નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ જાણી લો બે મિનિટ મા

નવરાત્રી ૨૦૧૯ : નવરાત્રી ૨૯ સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. નવરાત્રીની નવ રાત્રીઓમાં શક્તિની દેવી માં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. હિંદુ માન્યતાઓ મુજબ કળશ સ્થાપના સાથે નવરાત્રીની શરૂઆત કરવામાં આવે છે, અને કચક પૂજન અને નવમી(નોમની તિથિ) ના હવનથી સમાપન થાય છે. નવરાત્રીમાં કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ છે. કળશ સ્થાપનાને ઘણી જગ્યાએ ઘટ સ્થાપના પણ કહેવામાં આવે છે. નવરાત્રીની શરુઆત કળશ સ્થાપના સાથે જ થાય છે. કળશ સ્થાપના એ શક્તિની દેવીનું આહવાન છે.

માન્યતા છે કે, ખોટા સમયે કળશ સ્થાપના કરવાથી દેવી માં ક્રોધિત થઇ શકે છે. રાતના સમયે અને અમાસના દિવસે કળશ સ્થાપિત કરવાની મનાઈ છે. કળશ સ્થાપનાનો સૌથી શુભ સમય પડવાની તિથિ(પખવાડિયાનો પહેલો દિવસ) નો એક તૃતીયાંશ ભાગ પસાર થઇ ગયા પછી થાય છે.

જો કોઈ કારણસર તમે આ સમયે કળશ સ્થાપિત ન કરી શકો, તો અભિજિત મુહુર્તમાં પણ સ્થાપિત કરી શકો છો. દરેક દિવસનું આઠમું મુહુર્ત અભિજિત મુહુર્ત કહેવાય છે. સામાન્ય રીતે તે ૪૦ મિનીટનું હોય છે. આમ તો આ વખતે કળશ સ્થાપન માટે અભિજિત મુહુર્ત ઉપલબ્ધ નથી.

કળશ સ્થાપના ક્યારે કરવામાં આવશે?

હિંદુ પંચાંગ મુજબ આસો માસના સુદ પક્ષના પડવાની તિથિએ કળશ સ્થાપના કરવામાં આવે છે. એટલે કે શારદીય નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરી માતા દુર્ગાનું આહવાન કરવામાં આવે છે. આ વખતે ૨૯ સપ્ટેમ્બરના રોજ કળશ સ્થાપના કરવામાં આવશે.

કળશ સ્થાપનાની તિથી અને શુભ મુહુર્ત :

કળશ સ્થાપનાની તિથી : ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૯ ની સવારે ૦૬ વાગીને ૧૬ મીનીટથી ૭ વાગીને ૪૦ મિનીટ સુધી.

કુલ સમયગાળો : ૧ કલાક ૨૪ મિનીટ.

કળશ સ્થાપનાની સામગ્રી :

માતા દુર્ગાને લાલ રંગ ઘણો પસંદ છે, એટલા માટે લાલ રંગનું જ આસન ખરીદો. તે ઉપરાંત કળશ સ્થાપના માટે માટીનું વાસણ, જવ, માટી, જળથી ભરેલું કળશ, નાડાછડી, ઈલાયચી, લવિંગ, કપૂર, કંકુ, આખી સોપારી, આખા ચોખા, સિક્કો, આસોપાલવ કે આંબાના પાંચ પાંદડા, નારીયેળ, ચુંદડી, સિંદુર, ફળ-ફૂલ, ફૂલોની માળા અને શૃંગારની પેટી પણ જોઇએ.

કળશ સ્થાપના કેવી રીતે કરવી?

નવરાત્રીના પહેલા દિવસે એટલે કે પડવાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો.

મંદિરની સાફ સફાઈ કરીને પછી સૌથી પહેલા ગણેશજીનું નામ લો, અને પછી માં દુર્ગાના નામથી અખંડ જ્યોત પ્રગટાવો. કળશ સ્થાપના માટે માટીના વાસણમાં માટી નાખીને તેમાં જવ ના બીજ ઉગાડો.

હવે એક તાંબાના લોટા ઉપર કંકુથી સ્વસ્તિક બનાવો. લોટાના ઉપરના ભાગમાં નાડાછડી બાંધો.

હવે આ લોટામાં પાણી ભરીને તેમાં થોડા ટીપા ગંગાજળ ભેળવો. પછી તેમાં સવા રૂપિયા, દુધ, સોપારી, અત્તર અને ચોખા નાખો.

ત્યાર પછી કળશ પર આસોપાલવ કે આંબાના પાંચ પાંદડા લગાવો.

હવે એક નારીયેલને લાલ કપડામાં લપેટીને તેને નાડાછડીથી બાંધી દો. પછી નારીયેલને કળશ ઉપર મૂકી દો.

હવે આ કળશને માટીના તે વાસણની બરોબર વચ્ચે મૂકી દો જેમાં તમે જવ વાવ્યા છે.

કળશ સ્થાપના સાથે જ નવરાત્રીના નવ વ્રતો રાખવાનો સંકલ્પ લેવામાં આવે છે.

તમે ધારો તો કળશ સ્થાપના સાથે જ માતાના નામની અખંડ જ્યોત પણ પ્રગટાવી શકો છો.

આ માહિતી ખબર એનડીટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.