માત્ર 5 મિનીટમાં બનાવો ચટપટો ફરાળી ચાટ મસાલો, ઘણી કામ લાગશે આ રેસિપી.

ઉપવાસમાં ફરાળી વાનગીઓનો વધારવો છે સ્વાદ, તો ઘરે જ બનાવો ચટપટો ફરાળી ચાટ મસાલો, જાણો તેને બનાવવાની રીત.

ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક પર્વ જેવા કે, નવરાત્રી, શિવરાત્રી, રામનવમી, અગિયારસ, જન્માષ્ટમી વગેરે જેવા ઘણા પર્વ પર ઉપવાસ રાખવાની પરંપરા છે. આ દિવસે વ્રત રાખી ભગવાનની પૂજા કરવામાં આવે છે. જો તમે વ્રતમાં ફળાહારનું સેવન કરો છો, તો ચટપટો ફરાળી ચાટ મસાલો ઉપયોગમાં લઈને તમારી ડીશનો ટેસ્ટ વધારી શકો છો.

ફરાળી ચાટ મસાલો :

મોટાભાગના વ્રતોમાં લોકો ફળાહારનું સેવન કરે છે. તેમાં આલુ ચાટ, ફ્રુટ ચાટ, મખાના ચાટ વગેરેનું સેવન કરવામાં આવે છે. વ્રતમાં જો ચટપટુ ખાવાનું મન થાય તો તમે ઘરે બનેલા ફરાળી ચાટ મસાલાનો ઉપયોગ કરી શકો છો. તે બનાવવામાં માત્ર 5 મિનીટનો સમય લાગે છે, અને તેનાથી વાનગીનો ટેસ્ટ કેટલાય ગણો વધી જાય છે.

ફરાળી ચાટ મસાલા માટે જરૂરી સામગ્રી :

2 ચમચી જીરુ

2 ચમચી ફુદીનો

2 સુકા લાલ મરચા

1 ચમચી સિંધવ મીઠું

1 ચમચી કાળું મીઠું (સંચળ) (જો વ્રતમાં ખાવ છો તો)

1 ચમચી ખાંડ

½ ચમચી કાળા મરી

½ ચમચી આમચુર.

ફરાળી ચાટ મસાલાની રેસિપી :

(1) એક તવો ગરમ કરો. તેમાં ઘી તેલ વગર જીરું શેકી લો.

(2) ગ્રાઈન્ડરમાં આખા કાળા મરી, લાલ મરચું, સિંધવ મીઠું, ખાંડ, આમચુર પાવડર, ફુદીનો અને શેકેલું જીરુ નાખીને વાટી લો.

(3) આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ ઘી, તેલ કે પાણીનો ઉપયોગ નથી કરવામાં આવતો. બધા મસાલાને સારી રીતે વાટી લો.

(4) તમારો ફરાળી ચાટ મસાલો તૈયાર છે. આ મસાલાનો રંગ તમારા મસાલાની ક્વોલેટી અને પ્રમાણ ઉપર આધાર રાખે છે.

આ ફરાળી ચાટ મસાલો તમે બનાવેલી ચાટ, શાક, સાબુદાણાની ખીચડી, ફરાળી કટલેસ, ફરાળી ટીક્કી વગેરે ઉપર છાંટો, તમારી ડીશનો સ્વાદ બદલાઈ જશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.