ભાવનગરમાં તૈયાર થઈ રહ્યો છે ઇકોબ્રિક્સ પાર્ક, જાણો Ecobricks એટલે શું અને તેના ફાયદા.

મિત્રો, ગુજરાતના ભાવનગરમાં ઇકોબ્રિક્સ પાર્ક (EcoBricks Park) તૈયાર થઈ રહ્યો છે. જેના વિષે જાણીને આપણને આ નવતર પ્રયોગમાં શામેલ લોકો પર ગર્વ થશે. જણાવી દઈએ કે, ગુજરાતમાં પહેલી વાર આવો પાર્ક તૈયાર થઈ રહ્યો છે. અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જ આ બનાવવામાં આવી રહ્યો છે.

આ ઇકોબ્રિક્સ પાર્ક શહેરના અકવાડા લેક પાસેની ફાઝલ જમીનમાં બનાવવામાં આવી રહ્યો છે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે, એક મહિનામાં સફાઇ કામદારો અને નગરજનોએ ભેગા મળીને લગભગ 30 હજાર જેટલી ઈકો બ્રિક તૈયાર કરી છે. સોડા, ફીનાઈલ વગેરેની પ્લાસ્ટિકની બોટલ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. આ ઇકો બ્રિક પાર્ક બનાવવા માટે ડૉ. તેજસ દોશી આગળ આવ્યા છે.

આવો જાણીએ Ecobricks એટલે શું?

ઇકોબ્રિક્સ એટલે પ્લાસ્ટિકની બોટલનો ઈંટ તરીકે ઉપયોગ કરવો. તેના માટે પ્લાસ્ટિકની એક-બે લિટરની બોટલ લેવામાં આવે છે. પછી ઘરમાંથી નીકળતું સિંગલ યુઝ પોલીથીન કે જેને રિસાઈકલિંગ ના કરી શકાય, તેને પ્લાસ્ટિકની બોટલમાં ઠુસી ઠુસીને ભરવામાં આવે છે. આને ઇકોબ્રિક્સ કહેવાય છે.

એક મહિનાનું ઘરમાંથી નીકળતું પોલીથીન આ બોટલમાં સમાય જશે. તેમાં બ્રાન્ડેડ દૂધની કોથળીઓ નાખવી નહીં, કારણ કે તે રિસાયકલ થઈ શકે છે. તેમજ તેમાં કોહવાઈ શકે તેવા પદાર્થો પણ નાખવા નહીં.

હવે જાણીએ Ecobricks ના ફાયદા શું છે?

તેનાથી જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ અટકે છે. અનેક ચોરસ ફૂટ જમીનમાં પ્રદુષણ ફેલાવતું પ્લાસ્ટિક એક બોટલમાં સમાઈ જાય છે. આ પોલીથીન ભરેલી બોટલનો ઉપયોગ રસ્તા બનાવવા, બગીચામાં, બેસવાના ટેબલ વગેરેમાં અને અનેક રચનાત્મક કાર્યોમાં થઈ શકે. સામાન્ય રીતે આવું પોલીથીન સળગાવી દેવામાં આવે છે, જેના લીધે ભયંકર વાયુ પ્રદૂષણ થાય છે, પણ તેનો ઉપયોગ ઇકોબ્રિક્સમાં કરવાથી વાયુ પ્રદુષણ અટકે છે.

ભાવનગર મહાનગર પાલિકાને તમે પ્લાસ્ટિક ભરેલી 1 લીટર કે તેથી મોટી 3 બોટલ આપો, તો તે તમને 10 રૂપિયા આપશે. તમે તમારા વિસ્તારથી વોર્ડની સફાઇ ઓફીસ પર આવી બોટલ આપી શકો છો.

ભાવનગર મહાનગર પાલિકાએ અપીલ કરી છે કે, ભાવનગરના દરેક નાગરિક પોતાના ઘરે આવી ઇકોબ્રિક્સ બનાવીને આ અભિયાનમાં ભાવનગર મહાનગર પાલિકાની મદદ કરે. ભાવનગર મહાનગર પાલિકા તેમજ ભાવનગરના જાણીતા નેચર એકટીવિસ્ટ અને તબીબ ડો. તેજસ દોશી, બીએમસી એક્ઝિકયૂટીવ એનજીનીર વિજય પંડિતના માર્ગદર્શન નીચે આ પાર્ક બની રહ્યો છે, જેમાં બીએમસીની ટીમ ખૂબ જહેમત ઉઠાવી રહી છે.