોર્ક ટાઈમ્સની પત્રકારને એક વાર અખબારના વિંટેજ ફોટોગ્રાફ્સની ફાઈલ જોતા આ છબિ મળી હતી. છબિનો સમય અંદાજે 1903 થી 1909 વચ્ચેનો હશે. જેનિફર મેરિનું એક સંષોધન એવું હતું કે તે સમયના મુંબઈ રાજ્યના એક ભાગ ગણાતા ગુજરાત પ્રદેશમાં છબિકલાનું અનેરું મહત્વ હતું, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં છબિકલા સાથે પ્રયોગ કરતા લોકો હતા. સેપિઆ ટોનની છબિઓ સવિશેષ ગુજરાતમાં પ્રચલિત હતી.
– રાજેશ ઘોઘારી