પિતાનું સપનું પૂરું કરવા માટે દીપક ચાહર બન્યા ક્રિકેટર, ક્રિકેટ કરવા માટે છોડવી પડી હતી સ્કૂલ

બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ T20 સીરીઝની છેલ્લી મેચમાં રવિવારના દિવસે દીપક ચાહરે હેટ્રીક સાથે ૬ વિકેટો લઈને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેનું સુંદર પ્રદર્શન જોઇને તેના પિતા લોકેંદ્ર ચાહર ખુશીથી સમાતા ન હતા. લોકેંદ્ર આગરાના બીચપૂરીમાં ચાહર એકેડમીમાં બાળકોને ટ્રેનીંગ આપવાનું કામ કરે છે.

એક ઈન્ટરવ્યું દરમિયાન દીપકના પિતાએ જણાવ્યું કે, દીપકને ક્રિકેટર બનાવવાનું સપનું મેં જોયું હતું. હું પોતે જ એક ક્રિકેટર બનવા માંગતો હતો. પણ મારા પિતાજી ઈચ્છતા હતા કે હું રેસલિંગ કરું, મેં ચાર પાંચ વર્ષો સુધી રેસલિંગ પણ કરી છે. પરંતુ મારું મન રેસલિંગમાં ન લાગ્યું.

દીપક ચાહરના પિતાજી કહે છે કે, જયારે મેં દીપકને પહેલી વખત બોલિંગ કરતા જોયો તો મને પોતાનું ક્રિકેટર બનવાનું સપનું પૂરું થતું જોવા મળ્યું. લોકેંદ્રએ જણાવ્યું કે દીપક સાથે તેનો ભાઈ રાહુલ ચાહર પણ સ્કુલ જતો હતો. ત્યારે અમે લોકોએ એ નિર્ણય કર્યો આ બંને ભાઈઓને ક્રિકેટર બનાવવા છે. ક્રિકેટર બનાવવા માટે મેં આ બંનેના નામ સ્કુલમાંથી કઢાવી નાખ્યા. ત્યાર પછી મેં દીપકનું શેડ્યુલ બનાવવાનું શરુ કર્યું.

અમે પૂરો સમય સેટ કર્યો કે, દીપકે ક્યારે ઉઠવાનું છે? કેટલી કસરત કરવાની છે? ક્યાં અને કેટલું ખાવાનું છે? અને ક્યાં સુધી ફિલ્ડ ઉપર રહેવાનું છે? દીપકના પિતા જણાવે છે, સમય સાથે હવે ઘણું બધું બદલાઈ ગયું છે. પહેલા હું મારા બાળકોના શેડ્યુલ નક્કી કરતો હતો, પણ હવે તે પોતે પોતાનું શેડ્યુલ નક્કી કરે છે. ઘરે પાછા આવ્યા પછી પણ તે બંનેની પ્રેક્ટીસ ચાલુ રહે છે. હું બંનેને જોતો રહું છું, એ વાત અલગ છે કે હવે હું તેને પૂછીને જ તેને ક્યારે આરામ જોઈએ તે હિસાબે જ પ્રેક્ટીસ કરાવું છું.

લોકેન્દ્ર ચાહર જણાવે છે કે, કાંઈ પણ મોટું કરવા માટે સંઘર્ષ કરવો ઘણું જરૂરી હોય છે. એવું જરાપણ નથી કે તે બંનેને ક્રિકેટર બનાવવા માટે મને પૈસાની તંગી નથી પડી. પણ મારા બાળકોના સપના પુરા કરવા માટે મારા કુટુંબે ઘણો સપોર્ટ કર્યો. અમે ચાર ભાઈ છીએ. અમારા અંકલ છે. બધાએ અલગ અલગ રીતે સમય સમયે અમારી મદદ કરી.

દીપક ચાહરના પીતા જણાવે છે કે, હું દરેક ખેલાડીની રમતના સમયે તેની રમતની ટેકનીકલી બાબત જોઉં છું. છેલ્લી મેચમાં પણ દીપકે ઘણી સારી બોલિંગ કરી હતી. તે ઉપરાંત જે રેકોર્ડ બને છે તે તો ભગવાનના આશીર્વાદથી બને છે. કોઈ પણ ખેલાડીના હાથમાં તો બસ પોતાનું સારું પ્રદર્શન આપવાનું હોય છે. રેકોર્ડ તો ઉપર વાળો બનાવે છે.

દીપકના કાકાએ જણાવ્યું કે, જયારે દીપક રમી રહ્યો હ્તો ત્યારે અમને લોકોને આશા હતી કે તે એક કે બે વિકેટ લે પણ તેણે એક રેકોર્ડ બનાવ્યો, એવું ક્યારે ક્યારે જ થાય છે. અમને લોકોને પણ ઘણો આનંદ થયો. અમારું આખું કુટુંબ દીપકના આ ઉત્તમ પ્રદર્શનથી ખુશ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.