ઈમેલ હેક કર્યું, સિમકાર્ડ બંધ કરાવ્યો અને ઉડાવી દીધા 45 લાખ રૂપિયા

બેંગલુરુમાં હેકર્સે એક કંપનીના બેંક ખાતામાંથી 45.7 લાખ રૂપિયા ઉડાવી દીધા. એ પહેલા તેમણે કંપનીના બેંક સાથે જોડાયેલા નંબરને પણ ડિએક્ટિવેટ કરાવી દીધો હતો. બુધવારે બેંગલુરુમાં થયેલી આ ઘટના પછી કંપનીના માલિક જગદીશ અને તેમની પત્ની મંગલાએ બે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડ્યા. આ બધામાં તેમને ફરિયાદ દાખલ કરાવવામાં 24 કલાક મોડું થઈ ગયું.

જાણકારી અનુસાર, જગદીશને શનિવારે સાંજે ખબર પડી કે એમનો એયરટેલનો સિમ કાર્ડ બંધ થઈ ગયો છે. એ પછી સોમવારે સવાર સુધીમાં તેમની કંપનીના ખાતામાંથી 5 ટ્રાન્ઝેક્શન દ્વારા 45.7 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ બધું ફક્ત અડધા કલાકની અંદર થયું. પોલીસને શંકા છે કે, જગદીશનું ઈમેલ આઈડી હેક કર્યા પછી તેમનો સિમ કાર્ડ બંધ કરવામાં આવ્યો, જેથી નવો સીમકાર્ડ લઇ શકાય. એના સિવાય નેટ બેન્કિંગનો યુઝરનેમ અને પાસવર્ડ પણ હેક કરવામાં આવ્યો.

સિમ બંધ કરાવીને પૈસા ઉડાવ્યા :

જગદીશની પત્ની મંગલા અનુસાર, શનિવારે સાંજે 6 વાગ્યે જગદીશનો સીમકાર્ડ બંધ થઈ ગયો. જગદીશે રવિવારે સિમ બંધ થયા પછી કસ્ટમર કેયરને જણાવ્યું. કોર્પોરેટ સિમ કાર્ડ હોવાને કારણે નવો સિમ કાર્ડ લેવા માટે જગદીશને ઓફિશિયલ લેટરની જરૂર હતી. સોમવારે સવારે તેમણે નવો સિમ કાર્ડ લીધો.

મંગળવારે જ્યારે મંગલાએ બેંક એકાઉન્ટ ચેક કરવા માટે લોગ-ઈન કરવા પ્રયત્ન કર્યો, તો તેમનું યુઝરનેમ અને પાસવર્ડ ખોટા જણાવવામાં આવી રહ્યા હતા. તેમને લાગ્યું કે જગદીશે ચેન્જ કર્યા હશે પણ એવું ન હતું. પછી બેંકમાંથી ખબર પડી કે 30 મિનિટનો અંદર જ તેમના ખાતામાંથી 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. જેમાં 2.7 લાખ રૂપિયા કરંટ એકાઉન્ટ અને બાકી ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એ પૈસા ગુજરાત અને કોલકાતાના એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા છે.

એયરટેલના પ્રવક્તાએ જણાવ્યું કે, નવું સિમ ત્યારે જાહેર કરવામાં આવ્યું જયારે જગદીશ તરફથી શનિવારે ઈમેલ આવ્યો. હકીકતમાં તે ઈમેલ જગદીશનું એકાઉન્ટ હેક કરીને મોકલવામાં આવ્યો હતો. પોલીસે આઇપીસી ધારા 420 અને આઇટી એક્ટની ધારાઓ અંતર્ગત મુકદ્દમો દાખલ કર્યો છે.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.