કઈ રીતે થયો ગંગા નદીનો જન્મ અને કેવી રીતે થયો ધરતી પર પ્રવાસ?

આપણે હંમેશા આપણા પૂર્વજો પાસે ઘણી વાર્તાઓ સાંભળીએ છીએ, અને એવી ઘણી કથાઓ પણ છે, જેના વિષે માત્ર આપણા વડીલો જ આપણને જણાવી શકે છે. આમ તો આજકાલના સમયમાં કથાઓ વડીલો પાસેથી ઓછી અને ગુગલ પાસેથી વધુ સાંભળવા મળે છે. આ તો હતો બુદ્ધીપૂર્વકનો વિચાર અને સલાહ. પરંતુ આજે અમે તમને એવી જ એક કથા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે વાંચ્યા પછી તમે હંમેશા ભારતના ઈતિહાસને જાણવા માટે ઉત્સુક રહેશો. આપણા દેશની સૌથી પવિત્ર અને જૂની નદી વિષે તો સૌ જાણતા જ હશો. તે છે ગંગા નદી. ગંગાની કથા જે આજે પણ પવિત્ર અને શુદ્ધ છે.

આજે પણ ઘણા બધા એવા લોકો જે પોતાના પાપ ધોવા ગંગા નદીમાં જાય છે. અને એટલું જ નહિ ગંગા નદીનું જળ એટલું પવિત્ર છે, કે લોકો તેને પોતાના ઘરમાં સાચવીને રાખે છે. આમ તો તેનો ઉપયોગ ઘરને શુદ્ધ રાખવામાં પણ કરવામાં આવે છે. ગંગાને સ્વર્ગની નદી સમાન ગણવામાં આવે છે. કદાચ એટલા માટે એને ગંગા માતા કહીને પણ બોલાવવામાં આવે છે. તે એકલી એવી નદી છે જેને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ નદી જેટલી ઊંડી છે એટલું જ એના ઉત્પન થવાનું રહસ્ય પણ ઊંડું છે. એટલે કે ગંગા નદી ઉત્પન કેવી રીતે થઇ? અને તેનો પ્રાચીન ઈતિહાસ શું છે? તેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે. તો આવો અમે તમને જણાવીએ છીએ આ પ્રાચીન નદીનો અનોખો ઈતિહાસ.

ગંગાની ઉત્પત્તિની વાર્તા :

ગંગાની ઉત્પત્તિનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. હિંદુ ધર્મમાં ગંગાની ઉત્પત્તિની વાર્તા બે કથાઓમાં જણાવવામાં આવી છે. આવો જાણીએ એ કથાઓ. એવું કહેવાય છે કે બલી નામના એક રાજા હતા જે ઘણા બહાદુર હતા. પોતાની બહાદુરીને લઇને તેણે સ્વર્ગના રાજા ઇન્દ્રને યુદ્ધ માટે પડકાર્યા. પણ તેની બહાદુરીને જોઈને ભગવાન ઇન્દ્રને લાગ્યું કે જો તે જીતી જશે તો સ્વર્ગનું આખું રાજ્ય પચાવી પાડશે.

રાજા બલી ઘણા મોટા વિષ્ણુ ભક્ત હતા. હવે દુવિધા જુવો કે ઇન્દ્ર દેવ મદદ માટે ભગવાન વિષ્ણુ પાસે જ ગયા અને ત્યારે વિષ્ણુજીએ ઇન્દ્ર દેવની મદદ કરી. વિષ્ણુજી તે સમયે પોતાના સાચા રૂપમાં નહિ પરંતુ બ્રાહ્મણનો અવતાર લઇને રાજા બલીના રાજ્યમાં ગયા. પણ ત્યારે રાજા બલી પોતાના રાજ્યની સમૃદ્ધી માટે એક યજ્ઞ કરી રહ્યા હતા. છતાંપણ વિષ્ણુજી તે અવતારમાં રાજા બલી પાસે ગયા અને તેની પાસેથી દાન માંગી લીધું.

વિષ્ણુજીએ ઘણી ચાલાકીથી રાજા બલી પાસે ત્રણ ડગલા જમીન માંગી લીધી. પણ આશ્ચર્યની વાત એ છે કે રાજા બલી જાણતા હતા કે તે ભગવાન વિષ્ણુ છે જે બ્રાહ્મણ અવતારમાં આવ્યા હતા. છતાંપણ તેમણે વિચાર્યુ કે તે કોઈ બ્રાહ્મણને પોતાના દ્વારથી ખાલી હાથ જવા નહિ દેવાય. એટલા માટે તેમણે ત્રણ ડગલા જમીન આપવા માટે હા કહી દીધી. પણ જેવો જ વિષ્ણુજીએ પહેલુ ડગલું રાખ્યું તો તેમનો પગ એટલો મોટો થઇ ગયો કે બધી જમીન એક જ વખતમાં માપી લીધી. પછી તેમણે બીજું ડગલું આકાશ તરફ રાખ્યું તો આખું આકાશ માપી લીધું.

પરંતુ જયારે ત્રીજું ડગલું રાખવાનો વારો આવ્યો, તો વિષ્ણુજીએ બલીને પૂછ્યું કે આ ત્રીજું ડગલું ક્યાં મુકું? તો રાજા બલીએ ઘણી ઉદારતા સાથે કહ્યું પ્રભુ મારા માથા ઉપર મૂકી દો. જેવું જ વિષ્ણુજીએ તેના માથા ઉપર પગલું રાખ્યું તો તે સીધો પાતાળ લોકમાં જમીનની નીચે સમાઈ ગયો જ્યાં માત્ર અસુરોનું શાસન હતું.

વિષ્ણુજીએ ઘણી ચાલાકીથી બલી પાસેથી ત્રણ ડગલા જમીન માંગી લીધી. પણ આશ્ચર્યની વાત એ છે કે આ કથામાં એવું કહેવામાં આવે છે કે જયારે ભગવાન વિષ્ણુએ આકાશ તરફ પોતાનું ડગલું મુક્યું હતું ત્યારે પોતે બ્રહ્માજીએ તેમના પગ ધોયા હતા અને તેનું બધું પાણી એક કમંડળમાં એકઠું કરી લીધું. એ જળને ગંગાનું નામ પણ આપવામાં આવ્યું. અને એ કારણ છે કે ગંગાને બ્રહ્માજીની પુત્રી પણ કહેવામાં આવે છે. તે કમંડળ એટલું મોટું હતું કે તેમાં એકઠું કરવામાં આવેલું જળ એક નદી જેટલું વિશાળ હતું. આવી રીતે ગંગા નદીનો જન્મ થયો.

ગંગા નદીનો ધરતી ઉપર પ્રવેશ અને ગંગા નદીનો ઈતિહાસ :

ગંગા નદીનો ઈતિહાસ ઘણો બધો ગૌરવશાળી રહેલો છે. આ કથાને વાંચ્યા પછી એ તો ખબર પડી જશે કે ગંગા નદી હંમેશાથી પૃથ્વી ઉપર ન હતી, પરંતુ તેને પૃથ્વી ઉપર લાવવામાં આવી હતી. કેમ કે તેનો જન્મ તો સ્વર્ગલોકમાં થયો હતો. તો પ્રશ્ન એ થાય છે કે તો આ નદી ધરતીલોકમાં આવી કેવી રીતે? તેનો જવાબ પણ અમારી પાસે રહેલો છે. ખાસ કરીને પહેલાના યુગમાં ઘણા પ્રતાપી રાજા હતા અને રાજા બલી પછી રાજા સાગર પણ તેમાંના એક હતા. તે યુગમાં રાજા પોતાના સામ્રાજ્યને વધારવા માટે એક યજ્ઞ કરતા રહેતા હતા, જેને અશ્વમેઘ યજ્ઞ પણ કહેવામાં આવતો હતો.

તેમાં એવું બનતું હતું કે એક ઘોડો રાજ્યમાં છોડી દેવામાં આવતો હતો અને તે ઘોડો જે કોઈ રાજ્યમાંથી પસાર થતો હતો તે રાજ્ય યજ્ઞ કરવા વાળા રાજાનું થઇ જતું હતું. અને તેની વચ્ચે જો કોઈ રાજાએ તે ઘોડાને પકડી લીધો તો તે રાજાએ યજ્ઞ કરવા વાળા રાજા સાથે યુદ્ધ કરવું પડતું હતું.

એક વખત રાજા સાગરે પણ એવો જ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો અને ઘોડો છોડી દીધો. તે સમયે પણ ઇન્દ્ર દેવને એ ડર હતો કે ક્યાંક આ ઘોડો સ્વર્ગ માંથી પસાર થશે તો સ્વર્ગનું આખું રાજ્ય રાજા સાગર પાસે જતું રહેશે. અને જો ક્યાંક ઘોડાને પકડી લીધો તો રાજા સાગર સાથે યુદ્ધ જીતવાની પણ કોઈ આશા નથી દેખાતી. એવી સ્થિતિમાં ઇન્દ્ર દેવે ઘણી જ ચાલીથી સમજી વિચરીને નિર્ણય લીધો અને વેશ બદલીને ઘોડો પકડ્યો અને તેને કપિલ મુનીના આશ્રમમાં બાંધી દીધો.

રાજા સાગરને એ વાતની જાણ થઇ કે તેમનો ઘોડો કોઈએ પકડી લીધો તો તેમણે ગુસ્સામાં પોતાના ૬૦ હજાર પુત્રો સરખી પ્રજાને યુદ્ધ માટે મોકલ્યા. કપિલ મુની પોતાના આશ્રમમાં ધ્યાન લગાવીને બેઠા હતા. રાજા સાગરના પુત્ર પણ ઘોડાની શોધ કરી રહ્યા હતા અને જયારે તેમણે ઘોડાને આશ્રમમાં જોયો તો આશ્રમમાં થયેલી હલન ચલનથી મુનીનું ધ્યાન તૂટી ગયું. જયારે રાજાના પુત્રોએ મુનીની ઉપર ઘોડા પકડવાનો ખોટો આરોપ લગાવ્યો, ત્યારે મુનીને ગુસ્સો આવ્યો રાજાના બધા પુત્રોને ભસ્મ કરી દીધા. ત્યાર પછી રાજાના પુત્રોની આત્માને શાંતિ નહોતી મળી રહી હતી. તે રાજા સાગરની વાર્તાનો અંત થઇ ગયો.

ઘણી પેઢીઓ પછી આ કુળમાં રાજા ભગીરથનો જન્મ થયો. તેમણે એ નક્કી કરી લીધું કે તે પોતાના પૂર્વજોની આત્માને જરૂર શાંતિ અપાવશે. એટલા માટે તેમણે ભગવાનની કઠોર તપસ્યા કરી અને તેમની તપસ્યાથી ખુશ થઇને ભગવાન વિષ્ણુએ રાજા ભગીરથને પોતાના દર્શન આપ્યા.

ભગીરથે ગંગા નદીને ધરતી ઉપર લાવવાની પ્રાર્થના કરી. રાજા ભગીરથના પૂર્વજોની આત્માને શાંતિ ત્યારે મળી શકતી હતી, જયારે તેમના અસ્થી ગંગા નદીમાં પધરાવવામાં આવે. એટલા માટે રાજા ભગીરથે ભગવાન વિષ્ણુ પાસે એ વરદાન માગ્યું હતું. પણ ભગવાન વિષ્ણુએ કહ્યું કે ગંગા ઘણી જ ગુસ્સા વાળા સ્વભાવની છે અને છતાંપણ તે ઘણી મુશ્કેલીથી ધરતી ઉપર આવવા રાજી થઇ ગઈ. પરંતુ મુશ્કેલી એ હતી કે ગંગા નદીનો પ્રવાહ એટલો વધુ હતો કે જો તે ધરતી ઉપર આવે તો આખી ધરતી તોફાનમાં વહી જાય અને નાશ થઇ જાય. તેવામાં ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રાર્થના કરી કે તે ગંગાને પોતાની જટાઓમાં બાંધીને નિયંત્રિત કરે જેથી ધરતીને કોઈ નુકશાન ન થાય.

જયાએ ગંગા ઘણી જ તીવ્ર ગતીથી ધરતી ઉપર ઉતરી ત્યારે ચારે તરફ ધરતી ઉપર તોફાન જેવું છવાઈ ગયું. તેવામાં શિવજીએ ગંગાને પોતાની જટાઓમાં સમાવીને એક પાતળી ધાર સમાન ધરતી ઉપર ઉતારી. આવી રીતે ગંગાનો ધરતી ઉપર પ્રવેશ થયો. જો જોવામાં આવે તો રાજા ભગીરથને કારણે ગંગા નદી ધરતી ઉપર આવી એટલા માટે તેને ભાગીરથી પણ કહેવામાં આવે છે.

ગંગા નદીની સ્વર્ગથી ધરતી સુધીની આ યાત્રા કથાને વાંચીને તમને ખબર પડી ગયું હશે, કે ગંગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેની પવિત્રતા આત્માને શુદ્ધ કરી દે છે. એટલા માટે ગંગા નદીને હંમેશા પવિત્ર રહેવા દો, ત્યારે તે ધરતી ઉપર સમૃદ્ધ રહી શકશે.