સાવધાન… ચીનમાં ફેલાયો જીવલેણ વાયરસ, મુશ્કેલી આવી રહી છે દુનિયા, જાણો વધુ વિગત

દુનિયામાં ઘણા પ્રકારની નવી નવી બીમારીઓ આવતી રહે છે, અને તેની અસર લોકો ઉપર પડતી રહે છે. એવામાં હાલમાં ચીનમાં એવો જ એક ખતરનાક જીવલેણ વાયરસ ફેલાઈ રહ્યો છે. જો કે તેના કારણે અત્યાર સુધીમાં માત્ર એક મૃત્યુ થયું છે, પરંતુ તેના ઝડપથી ફેલાવાની શક્યતા ઘણી વધુ છે. અત્યાર સુધીમાં તેમાં કુલ ૪૧ લોકો સપડાયા છે. જેમાં સાત લોકોની હાલત ઘણી ગંભીર છે. આ જીવલેણ વાયરસનું નામ છે – કોરોનો વાયરસ.

ચીનમાં બુહાન શહેરમાં કોરોનો વાયરસને કારણે જ લોકોને નીમોનીયા થઇ રહ્યો છે. ૪૧ બીમાર લોકોના સંપર્કમાં આવેલા ૪૧૯ ડોકટરો સહીત ૭૪૦ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. બુહાનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, હાલના સમયમાં શહેર રહસ્યમયી નીમોનીયાની ઝપેટમાં છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ દુનિયાભરના દેશોને ચેતવણી આપી હતી કે, આ વાયરસથી સતર્ક રહેવાની જરૂર છે. નવા વર્ષની શરુઆતમાં લોકો ચીનમાં ફરવા જાય છે. ઘણા બધા લોકો થાઈલેન્ડ પણ ગયા છે.

હવે થાઇલેન્ડમાં પણ એક વ્યક્તિ આ વાયરસથી પ્રભાવિત મળ્યો છે. જેને હોસ્પિટલમાં આઈસોલેટ બોર્ડમાં રાખવામાં આવ્યો છે. આ પહેલા ૨૦૦૩ માં જ ચીનમાંથી સાર્સ (Severe Acute Respiratory Syndrome – SARS) નામની બીમારી ફેલાઈ હતી.

વિશ્વ આરોગ્ય સંઘના આંકડા મુજબ સાર્સને કારણે જ આખી દુનિયામાં ૮૧૩ મૃત્યુ થયા હતા. જેમાંથી માત્ર ચીનમાં ૬૪૬ મૃત્યુ થયા હતા. સાર્સથી બીમારમાં લગભગ ૭૦૦૦ દર્દીઓમાંથી ૧૫ ટકા લોકોના મૃત્યુ થયા હતા. આ સમયે ઘણા લોકો આ નવા વાયરસને પણ સાર્સ સાથે સરખાવી રહ્યા છે.

ચીનના બુહાનમાં ફેલાયેલા કોરોનો વાયરસ નીમોનીયાના લક્ષણ છે – સુકી ખાંસી, તાવ અને થાક. ઘણા કેસમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પણ સામે આવી છે. તપાસ પછી ખબર પડી છે કે, દરિયાઈ ખોરાક (સી-ફૂડ) ખાવાને કારણે જ લોકોમાં આ વાયરસ ફેલાય છે. હાલમાં બુહાનમાં સી-ફૂડ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

કોરોનો વાયરસ નીમોનીયા ૨૫ જાન્યુઆરીએ આવનારી લુંનર ન્યુ યરની રજાઓ પહેલા ફેલાયો છે. તેવા સમયમાં ચીનમાં લગભગ ૪૫ કરોડ લોકો ટ્રેન અને લગભગ ૭.૯ કરોડ લોકો વિમાનથી પ્રવાસ કરે છે. તેવામાં ચીનમાં અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે, આ બીમારી દુનિયાની બીજી જગ્યા ઉપર ફેલાઈ શકે છે.

હવે ઘણા એશીયાઇ દેશો બુહાન અને બેંકોકથી આવવા-જવાવાળા લોકો ઉપર નજર રાખી રહ્યા છે. થાઈલેન્ડ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે, કેમ કે ત્યાં પણ એક બીમાર વ્યક્તિ મળ્યો છે. આમ તો દુનિયાભરના વૈજ્ઞાનિકોએ તે વાતને નકારી દીધી છે કે, કોરોનો વાયરસ નીમોનીયા તે પહેલા ફેલાયેલા સાર્સ સાથે મળતો આવે છે.

હાલના સમયમાં ચીનના તમામ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ઉપર આવતા લોકોનું બોડી સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી તે જાણી શકાય કે, કોણ આ બીમારીથી પીડિત છે કે નથી. સ્કેનીંગ કરવાથી બીમાર વ્યક્તિના ફેફસાને એક્સ-રેમાં ચેપ જોવા મળે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.