દશેરા પર હનુમાન ચાલીસાનો પાઠ અને દિવાળી પર કરો દક્ષિણાવર્તી શંખથી લક્ષ્મી-વિષ્ણુનો અભિષેક

નવો મહિનો ઓક્ટોબર શરુ થઇ ગયો છે. આ મહિનામાં ઘણા મહત્વના તહેવાર આવવાના છે. મહિનાની શરુઆતમાં નવરાત્રી છે અને મહિનાના અંતમાં દિવાળી આવશે. આવો જાણીએ ઉજ્જેનના જ્યોતીષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ, આ વર્ષે ઓક્ટોબરની વિશેષ તિથિઓ ઉપર કયા કયા શુભ કામ કરવામાં આવી શકે છે?

રવિવાર, ૬ ઓક્ટોબરના રોજ દુર્ગા અષ્ટમી છે. ઘણા લોકો આ તિથી ઉપર પોતાના કુળની દેવીની વિશેષ પૂજા કરે છે. દેવી દુર્ગાના મહાગૌરી રૂપની પૂજા આ દિવસે કરવામાં આવે છે.

સોમવાર, ૭ ઓક્ટોબરના રોજ દુર્ગા નવમી છે. આ દિવસે દેવી સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે. સાથે જ ઘણા લોકો આ તિથી ઉપર કુળની પૂજા પણ કરે છે.

મંગળવાર, ૮ ઓક્ટોબરના રોજ વિજયાદશમી છે. ત્રેતા યુગમાં આ તિથી ઉપર શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે. દશેરા ઉપર શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે, અને તમે પણ આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરો.

બુધવાર, ૯ ઓક્ટોબરના રોજ પાશાંકુશા એકાદશી છે. આ તિથી ઉપર ભગવાન વિષ્ણુનું વ્રત કરવામાં આવે છે.

રવિવાર, ૧૩ ઓક્ટોબરના રોજ શરદ પુનમ છે. તેને કોજાગરી પુનમ પણ કહેવામાં આવે છે. આ તિથી વિષે એવી માન્યતા છે કે, દેવી લક્ષ્મી આ પુનમની રાત્રે પૃથ્વીનું ભ્રમણ કરે છે અને પૂછે છે કોણ જાગી રહ્યું છે? એટલા માટે તેને કોજાગરી પુનમ(કોજાગર વ્રત) કહેવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.

ગુરુવાર, ૧૭ ઓક્ટોબરના રોજ અખંડ સૌભાગ્યવતીનું મહાપર્વ કડવા ચોથ છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર, સારા આરોગ્ય અને સૌભાગ્યની કામનાથીચોથ માતાની વિશેષ પૂજા કરે છે. તેઓ દિવસ આખો નકોરડા ઉપવાસ રહે છે, અને રાત્રે ચંદ્ર દર્શન પછી અન્ન-જળ ગ્રહણ કરે છે.

ગુરુવાર, ૨૪ ઓક્ટોબરના રોજ રમા એકાદશી છે. આ તિથી ઉપર ભગવાન વિષ્ણુ અને તેના સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે. અને વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.

શુક્રવાર, ૨૫ ઓક્ટોબરના રોજ પાંચ દિવસનો દિવાળી ઉત્સવ શરુ થઇ જશે. શુક્રવારે ધનતેરસ છે. આ દિવસે મહાલક્ષ્મી સાથે જ ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે.

શનિવાર, ૨૬ ઓક્ટોબરના રોજ કાળી ચૌદશ (નર્ક ચતુર્દશી) છે. આ દિવસે ભગવાન યમરાજની પૂજા કરવામાં આવે છે.

રવિવાર, ૨૭ ઓક્ટોબરના રોજ મહાલક્ષ્મીની પૂજાનું મહાપર્વ દિવાળી છે. રવિવારની રાત્રે દેવી લક્ષ્મી સાથે જ ભગવાન વિષ્ણનું દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. તેના માટે કેસર ભેળવેલા દુધનો ઉપયોગ કરશો તો ઘણું શુભ રહેશે.

સોમવાર, ૨૮ ઓક્ટોબરના રોજ ગોવર્ધન પૂજા છે. આ દિવસે ગીરીરાજની પૂજા કરવામાં આવે છે.

મંગળવાર, ૨૯ ઓક્ટોબરના રોજ ભાઈ બીજ છે. માન્યતા એ છે કે આ તિથી ઉપર યમરાજ પોતાની બહેન યમુનાને મળવા આવે છે. આ તહેવાર ભાઈ-બહેનને સમર્પિત છે.

ગુરુવાર, ૩૧ ઓક્ટોબરના રોજ વિનાયકી ચતુર્થી છે. આ દિવસે ગણેશજીની પૂજા અને તેમના માટે વ્રત રાખવામાં આવે છે.

આ માહિતી દૈનિક ભાસ્કરઅને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.