ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત, વિસર્જનનું મહત્વ અને પૂજા વિધિ.

અનંત ચતુર્દર્શી પર આ મુહૂર્તમાં કરો ગણપતિનું વિસર્જન તો ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ.

પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશની 10 દિવસીય સ્થાપના પછી 11 માં દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં ગણપતિ બાપ્પાની સ્થાપના અને વિસર્જનનું ઘણું વધારે મહત્વ છે. આ વર્ષ એટલે કે 2020 માં ભગવાન ગણેશની સ્થાપના 22 ઓગસ્ટે કરવામાં આવી હતી, અને 10 દિવસ પછી એટલે કે 1 સપ્ટેમ્બરે ભગવાનનું વિસર્જન કરવામાં આવશે. અને જો તમે પણ જાણવા માંગો છો કે, ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત ક્યારે છે અને ગણેશ વિસર્જનની પૂજા વિધિ શું છે? તો ચાલો તમને આ આર્ટિકલમાં જણાવીએ ગણેશ વિસર્જન સંબંધિત બધી જાણકારી.

તિથિ અનુસાર 1 સપ્ટેમ્બર 2020 ના રોજ અનંત ચતુર્દર્શીના દિવસે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. જણાવી દઈએ કે 10 દિવસ સુધી રોજ સવાર-સાંજ ભગવાન ગણેશની વિધિ પૂર્વક પૂજા કરવામાં આવે છે, અને તેમનો મન પસંદ ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ 11 માં દિવસે વિધિ વિધાનથી ધૂમધામ સાથે શ્રીગણેશનું વિસર્જન કરવામાં આવે છે. સાથે જ પ્રાર્થના કરવામાં આવે છે કે, આવતા વર્ષે ભગવાન જલ્દી આવે.

ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા મુહૂર્ત :

સવારનું મુહૂર્ત : (ચર, લાભ, અમૃત) – સવારે 9 વાગીને 10 મિનિટથી બપોરે 1 વાગીને 56 મિનિટ સુધી (1 સપ્ટેમ્બર 2020).

બપોરનું મુહૂર્ત : (શુભ) – બપોરે 3 વાગીને 32 મિનિટથી સાંજે 5 વાગીને 7 મિનિટ સુધી (1 સપ્ટેમ્બર 2020).

સાંજનું મુહૂર્ત : (લાભ) – 8 વાગીને 7 મિનિટથી રાત્રે 9 વાગીને 32 મિનિટ સુધી (1 સપ્ટેમ્બર 2020).

રાતનું મુહૂર્ત : (શુભ, અમૃત, ચર) – રાત્રે 10 વાગીને 56 મિનિટથી સવારે 3 વાગીને 10 મિનિટ સુધી (1 સપ્ટેમ્બર 2020).

ચૌદશ તિથિ આરંભ – 31 ઓગસ્ટ 2020 સવારે 8 વાગીને 48 મિનિટથી,

ચૌદશ તિથિ સમાપન – 1 સપ્ટેમ્બર 2020 સવારે 9 વાગીને 38 મિનિટ સુધી.

ગણેશ વિસર્જનનું મહત્વ :

ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની સ્થાપનાનું જેટલું મહત્વ છે, તેનાથી ઘણું વધારે મહત્વ અનંત ચતુર્દર્શીના દિવસે ગણેશજીના વિસર્જનનું હોય છે. જણાવી દઈએ કે, ગણેશ ચતુર્થીના દિવસથી જ ભગવાન ભક્તોના ઘરે પાંચ, સાત અથવા દસ દિવસ વિરાજમાન થાય છે. અને ભક્ત સંપૂર્ણ વિધિ વિધાન સાથે તેમની આરાધના કરે છે. શાસ્ત્રો અનુસાર શ્રી ગણેશની સ્થાપના કરી તેમની વિધિગત પૂજા અર્ચના કરીને વિસર્જન કરવાથી મનુષ્યના કષ્ટોનું નિવારણ થાય છે. સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.

ગણેશ વિસર્જન પૂજા વિધિ :

1. ભગવાન ગણેશનું વિસર્જન ચૌદશની તિથિના દિવસે કરવામાં આવે છે, વિસર્જન પહેલા શ્રીગણેશનું તિલક કરવું ઘણું શુભ માનવામાં આવે છે.

2. તિલક કર્યા પછી તેમને ફૂલોનો હાર, ફળ, મોદક, લાડુ વગેરે ચડાવવામાં આવે છે.

3. શ્રીગણેશના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે અને તેમની આરતી ઉતારવામાં આવે છે.

4. ત્યારબાદ ભગવાનને જે પણ વસ્તુ પૂજામાં ચડાવવામાં આવે છે, તેને એક પોટલીમાં બાંધી દેવામાં આવે છે.

5. આ પોટલીમાં સામાનો સાથે એક સિક્કો જરૂર મુકવો જોઈએ. અને આ પોટલીને ભગવાન ગણેશ સાથે વિસર્જિત કરવી જોઈએ.

ગણેશ વિસર્જનની કથા :

પૌરાણિક કથાઓનું માનીએ તો ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથની તિથિ એટલે કે ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દર્શી સુધી મહર્ષિ વેદવ્યાસે ભગવાન ગણેશને મહાભારતની કથા સંભળાવી હતી, આ કથા ગણેશજી સતત લખતા રહ્યા. 10 દિવસ પછી જયારે મહર્ષિ વેદવ્યાસે પોતાની આંખ ખોલી, તો ભગવાન ગણેશનું શરીર ઘણું ગરમ થઈ ગયું હતું. ત્યારબાદ વેદવ્યાસે નજીકના એક સરોવરમાંથી પાણી લાવીને ગણેશજીના શરીરને ઠંડુ કર્યું. એજ કારણ છે કે ભગવાન ગણેશને 10 દિવસ પછી ચૌદશની તિથિએ પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.

કથા અનુસાર મહર્ષિ વેદવ્યાસે ભગવાનને સુગંધિત માટીમાંથી બનેલો લેપ પણ લગાવ્યો હતો, જેથી શરીરનું તાપમાન વધે નહિ. ત્યારબાદ જયારે માટીનો લેપ સુકાઈ ગયો તો ગણેશજીનું શરીર જકડાઈ ગયું હતું, અને પછી માટી પણ ખરવા લાગી હતી. ત્યારબાદ તેમને સરોવરના પાણીમાં લઇ જઈને શીતળ કરવામાં આવ્યા. કહેવામાં આવે છે કે તે 10 દિવસોમાં વેદવ્યાસે ભગવાનને મનપસંદ ભોજન ખવડાવ્યું હતું, એજ કારણ છે કે ગણેશ ઉત્સવમાં 10 દિવસ સુધી ગણેશજીને મનપસંદ ભોગ ધરાવવામાં આવે છે.

એક અન્ય કથા અનુસાર ચોથની તિથિ પર જયારે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે, તો આ સમયે ભગવાનના કામમાં તેમના ભક્ત પોતાની મનોકામનાઓ કહે છે, તે મનોકામના સાંભળીને ગણેશજીનું તાપમાન વધી જાય છે. આ તાપમાનને ઓછું કરવા માટે તેમને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. તેની સાથે અન્ય એક માન્યતા એ પણ છે કે ઈશ્વરને કોઈ બાંધીને નથી રાખી શકતું.

એક બીજી માન્યતા એ પણ છે કે, જયારે ભક્ત ગણેશ ચતુર્થી પર ભગવાનને વિરાજિત કરે છે, તો તેમને ભૂલોકમાં લઇ આવે છે. જયારે તેમનું સ્થાન સ્વર્ગલોક છે. એજ કારણ છે કે, ભગવાનને અનંત ચતુર્દર્શી પર વિસર્જિત કરી તેમને સ્વર્ગ લોક મોકલવામાં આવે છે, જેથી તે સ્વર્ગ લોક જઈને અન્ય દેવી દેવતાઓને જણાવી શકે કે ભૂલોકની સ્થિતિ કેવી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.