એક આઈફોન જેટલી કિંમતમાં તમે 25 વર્ષ સુધી મફત વીજળી મેળવી શકો છો, જાણો કઈ રીતે?

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, વીજળી આપણા માટે કેટલી જરૂરી છે એ તો કોઈને જણાવવાની જરૂર જ નથી. એ વીજળીના ઉત્પાદન માટે પાવર પ્લાન્ટમાં અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, કોઈ પાવર પ્લાન્ટ ન્યુક્લિયર એનર્જીથી ચાલે છે, કોઈ કોલસાથી ચાલે છે, તો કોઈ હાઈડ્રો પાવર પ્લાન્ટ છે, તો કોઈ પવનચક્કીથી ચાલે છે, તો કોઈ સોલાર એનર્જી પર ચાલે છે. આ બધામાંથી સોલાર એનર્જીનો ઉપયોગ ફક્ત મોટા પાવર પ્લાન્ટમાં જ નહિ, પણ તમે ઘરે પણ કરી શકો છો.

તમે તમારા ઘર પર સોલાર પેનલ ફિટ કરાવીને વીજળી ઉત્પન્ન કરી શકો છો. અને એના માટે સરકાર દ્વારા યોજના પણ બહાર પાડવામાં આવી છે. અને આજે અમે તમને એક એવી યોજના વિષે જણાવીશું જેમાં તમે એક આઈફોન જેટલી કિંમતમાં 25 વર્ષ સુધી મફત વીજળી મેળવી શકો છો. એ યોજના છે સોલાર રૂફટોપ યોજના.

આ કેન્દ્ર સરકારની એક ખાસ સ્કીમ છે, જે લોકોને પોતાના ઘરે જ સોલાર ઉર્જાની મદદથી વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનાવે છે. અને તેમાં લગભગ ફક્ત 70 હજાર રૂપિયા ખર્ચીને તમે 25 વર્ષ સુધી મફત વિજળી મેળવી શકો છો.(આ કિંમતમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો હોય એવું થઇ શકે છે.) જાણકારી માટે જણાવી દઈએ કે, કેંદ્ર સરકારનું ન્યૂ એંડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય સોલાર પેનલ લગાવનારાઓને પોતાના રૂફટોપ સોલર પ્લાન્ટ પર 30 ટકા સબસિડી આપે છે. એટલે કે સબસિડી વિનાના રૂફટોપ સોલર પેનલ ધાબા પર લગાવવા પર લગભગ 1 લાખ રૂપિયા રૂપિયાનો ખર્ચ આવે છે.

પણ અલગ અલગ રાજ્યો પ્રમાણે આ ખર્ચ અલગ અલગ હોય શકે છે. અને સબિસિડી મેળવ્યા પછી 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ માત્ર 60 થી 70 હજાર રૂપિયામાં ઇન્ટોલ કરી શકાય છે. એવું પણ જાણવા મળ્યું છે કે, કેટલાક રાજ્ય તેના માટે અલગથી વધારાની સબસિડી પણ આપે છે. જો કે એ બાબત જે તે રાજ્ય પર આધાર રાખે છે.

ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન ઉભો થયો હશે કે, આ યોજનાનો લાભ કરી રીતે મેળવવો? આ સોલાર પેનલ ને બધું ક્યાંથી ખરીદવું? તો જણાવી દઈએ કે, સોલાર પેનલ ખરીદવા માટે તમે રાજ્ય સરકારની રિન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો. એના માટે રાજ્યોના મુખ્ય શહેરોમાં એની ઓફિસ બનાવવામાં આવી છે. તેમજ લગભગ દરેક શહેરોમાં પ્રાઇવેટ ડીલર્સ પાસેથી પણ સોલાર પેનલ મળી રહે છે.

હા, પણ એ જણાવી દઈએ કે ઓથોરિટી પાસેથી લોન લેવા માટે પહેલાં સંપર્ક કરવો પડશે. અને એના પર સબસિડી મેળવવા માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલય પાસેથી જ મળશે.

આની ખાસ વાત એ છે કે, તમે આ સોલાર પેનલનો ઉપયોગ 25 વર્ષ સુધી કરી શકો છો. આની લાઈફ 25 વર્ષની હોય છે. આ સોલાર પેનલો તમારા ઘરના ધાબા પર લાગશે. અને આ આખો પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધીનો રહેશે. એક વખત ખર્ચ કર્યા પછી તમે લાંબા ગાળા સુધી મફત અને પ્રદૂષણ મુક્ત વીજળી મેળવી શકશો.

પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલમાં જરૂરિયાત અનુસાર પાંચસો વોલ્ટ સુધીની ક્ષમતાના સોલાર પાવર પેનલ લગાવી શકો છો. અને જણાવી દઈએ કે, પાંચ સો વોટના એવા દરેક પેનલ પર 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવશે.(ખર્ચ જયારે તમે પેનલ ખરીદો ત્યારે બજારભાવ અનુસાર ઉપર નીચે થઇ શકે છે.)

મળેલી જાણકારી અનુસાર સોલાર પેનલમાં કોઈ મેટનેંસ ખર્ચ આવતો નથી. પણ દર 10 વર્ષે એક વાર એની બેટરી બદલવાની જરૂર પડે છે. એનો ખર્ચ લગભગ 20 હજાર રૂપિયા કહેવામાં આવ્યો છે. પણ એ સમય દરમ્યાન આપણે ઘણી બધી વીજળી ઉત્પન્ન કરી ચુક્યા હોઈએ છીએ. એટલે આપણને તો ફાયદો જ થાય છે. અને આ સોલાર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઇ જઇ શકાય છે.

જો તમે એક કિલોવોટની ક્ષમતાની સોલર પેનલ લગાવડાવો તો સામાન્ય રીતે એક ઘરની જરૂરિયાતની વિજળી તમને એમાંથી મળી જાય છે. અને જો તમારે એક એસી ચલાવવું હોય તો તમને બે કિલોવોટ વાળી પેનલની, અને બે એસી ચલાવવા હોય તો ત્રણ કિલોવોટ ક્ષમતાના સોલર પેનલની જરૂરિયાત પડશે. મિત્રો, જો આ સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટે તમારી પાસે એકસાથે 60 હજાર રૂપિયા નથી, તો તમે કોઇપણ બેંકમાંથી હોમલોન લઇ શકો છો. નાણા મંત્રાલયે બધી બેંકોને હોમલોન આપવા માટે કહ્યું છે. પહેલા બેંક સોલાર પ્લાન્ટ માટે લોન આપતી ન હતી, પણ હવે આપે છે.

એટલું જ નહિ આનાથી ઉત્પન્ન થતી વધારાની વીજળીને તમે વેચી પણ શકો છો. જણાવી દઈએ કે, રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સોલાર એનર્જીને વેચવાની સુવિધા આપવામાં આવે છે. જેમાં સોલાર પાવર પ્લાન્ટ ઉત્પન્ન દ્વારા કરવામાં આવેલી વધારાની વિજળીનો પાવર ગ્રિડ સાથે જોડીને વેચી પણ શકો છો. ઉત્તર પ્રદેશે સોલાર પાવરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન સ્કીમ શરૂ કરી છે. તેના હેઠળ પેનલના ઉપયોગ પર વિજળીમાં છૂટ મળશે.

વધારાની વીજળી વેચવા માટે તમે લોકલ વિજ કંપનીઓ સાથે ટાઇઅપ કરી શકો છો અને એમને વિજળી વેચી શકો છો. પણ તેના માટે લોકલ વિજ કંપનીઓ પાસેથી તમારે લાઇસન્સ લેવું પડશે. અને એ વિજ કંપનીઓ સાથે પાવર પરચેઝ એગ્રીમેંટ કરવું પડશે.

ગુજરાત સરકાર દ્વારા સોલાર રૂફટોપ સબસિડીની જાહેરાત :

3 કિલોવોટ સુધીની સિસ્ટમ બેસાડનાર પરિવારને નક્કી કરવામાં આવેલી કિંમત પર 40 ટકાની સબસિડી, અને 3 થી ઉપર 10 કિલોવોટ સુધીની સિસ્ટમ લગાવનાર પરિવારને 20 ટકાની સબસિડી મળશે. એટલે કે જો કોઇ અરજદાર 11 કિલોવોટ સોલર સિસ્ટમની માંગણી કરે, તો પ્રથમ 3 કિલોવોટ ઉપર 40 ટકા અને પછીના 7 કિલોવોટ ઉપર 20 ટકા સબસીડી અને તે બાકીના 1 કિલોવોટ ઉપર શૂન્ય ટકા સબસીડી મળવા પાત્ર થશે તેમ જણાવવામાં આવ્યું છે.