જાણો ફતેગઢની ઐતિહાસિક કેહરા(કેસરા) વાવની અજાણી અને રોચક વાતો, અહીં માતાજીના મંદિર પણ આવેલા છે.

ફતેગઢની ઐતિહાસિક કેહરા (કેસરા) વાવ :

– મહાદેવ બારડ વાગડ.

વાગડ વિસ્તારના ફતેગઢ ગામથી ઉતર દિશામા આશરે ત્રણથી ચાર કિલોમીટરના અંતરે એક ખેતરના મધ્યમા પુરાણીક વાવ આવેલી છે! આ વાવનું નામ છે કેહરા (કેસરા). અહીંયા આ વાવની બાજુમાં એક જૂનું ગામ હતું જ્યાં રાજપુતો અને આહીર રહેતા હતા. અને આ વાવ કેહરાજી રાજપૂત જે ચાંડ શાખના ગોહિલ હતા તેમણે આ વાવ ખોદાવેલ હતી અને બંધાવી હતી. એટલે તેની નામ હાલે કેહરા (કેસરા)વાવ તરીકે ઓળખાય છે!

કેહારજીની સમાધિ હાલમાં આ વાવથી થોડે દૂર જ્યાં પેલા ગામ હતું ત્યાં મોમાઈ માતાજીના મંદિરની પાછળના ભાગે આવેલી છે. આજે મોજુદ છે અને કેહરાજી રાજપુતના બંને દીકરાની સમાધિ બાજુમાં જામીન નીચે આવેલી છે એવુ ત્યાંના સ્થાનીક લોકો અને ત્યાં મોમાઇ માતાજીની પૂજા કરતા કણોલ ભારમલ રામજી પટેલ જણાવે છે!

કણોલ ભારમલ રામજી પટેલ જેમણે મંદિરની બાજુમાં પેલા ફેક્ટરી બનાવેલ હતી પણ તેમણે અંતરનાદ થતાં તેમણે ૨૫ લાખની ફેકટરી પાડી નાખી છે!અને નીચે સમાધિ બને ભાઈઓની આવેલી છે તેવું તેમણે જણાવ્યું છે! જેઓ મોમાઈ માતાજીની પૂજા કરે છે તેના ખેતરમાં અમુક વર્ષો પેલા જ્યારે તેમને અહીંયા માટીની ખાણ હતી તે ખોદતાં અહીંયાથી મોમાઈ માતાજીની મૂર્તિ નિકળી હતી. અને એક બીજી મૂર્તિ નીકળી હતી તેમણે તેમનાં જ ખેતરમાં માતાજીની સ્થાપના કરી અને ભવ્ય મંદિર બંધાવ્યું છે અને આજે ત્યાં સવાર સાંજ પૂજા કરે છે.

ત્યાં સાફસફાઈ માટે માણસ પણ રાખેલ છે. આ જ જગ્યામા પેલા ગામ હતું અને અહીંયા રાજપુતો અને આહીરો રાહત હતા! આ ગામ નાશ પામ્યું તેના હાલમાં જમીનમા રાખોડા વારી જમીન જોવા મળે છે! અહીંયાથી જ્યારે સ્થળાંતરણ કરીને રાજપુત અને અહીયા ગયા પછી આ જમીન ત્યારે મસુરિયા બ્રાહ્મણોને ૩૦૦ સાતીની આપતા ગયા હતા. જે હાલે પણ મસુરિયા બ્રાહ્મણો પાસે આસપાસના ખેતરો છે અને આ વાવ પણ હાલે શિવરામ ભોજા મસુરિયાના ખેતરમાં આવેલી છે!

ચાંડ શાખના ગોહિલ રાજપુતો અહીંયા રહેતા હતા જેઓ અહીંયાથી પછી ગેડી ગયા અને ત્યાં હાલે ચાંડ શાખના ગોહિલના રાજપુતો વશે છે અને એક વાસ છે! ચાંડ શાખના ગોહિલ રાજપુતો અહીંયા રહેતા હતા અને આહીરો પણ રહેતા હતા. એક ગામ હતું. પરંતું એમ કહેવાય છે કે, ઝઘડો થતાં અહીંયાથી રાજપુત અને આહીરો જતા રહ્યા અને ગામ નાશ પામ્યું અને એ જગ્યાની બસ રહી આ વાવ, જે ભવ્ય ભૂતકાળ ના દર્શન કરાવે છે અને આજે પણ મોજુદ છે!

દૂરથી જોતા જ તેના ભવ્યતાના દર્શન થાય છે. ખેતરના મધ્યમા આજે પણ અડીખમ ઉભી છે તેનો ભવ્ય વારસો સાચવીને અને વર્ષો જતાં તેને પણ સમયની થપાટ લાગેલી જોવા મળે છે. થોડીક ખંડેર જોવા મળે છે અને આ વાવમા સિમેન્ટ આપેલ ક્યાંક ક્યાંક જોવા મળે છે! પણ આ વાવને સિમેન્ટ મંજૂર નહિ હોય એટલે હાલ સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે!

આ વાવ મે વાગડમા જોવેલ વાવોથી અલગ લાગી છે કારણ કે આ વાવમા નીચે હિંગળાજ માતાજી બિરાજમાન છે. માતાજીના દર્શન કરવા માટે વાવમા આવેલી કિનારી ઉપર એટલે કે તર વાર ની ધાર ઉપર ચાલતા હોઈએ એવો અહેસાસ થાય છે, અને નીચે પાણી. જો ગયા તો વાવમા અને પાછળ દીવાલ છે એટલે કઠિન રીતે મા હિંગલાજના દર્શન કરવા પહોંચી શકાય છે. અને અંદર સરસ રીતે બેસી શકાય એવી જગ્યા છે! અને ઉપર મોટી શિલાઓ રાખેલી છે.

આપણને એમ થાય કે આવડા મોટા પથ્થરો ક્યાંથી લાવ્યા હશે? અને કેમ ઉપાડીને લાવ્યા હશે? અને અહીંયા કોઈ સાધન વગર કેમ રાખી હશે? માતાજી હિંગળાજના મંદિર ઉપર એટલે કે વાવની ઉપર અને મધ્યમા સાયણા માતાજીનું મંદીર આવેલું છે! વાવના પ્રવેશદ્વાર જબરજસ્ત છે. હાલમાં એકદમ સારી રીતે ઉભા છે. અને પેલા એમ કહેવાય છે કે આ વાવનો લેખ હતો. પણ અહીંયાની લોકવાયકા પ્રમાણે આ વાવમા સોનું અને રાચરચીલું દાટેલું છે તેવું લખેલ છે. એટલે એ લેખને ક્યાંક કોઈએ રાખી દીધો છે મળતો નથી.

આ વાવમા હાલે પણ પાણી જોવા મળે છે! વાવના કૂવામા ભડ પણ જોવા મળે છે ઉપરથી પણ દોરડાથી પાણી કાઢી શકાય તેમજ પેલા કોશ પણ ચાલતા હતા તે માટે ભડની પેલા વ્યવસ્થા હતી. ભડ એટલે કે વાવના કૂવામા ઉપર વાવ બાજુ લટકતો આડો પથ્થર હોય તેના પર દોરડું રાખીને નીચે સીંચે અને તેના કારણે પેલાના સમયમાં માટીના વાસણો વાવમા કે કૂવાની દિવાલ જોડે ભટકાય નહિ અને માટીના વાસણો તૂટે નહિ.

પેલાના સમયના માણસોમા કોઠા સૂઝ બહુજ હતી! આ વાવની બહાર મોટા પત્થર માથી કોતરીને થારા બનાવેલ છે, જે બને બાજુ એકજ માપનાં જોવા મળે છે! થારા એટલે કે અંદરથી પાણી સીંચીને તે ભરવામાં આવતા હતા અને ઢોર વગેરે પિતા હતા! આ થારા શબ્દ અમારે વાગડનો છે. થારા એટલે કે પથ્થર માથી કોતરીને બનાવેલી કુંડુ કે નાની એવી ટાંકી કહી શકાય. આવા થારા પેલાના સમયમા વાગડમા મોટા પ્રમાણમાં જોવા મળતા હતા. દરેક કુવે જોવા મળતા હતા અને તેને ભરીને રાખતા એટલે પશુ પક્ષીઓ તેમાંથી પાણી પીવે.

પેલાના માણસો જીવદયા પ્રેમીઓ હતા! ભલે પૈસા ન હતા પણ કરુણા બહુજ હતી! આ વાવ જીતા આપણને તે સમયની ભવ્યતાનો ખ્યાલ આવે છે અને સાયણા માતાજીનું મંદિર જે બનાવેલ છે છતરડી જેવું અદભુત છે. તેની બાંઘકામ શૈલી અને પથ્થરો અદભુત છે જેમાં જોવા મળતી ડીઝાઇન પણ અદભુત છે!

આ વાવથી દક્ષિણ દિશામા સામે પાળિયા બે ઉભા છે. કોના છે તે માહિતી મળતી નથી, પરંતું સિંદૂર લગાવેલા છે એટલે કોઈ પુજે છે! આ વાવ જોતા એમ લાગે છે કે, ત્યાબાજુમાં ગામને તે પાણી આપે છે એટલે કે જીવનદાન આપે છે. તેનું સુશોભન પણ સરસ કરેલ છે. વાવને અદ્ભુત રીતે બાંધકમ કરેલ છે!

આ વાવ એ પનિહારીઓ વેલી સવારે પાણી ભરવા આવતી હશે. કેટલાય માણસો અને વટેમાર્ગુ એ આ વાવનું પાણી પીધું હશે. કેટલાંય પશુ પક્ષીઓ એ પાણી પીધું હશે. કેટલાય વર્ષોના માણસો અને ઈતિહાસ અને નાશ પામ્યું નગર તે બધું જ આ વાવ એ જોયું હશે. આ વાવ જોઈને આપણે ભૂતકાળમા સરી જઇએ છીએ!

આવી અનેક વાગડમા વિરાસત જોવા મળે છે! અને આજે પણ સચવાયેલી જોવા મળે છે! અને દરેક વિરાસત પોતાનો જાજરમાન ઇતિહાસ સંઘરીને બેઠી છે! આ વાવ વિશે માહિતીદાતા બાજુમાં રહેતા રણછોડભાઈ રબારી એ આપી છે!

– મહાદેવ બારડ વાગડ.