એક ગર્ભવતીના શ્રાપના કારણે સીતા માં એ ભોગવવું પડ્યું દુઃખ, કર્યું હતું આ ખોટું કામ

રામાયણની વાર્તામાં માત્ર શ્રીરામના સીતા સાથે લગ્ન, વનવાસ અને રાવણ યુદ્ધની વાર્તા જ નથી. આ વાર્તાની પાછળ પણ ઘણી વાર્તાઓ છુપાયેલી છે, જે મનમાં ઉઠી રહેલા ઘણા પ્રશ્નોના ઉત્તર આપે છે. આપણે બધા જાણીએ છીએ કે રાવણને માર્યા પછી શ્રીરામ માતા સીતાને લઇને પાછા અયોધ્યા આવે છે, પરંતુ એક ધોબીના કહેવા ઉપર માં સીતાને પોતાના ઘર માંથી બહાર કાઢી મુક્યા હતા. આપણા બધાના મનમાં પ્રશ્ન થાય છે કે બીજા સાથે ન્યાય કરનારા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામએ પોતાની જ પત્ની સાથે આવો અન્યાય કેમ કર્યો હતો. આજે અમે તમને તેની પાછળ જોડાયેલી એક વાર્તા જણાવીશું.

બાળપણમાં કરી હતી ભૂલ :

સીતા માતાએ વનમાં પોતાનો ગર્ભાવસ્થાનો સમય પસાર કરવો પડ્યો હતો, અને પછી તેમને બે પુત્રો થયા હતા. મહેલોમાં રાજ કરનારી સીતાએ ૧૪ વર્ષના વનવાસ પછી પણ મહેલનું સુખ ન ભોગવ્યું. તેની પાછળ વાર્તા છે તેમને મળેલા એક શ્રાપની. આ વાત ત્યારની છે જયારે સીતા માતા પોતાના બાળપણની અવસ્થામાં હતા અને પોતાની સખીઓ સાથે બગીચામાં રમી રહ્યા હતા. રમતા રમતા તેમની નજર પોપટ મેનાની એક જોડી ઉપર પડી. બન્ને એક બીજા સાથે કાંઈક વાતો કરી રહ્યા હતા જેને સીતાજી ઘણું ધ્યાનથી સાંભળવા લાગ્યા.

મેના એ કહ્યું કે એક દિવસ આ સંસારમાં રામ નામના એક મોટા જ પ્રતાપી રાજા હશે અને તેમના લગ્ન ઘણી જ સુંદર રાજકુમારી સીતા સાથે થશે. સીતાએ પોતાનું નામ સાંભળતા જ બન્નેને પકડી લીધા અને તેને પોતાની સાથે રાજમહેલમાં લઇ આવ્યા, તેમને પોતાના વિષે જાણવામાં ઘણો રસ જાગ્યો. સીતાએ કહ્યું કે તમે બન્ને જેના વિષે વાત કરી રહ્યા છો તેના વિષે તમને કેમ ખબર પડી. પોપટએ જણાવ્યું કે તેમણે આ બધી વાતો મહર્ષિ વાલ્મીકી પાસેથી સાંભળી છે. તે પોતાના શિષ્યોને આ વાત જણાવી રહ્યા હતા.

સીતાએ કરી લીધા કેદ :

સીતાએ કુતુહલ પૂર્વક કહ્યું કે જે રાજા જનકની પુત્રી વિષે તમે લોકો વાત કરી રહ્યા છો તે હું જ છું. મારે રામ વિષે વધુ વાત જાણવી છે. તમે બન્ને મારી સાથે રાજ મહેલમાં રહો. મને તેના વિષે વાતો જણાવો અને તમને અહિયાં તમામ સુખ સુવિધા મળી જશે. તે સાંભળીને પોપટ મેના ગભરાઈ ગયા. પોપટે કહ્યું કે અમે આકાશના પક્ષી છીએ. પીંજરામાં બંધ થઇને અમે જીવતા નહિ રહી શકીએ, માટે અમને મુક્ત કરી દો. સીતાએ કહ્યું કે જ્યાં સુધી મારા લગ્ન રામ સાથે ન થઇ જાય ત્યાં સુધી તમારે અહિયાં રહેવું પડશે.

મળ્યો શ્રાપ :

પોપટએ ઘણી વિનંતી કરી તો સીતાએ તેને છોડી દીધો, પરંતુ મેનાને ન જવા દીધી. અને એને કહ્યું કે આ મારી સાથે રહેશે. મેનાએ કહ્યું કે હું ગર્ભવતી છું અને મારા પતિનો વિયોગ નથી સહન કરી શકતી મને પણ જવા દો. સીતાનું બાળક મન એ વાત ન સમજી શક્યું અને જિદ્દ પડી લીધી કે જ્યાં સુધી રામ સાથે તેમના લગ્ન ન થઇ જાય તે તેને નહિ છોડે.

ત્યાર પછી મેના દુ:ખી થઇ ગઈ અને ગુસ્સામાં તેણે સીતાને શ્રાપ આપ્યો કે જેવી રીતે તેમણે મને ગર્ભાવસ્થા દરમિયાન મારા પતિથી અલગ કરી છે, તેવી જ રીતે તારા ગર્ભાવસ્થા દરમિયાન તારે પણ પતિનો વિયોગ સહન કરવો પડશે. એટલું કહીને તેણે જીવ ત્યાગી દીધો અને દુ:ખમાં પોપટએ પણ પોતાના પ્રાણ ત્યાગી દીધા. સીતાને ઘણું દુ:ખ થયું, પરંતુ હવે મોડું થઇ ગયું હતું. ત્યાર પછી જયારે તે ગર્ભવતી થઇ તો તેને પોતાના પતિથી અલગ રહેવું પડ્યું અને આ શ્રાપ એ વાતનું કારણ બન્યું.