ફેસબુક, ગુગલ અને ટ્વીટરે પાકિસ્તાન છોડવાની ચેતવણી આપી, ઇમરાન સરકાર ગાળિયો નાખવા ગઈ પણ…

પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકારે આ મહિને ઇન્ટરનેટ સેંસરશિપ પરના કડક નિયમો પરથી પડદો ઉઠાવ્યો છે. તેમાં જોગવાઈ કરવામાં આવી છે કે, જો ફેસબુક, ગુગલ અને ટ્વીટર જેવી દુનિયાની દિગ્ગજ ઈન્ટરનેટ કંપનીઓ નિયમોનું પાલન નહિ કરે, તો સેવાઓ બંધ કરવા સહીત તેમણે ભારે દંડનો સામનો કરવો પડી શકે છે.

જોકે આ કંપનીઓ નમવાને બદલે એકજુથ થઈ ગઈ અને ઈમરાન સરકારને ચેતવણી આપી કે, તેઓ પાકિસ્તાનને છોડી શકે છે. જો એવું થાય છે તો પાકિસ્તાન સહીત સાત કરોડ યુઝર ડિજિટલ સેવાઓથી વંચિત થઈ જશે. આ ચેતવણી પછી ઈમરાન સરકારે નવા નિયમો પર ફરીથી વિચાર કરવાનો ભરોસો આપ્યો છે.

એશિયા ઇન્ટરનેટ કોએલિશન (એઆઈસી) એ આ મુદ્દા પર પ્રધાનમંત્રી ઇમરાન ખાનને એક કડક પત્ર લખ્યો છે. તેમાં કંપનીઓએ કહ્યું કે, ‘નવા નિયમો અંતર્ગત એઆઈસી સભ્યો માટે પાકિસ્તાની યુઝર્સ અને કારોબારોને સેવા આપવી ઘણું મુશ્કેલ થઈ જશે.’ 2010 માં સ્થાપિત એઆઈસી એક ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે અને ફેસબુક, ગુગલ, ટ્વીટર, યાહૂ, એપલ, એમેઝોન અને લિંકડિન જેવી ઇન્ટરનેટ અને ટેક્નોલોજી કંપનીઓ તેના સભ્ય છે.

સિવિલ સોસાયટીમાં પણ નારાજગી :

ઈન્ટરનેટ સેંસરશિપને લઈને પાકિસ્તાનના નાગરિકો અને સિવિલ સોસાયટીમાં પણ નારાજગી છે. મામલો અદાલતોમાં પણ પહોંચી ગયો છે. એ કારણે દબાણમાં આવેલી સરકારે પોતાના પગ પાછા ખેંચવા પડ્યા છે. અધિકારીઓએ વાયદો કર્યો છે કે, નવા નિયમોની સમીક્ષા કરવામાં આવશે. સિવિલ સોસાયટી અને ટેક્નોલોજી કંપનીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

ડેટા સુરક્ષા પર કોઈ કાયદો નહિ :

ઇસ્લામાબાદના ઈન્ટરનેટ અધિકારી સંગઠન ‘બોલો ભી’ ના નિયામક ઉસમા ખીલજીએ કહ્યું કે, પાકિસ્તાનમાં ડેટા સુરક્ષા પર કોઈ કાયદો નથી. એટલા માટે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ કંપનીઓ નવા નિયમોનું પાલન કરવા ઇચ્છુક નથી. પાકિસ્તાનમાં ફેસબુક, ટિક્ટોક, વોટ્સએપ, યુટ્યુબ અને ટ્વીટર ખુબ લોકપ્રિય છે.

શું છે પાકિસ્તાનના નવા કાયદામાં :

સીટીઝન પ્રોટેક્શન (અગ્નેસ્ટ ઓનલાઈન હાર્મ) રૂલ્સ 2020 કાયદામાં જોગવાઈ છે કે, સોશિયલ મીડિયાએ બ્લોક કરેલા કંટેન્ટને 24 કલાકની અંદર હટાવવા પડશે.

આપત્તિજનક જાહેર કરવામાં આવેલ લાઈવ સ્ટ્રીમિંગ કંટેન્ટને પણ તરત બંધ કરવા પડશે.

કંપનીઓએ ઇસ્લામાબાદમાં પોતાની સ્થાનિક ઓફિસ ખોલવા અને ડેટા સ્ટોર કરવા માટે દેશમાં જ સર્વર પણ સ્થાપિત કરવું પડશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.