ગણપતિને ચડાવવામાં આવતી દૂર્વા(દરોઈ) એક અસરકારક ઔષધી છે, આટલી બધી સમસ્યાઓમાં છે ઉપયોગી.

ગણપતિને રીઝવવા હોય તો ગણપતિને દૂર્વા ઘાસની એકવીસ પત્તી ચડાવવી જોઈએ એવી માન્યતા છે. આવું કેમ કરવામાં આવે છે એ પાછળની એક વાર્તા પ્રચલિત છે, જેનાં મૂળિયાં આયુર્વેદ સાથે પણ સંકળાયેલાં છે.

એક વાર અનલાસુર નામનો રાક્ષસ ઋષિમુનિઓનેરંજાડી રહ્યો હતો. ત્રસ્ત ઋષિમુનિઓ ગણેશજી પાસે મદદ માગવા આવ્યા. ગણેશજી પૃથ્વી પરથી અસુરોનો ત્રા સદૂર કરવા અનલાસુરને આખેઆખો ગળી ગયા. અનલ એટલે આગ કે અગ્ન- આ કારણે ગણેશજીને શરીર આખામાં ભયંકર બળતરા થવા લાગી.

બળતરાની પીડા એટલી અસહ્ય હતી કે ગણેશજીથી રહેવાતું નહોતું. આગ જેવી બળતરા માટે કષ્ઠવા મુનિએ દૂર્વા ઘાસની ૨૧ પત્તીઓ ગણેશજીને ખાવા આપી અને દૂર્વા ઘાસનો તાજો રસ બનાવીને આખા શરીરે ચોપડ્યો. આમ દૂર્વા અંદર અને બહાર બન્નેની બળતરા શમાવવામાં કામ આવી. ત્યારથી જ ગણેશજીને દૂર્વા પ્રિય થઈ છે. (સંકલન : SARAS : આપણું ગામ)

દૂર્વામાં ઔષધીય ગુણો છે જે બળતરાનું શમન કરે છે. પેટની તકલીફોમાં પણ એ ફાયદાકારક છે.

ઔષધીય ગુણોની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી એવી દૂર્વા હવે માત્ર ગણેશજીને ચડાવીને કચરાપેટીમાં જ નાખી દેવામાં આવે છે. જોકે જેને ઘાસ સમજીને ફેંકી દઈએ છીએ એ અનેક સમસ્યાઓમાં ઔષધ બની શકે એમ છે. આ પ્લાન્ટનું સાયન્ટિફિક નામ છે સાયનોડોન ડેક્ટાઇલોન. મૉડર્ન મેડિસિને આ પાનનો અભ્યાસ કરીને નોંધ્યું છે કે એમાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ, પોટૅશિયમ જેવા મિનરલ્સ છે જેના ઘણા ફાયદા છે.

અસહ્ય બળતરાની દવા : જે રોગોમાં પિત્ત વધી જાય અને જેને કારણે શરીરમાં કોઈ પણ ક્રિયાથી દાહ અને બળતરા થતી હોય એમાં દૂર્વા અકસીર દવા છે.

ચામડીમાં બળતરા, લાલાશ, ચકામાં ઊઠવાં, પગનાં તળિયાંમાં બળતરા થવી, પેશાબમાં બળતરા થવી અને શરીર સતત થોડું ગરમ રહેવું જેવાં લક્ષણો તજા ગરમીનાં છે. તજાગરમીને કારણે શરીરે પરસેવો પણ પુષ્કળ થાય છે અને આખા શરીરમાં દાહ થાય છે. આ સમસ્યામાં દૂર્વા જેવી અસરકારક ઔષધી બીજી કોઈ જ નથી.

નિયમિત દૂર્વા ઘાસનો રસ કાઢીને શરીરે ચોપડવામાં આવે છે. જો દૂર્વાને સ્વચ્છ જગ્યાએ કાળજીપૂર્વક ઉગાડવામાં આવી હોય તો આ ઘાસને બરાબર સાફ કરીને રસ કાઢીને પી પણ શ કાય છે. દૂર્વાના ઘાસનો સ્વરસ રોજ સવાર-બપોર-સાંજ પાંચ-પાંચ ચમચી લેવામાં આવે તો શરીરમાં આંતરિક દાહ-બળતરામાં ઇન્સ્ટન્ટ રાહત મળે છે.

સ્કિન-ડિસીઝની બળતરા : લોહીમાં કફ અને પિત્તનો વિકાર થાય ત્યારે ત્વચાના વિવિધ રોગો થતા હોય છે. જે પણ ત્વચાના રોગોમાં ત્વચામાં લાલાશ, બળતરા, ચકામાં થતાં હોય એમાં દૂર્વાનો પ્રયોગ કરી શકાય. ત્વચાની તકલીફોમાં માત્ર દૂર્વાના રસને સોનાગેરુમાં મેળવીને એનો લેપ અસરગ્રસ્ત ભાગ પર લગાવી રાખવો. એનાથી આગ જેવી બળતરા લાગતી હોય તો શમે છે.

ડેન્ગીના રૅશિસ : આજકાલ ડેન્ગીના ફીવરનો વાવર ચાલે છે. આ તાવ દરમ્યાન અને પછી બન્ને વખતે ત્વચા પર રૅશિસ થઈ શકે છે. ફીવરની નબળાઈને કારણે આ રૅશિસ ખૂબ કનડે છે. જો એ વખતે પણ દૂર્વાનો રસ સોનાગેરુ સાથે મેળવીને શરીર પર લગાવવામાં આવે તો રાહત મળે છે.

યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન : મહિલાઓમાં અવારનવાર યુરિનરી ટ્રૅક્ટના ઇન્ફેક્શનની સમસ્યા જોવા મળે છે. એમાં તૂટક-તૂટક અને બળતરા સાથે પેશાબ થાય છે. જેમને અવારનવાર આ યુરિનરી ટ્રૅક્ટનું ઇન્ફેક્શન થઈ જતું હોય તેમણે પાંચ ચમચી દૂર્વાનો રસ રોજ પીવો અને ખોરાકમાં દહીંનું પ્રમાણ વધારવું. દૂર્વાથી બળતરાનું શમન થશે અને દહીંથી સારા બૅક્ટેરિયાનો ફેલાવો થઈને એ ભાગમાં ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા વધશે.

મહિલાઓમાં મેનોપૉઝ દરમ્યાન શરીરમાં હૉમોર્નલ અસંતુલન થતું હોય છે અને સાથે હૉટ ફ્લૅશિસ પણ થતાં હોય છે. ગરમી-બળતરા, હૉટ ફ્લૅશિસ ચકામાં જેવાં લક્ષણો મેનોપૉઝ દરમ્યાન દૂર્વાના સ્વરસના સેવનથી પણ કન્ટ્રોલમાં રહે છે.

પાચન અને શુગરમાં : પાચનતંત્રને લગતી પેટની સમસ્યાઓમાં પણ દૂર્વા કામ કરે છે. મૉડર્ન મેડિસિનમાં સંશોધકો દૂર્વાની અન્ય લાક્ષણિકતા પર પણ પ્રયોગ કરી રહ્યા છે. લેટેસ્ટ અભ્યાસે કહ્યું છે કે દૂર્વાથી બ્લડશુગર કન્ટ્રોલ કરવામાં પણ મદદ થાય છે. દૂર્વાનો અર્ક હાઇપોગ્લાયસીમિક ઇફેક્ટ આપી તેમ જ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડીને હૃદયના રોગોમાં પણ મદદગાર હોવાની શક્યતા છે.

– ડૉ. રવિ કોઠારી

ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.