ધનતેરસ પર આ મંત્રથી કરો કુબેરને પ્રસન્ન, ધન-વૈભવથી ભરાઈ જશે ઘર

ધનતેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધનવંતરી અને ધનના દેવતા કુબેરની પૂજા થાય છે. મૃત્યુના દેવતા યમરાજ માટે પણ આ દિવસે દીવો પ્રગટાવવામાં આવ છે. ધનતેરસ આસો માસની વદ તેરસની તિથિએ આવે છે. એટલા માટે આને ધનતેરસ કહેવામાં આવે છે. ભગવાન શિવ પાસેથી કુબેરને ધનપતિ થવાનું વરદાન મળ્યું છે, અને તે ભગવાન શિવના પરમ સેવક પણ છે. ભગવાન શિવનું વરદાન પ્રાપ્ત થવાને કારણે તે પૃથ્વીના સંપૂર્ણ ધન અને સંપત્તિના માલિક છે. આ કારણે ધનતેરસના દિવસે વિધિ વિધાન સાથે પૂજા કરીને કુબેરને પ્રસન્ન કરી શકાય છે.

લક્ષ્મી છે ચંચળ, કુબેર સ્થિર :

ધનતેરસના દિવસે કુબેરની પૂજા કરવા પાછળનું એક કારણ એ પણ છે કે, કુબેરનું ધન સ્થિર માનવામાં આવે છે, જયારે માતા લક્ષ્મી પાસેથી પ્રાપ્ત ધન સ્થિર નથી હોતું, એટલે તેમને ચંચલા પણ કહેવામાં આવે છે. કુબેર પાસેથી પ્રાપ્ત કરેલું ધન સ્થિર હોય છે, એટલે ધન તેરસ પર એમની પૂજા કરવાથી ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ રહે છે.

આવું છે કુબેરનું સ્વરૂપ :

એવી માન્યતા છે કે કુબેર કુરૂપ છે. એમના ત્રણ પગ અને 8 દાંત છે. બેડોળ અને મોટી કાયાને કારણે એમને રાક્ષસ પણ કહેવામાં આવે છે. એમને યક્ષ પણ કહેવામાં આવે છે. યક્ષ ધનના રક્ષક માનવામાં આવે છે, એટલે ખજાના અને મંદિરોની બહાર કુબેરની પ્રતિમાઓ જોવા મળે છે.

રાવણના સાવકા ભાઈ હતા કુબેર :

કુબેર રાવણના સાવકા ભાઈ ગણાય છે. પૌરાણિક ગ્રંથો અનુસાર કુબેરનું બીજું નામ વૈશ્રવણ છે. તે મહર્ષિ વિશ્રવા અને મહામુનિ ભરદ્વાજની પુત્રી ઈડવિડાના દીકરા હતા. વિશ્રવાની બીજી પત્ની કૈકસીથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણનો જન્મ થયો હતો.

કુબેર મંત્ર અને પૂજા :

ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં પૂજા સ્થાન પર કુબેરની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. જો એવું સંભવ ન હોય તો પોતાની તિજોરીને કુબેર માનીને પૂજા કરો. કુબેર ખજાનાના પ્રતીક માનવામાં આવે છે. પછી કુબેર મંત્રનો જાપ કરો અને અંતમાં વિધિ પૂર્વક એમની આરતી ઉતારો. કુબેર મંત્ર નીચે જણાવવામાં આવ્યો છે એના જાપ કરો.

ओम श्रीं, ओम ह्रीं श्रीं, ओम ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय: नम:।

ધનતેરસ પર યમ દીવો પ્રગટાવો :

આસો માસની વદ તેરસની તિથિએ ઘરની બહાર યમ દીવો પ્રગટાવવામાં આવે છે, જે મૃત્યુના દેવતા યમરાજને સમર્પિત હોય છે. પરિવારના સભ્યોને અકાળે થતા મૃત્યુથી બચાવવા માટે આવું કરવામાં આવે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.