ભાદરવા અને આસો મહિનામાં આયુર્વેદની આ ગાઈલ્ડલાઇન્સનું પાલન કરશો તો બીમારી 10 ફૂટ દૂર રહેશે.

નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો પુરો થયો અને ભાદરવો મહિનો શરૂ થઈ ગયો છે. ભાદરવો- આસો મહિનાને (શરદઋતુ) આયુર્વેદમાં રોગોની ઋતુ કહેવામાં આવી છે. વર્ષાઋતું (અષાઢ- શ્રાવણ) માં શરીરમાં સંચિત (ભેગું) થયેલું પિત્ત શરદઋતુના પ્રખર તડકામાં પ્રકોપ પામે છે (શરદઋતુનો તડકો ઉનાળા કરતાં પણ વધુ આકરો હોય છે) અને આ પ્રકોપ પામેલા પિત્તને કારણે જ આ ઋતુમાં પિત્તજન્ય બિમારીઓ જેવી કે કમળો, ટાઈફોઈડ, મલેરીયા, ડેંગ્યૂ, ચિકનગુનિયા, ઝેરી મલેરિયા જેવા રોગો થાય છે.

એક વાત ખાસ કહું તો મચ્છર કરડવાથી તાવ આવે છે એવું આયુર્વેદ માનતું નથી અને આયુર્વેદના કોઈ ગ્રંથોમાં મચ્છર કરડે તો તાવ આવે છે એવો કોઈ ઉલ્લેખ નથી. હવે આ સિઝનમાં સ્વસ્થ અને તંદુરસ્ત કેવી રીતે રહેવું તે માટેની આયુર્વેદની ગાઈડ લાઈન આપવાનો વિનમ્ર પ્રયાસ કરું છું.

૧) આ સિઝનમાં કાકડી, ભીંડા, ગલકાં, તુરિયા, ચીભડાં, દહીં, છાશ, અથાણાં, વધુ પડતાં તીખા, ખારાં ( નમક), ખાટાં પદાર્થોનું સેવન ન કરવું કે જે આ ઋતુમાં પિત્ત વધારે છે.

૨) શરદઋતુનો તડકો ઉનાળા કરતાં પણ વધુ આકરો અને પિત્તવધૅક હોઈ તડકામાં બહાર જવાનું થાય તો માથે કોટનની ટોપી કે કપડું ખાસ ઢાંકીને જ નીકળવું.

૩) પિત્તશામક આહાર જેવો કે દુધ, દુધ પાક, ખીર, માલપુઆ, દુધ પૌંઆનું વિશેષ સેવન કરવું. (શ્રાધ્ધ પક્ષમાં ખીર, દુધ પાક, માલપુઆ તથા શરદપૂર્ણિમાએ ખાવામાં આવતા દુધપૌંઆના રિવાજ પાછળ પણ આયુર્વેદ જ છે જે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિના મહાન ઋષિમુનિઓ અને આયુર્વેદાચાર્યોએ આપણા તહેવારો અને પરંપરામાં ખુબ જ સહજતાથી વણી લીધેલ છે.)

૪) શાકભાજીમાં કારેલા, કંકોડા અને પરવળ જેવા કડવા શાકભાજીનો ઉપયોગ કરવો. (કડવો રસ પિત્તશામક છે.) “આવરે વરસાદ, ઘેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક” આ કહેવતમાં પણ આયુર્વેદ અને ચોમાસાની ઋતુની ગાઈડ લાઈન છે. (ઊની ઊની રોટલી મતલબ કે વષૉઋતુંમા અષાઢ-શ્રાવણમા ગરમા ગરમ અને હલકું ખાવાથી વાયુનું શમન થાય છે અને કારેલાનું શાક મતલબ કડવા રસનું સેવન કરવાથી પિત્તનું શમન થાય છે. વરસાદને ઘેબરીયો પરસાદ ગણીને આવકારવામાં આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પ્રકૃતિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ભાવ છે.

૫) શરીરમાંથી વધારાનું પિત્ત ઝાડા વાટે બહાર નીકળી જાય તે માટે હરડે કે ત્રિફળા ચૂર્ણ જેવા રેચક ઔષધો આ સિઝનમાં નિયમિત લેવાનું સુચવેલ છે.

૬) તાવ ના આવે તે માટે તેના પ્રિવેન્શન માટે કડું-કરિયાતું, ગળોનો ઉકાળો કે સુદર્શન ઘનવટી જેવી ઔષધીય ગોળીનું નિયમિત સેવન કરવું. (૨ ગોળી દિવસમાં એકવાર લઈ શકાય)

૭) નવરાત્રીમાં રાત્રે શીતળ વાતાવરણમાં ગરબા કરવા એ પણ પિત્તનું કુદરતી શમન કરે છે.

મિત્રો ઉપરોક્ત આયુર્વેદિક ગાઈડ લાઈન મારા આયુર્વેદના ગ્રંથોના દીર્ઘ અને વ્યવસ્થિત અભ્યાસના આધારે અને શક્ય તેટલી સરળ ભાષામાં આપવાનો વિનમ્ર પ્રયાસ છે (ક્યાંયથી કોપી પેસ્ટ કરેલ નથી) તો આશા રાખું કે સર્વેને આ સિઝનમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવામાં મદદરૂપ થશે. યોગ્ય લાગે તો તમારા મિત્રોને, સગાં સંબંધીઓને શેર કરજો કે જેથી કરીને તેઓ પણ આ સિઝનમાં સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે.

જય આયુર્વેદ. spnf વૃંદા નેચરલ ફાર્મ, છાલડા.

– શૈલેશ રાદડીયા.