ખેડૂતો ધ્યાન આપે તાર ફેન્સીંગની સબસીડી લેવા માટેની અરજી કરવાની આ છે છેલ્લી તારીખ

સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેથી ખેડૂત વર્ગને થોડી આર્થિક સહાય મળી રહે. આજે અમે તમને એવી જ એક આર્થિક સહાય વિષે જણાવીશું. એ સહાય છે તાર ફેન્સીંગ માટેની સબસીડી. જો તમારે તમારા ખેતરની ફરતે તાર ફેન્સીંગ માટે સબસીડી મેળવવી હોય, તો એના માટે તમારે આઈ-ખેડૂત (i-ખેડૂત) પોર્ટલ પર જઈને 12 માર્ચ સુધીમાં એની ઓનલાઇન અરજી આપવી પડશે.

આ નવી યોજના હેઠળ તૈયાર થતી તારની વાડ ઉંચી રહેશે, જેથી રોઝ એને કુદી નહિ શકે. અને આ વાડની નીચેના ભાગમાં જાળી લગાવવામાં આવશે, જેથી ભૂંડ પણ એમાંથી પસાર નહિ થઇ શકે. આ યોજના હેઠળ 50 % રકમ સરકાર અને 50 % રકમ ખેડૂતોએ ભોગવવાની થશે.

આ યોજના અંતર્ગત જો તમે અ.જા. / અ.જ.જા માં સમાવિષ્ટ હોવ તો તમને તમારા ખેતરના પ્રતિ રનીંગ મીટર દીઠ 300 રૂપિયા અથવા ફેન્સીંગ માટે ખરેખર થનારા કુલ ખર્ચ બે માંથી જે ઓછું હશે એના 80 % રકમ સબસીડી તરીકે મળશે. તેમજ જો તમે અ.જા. / અ.જ.જા. સિવાયનાં લાભાર્થીઓમાં સમાવિષ્ટ હોવ તો તમને ૫૦% ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

જણાવી દઈએ કે આ સહાય તમને બે તબક્કામાં મળશે. જેમાં પ્રથમ તબક્કામાં ૨૫% સહાય મળશે. અને બાકીની ૭૫% સહાય બીજા તબક્કામાં મળશે. અને બીજા તબ્બકાની સહાય સંયુક્ત તપાસ ટીમની ચકાસણી અને થર્ડ પાર્ટી દ્વારા જી.પી.એસ. સિસ્ટમથી ઈન્સપેક્શન થઇ એના રીપોર્ટ મળ્યાબાદ જ ક્લસ્ટરનાં અરજદારો દ્વારા નિયુક્ત કરવામાં આવેલ જુથ લીડરનાં ખાતામાં ચુકવવામાં આવશે.

તમારે આ સબસીડી મેળવવા માટે સંગઠીત થવું પડશે અને સામૂહિક ધોરણે ક્લસ્ટર માટે અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા તમારે વધુમાં વધુ જમીન માટે ભેગા થઈને સંયુક્ત રીતે અરજી કરવાની રહેશે. કારણ કે આ રીતે સમૂહમાં એકસાથે ઘણી જમીનમાં વાડ બનશે તો એનો કુલ ખર્ચ પણ ઘટી જશે.

આ સબસીડી મેળવવા માટે અરજદારે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને અરજી કર્યા બાદ જરૂરી સાધનિક આધાર-પુરાવા સહ તેની નકલ દિન-૧૫ માં સંલગ્ન જીલ્લાની નિગમની કચેરી ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે. એક વાતનું ધ્યાન રહે કે અરજીની નકલની સાથે સામેલ માર્ગદર્શિકા ધ્યાને લેવી, તથા જરૂર જણાયે સંલગ્ન જીલ્લાની કચેરીનો સંપર્ક સાધવો.

અરજી કરવા માટે i-ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે. (ikhedut.gujarat.gov ડોટ in) તેમાં અરજીઓમાં જવાનું રહેશે. (વિવિધ યોજનાઓમાં અરજી કરવા ક્લિક કરો, એવું લખ્યું હશે એના પર ક્લિક કરો.) એમાં તમને અલગ અલગ યોજનાઓના વિકલ્પ મળશે. જેવી કે ખેતીવાડીની યોજનાઓ, જમીન અને જળ સંરક્ષણ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરે. એમાં તમારે “જમીન અને જળ સંરક્ષણ” પર ક્લિક કરવાનું રહેશે. જેથી તમને “ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના” લખેલું જોવા મળશે.

ત્યાં તમારે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. એમાં તમારે તમારી તમામ વિગતો જેવી કે અરજદારની વિગત, રેશનકાર્ડની વિગત, બેંક ખાતાની વિગત વગેરે ભરવાનું રહેશે. ત્યારબાદ એની નકલ મેળવી લેવાની રહેશે. અને ઉપર જણાવ્યા અનુસાર તમારા સંલગ્ન જીલ્લાની નિગમની કચેરી ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે.