ગુગલ પે માં ટ્રાન્ઝેક્શન ફેલ થતા રીફંડ માટે કર્યો ફોન, આ રીતે લાગ્યો 23 હજારનો ચૂનો, જાણવા જેવો કિસ્સો

આજકાલ ઘણા બધા લોકો ઓનલાઇન પેમેન્ટનો ઉપયોગ કરે છે. તેના માટે ઘણી બધી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેમ કે પેટીએમ, ફોન પે, ગુગલ પે, ભીમ, તેમજ અલગ અલગ બેંકોની પોતાની એપ. ઓનલાઇન પેમેન્ટથી લોકોનું કામ સરળ થઈ ગયું છે. હવે ચુકવણી માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી પડતી. ઘરે બેઠા બેઠા મોબાઈલ રિચાર્જથી લઈને દરેક પ્રકારના બિલ ભરી શકાય છે, તેમજ કોઈ પણ ટિકિટ બુક કરી શકાય છે.

પરંતુ આ સુવિધા સગવડની સાથે સાથે એક અગવડ પણ લઈને આવી છે. અને તે છે ઓનલાઇન છેતરપિંડી. લોકોના અપૂરતા જ્ઞાન, અધૂરી સમજણ અને બેદરકારીને કારણે કેટલાક ખરાબ તત્વો તેનો ફાયદો ઉઠાવીને તેમની મહેનતના રૂપિયા લૂંટી જાય છે. આજે અમે તમને એક એવા જ બનાવ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી આંખ ઉઘાડી દેશે. અને તમે ભવિષ્યમાં એવું કરવાની ભૂખ નહિ કરો.

આ બનાવ સુરત શહેરના સરથાણા વિસ્તારના એક રત્નકલાકાર સાથે બન્યો છે. તેમણે ગુગલ પે દ્વારા ગેસ બિલની ચુકવણી કરી હતી. પણ તેમનું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ ગયું હતું. તેવામાં તેમણે રીફંડ મેળવવા માટે ફોન કર્યો અને તેમના ખાતામાંથી 23 હજાર રૂપિયા ઉપડી ગયા. ટ્રાન્ઝેક્શન ફેલ થતા રીફંડ મેળવવા માટે તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરી હેલ્પ લાઈન નંબર મેળવ્યો હતો, અને તે તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ અને ઠગ તેમના 23 હાજર ઉપાડી ગયો.

આ બનાવની વિગતવાર વાત કરીએ તો, સરથાણામાં સરસ્વતી વિહાર સોસાયટીમાં રહેતા સંજય માધવજી કોટડીયા ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યા છે. તેમણે 12 ડિસેમ્બરના રોજ પોતાના મોબાઈલમાંથી ઓનલાઇન ગેસ બિલ ભર્યું હતું. પણ કોઈ કારણ સર તેમનું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હતું. બેંકમાંથી ગેસબીલની રકમ કપાઈ ગઈ હતી. જોકે તેમને તેમના પૈસા 2-3 દિવસમાં પાછા મળી જશે એવો મેસેજ એપ્લિકેશનમાં મળી ગયો હતો. પણ વધારે દિવસ પસાર થઈ જવા છતાં પૈસા પાછા ન આવતા તેમણે ફરિયાદ કરવા માટે ઇન્ટરનેટ પર હેલ્પલાઇન નંબર સર્ચ કર્યો.

તેમને એક વેબસાઈટ પર નંબર મળ્યો અને તેમણે 22 ડિસેમ્બરે તેના પર ફોન કર્યો. ત્યારે સામેથી એવો જવાબ મળ્યો કે, તમને બીજા નંબર પરથી સામેથી ફોન આવશે. થોડા સમય પછી તેમને બીજા અજાણ્યા નંબર પરથી સામેથી ફોન આવ્યો અને તે વ્યક્તિ (ઠગ) એ સંજયભાઈ પાસે તેમનો એપ્લિકેશન નંબર માંગ્યો. પછી તેણે સંજયભાઈને તેમનો ડેબિટ કાર્ડ સ્કેન કરવા કહ્યું, અને જેવું જ સંજય ભાઈએ ડેબિટ કાર્ડ સ્કેન કર્યું કે તેમના ખાતામાંથી 23 હજાર ઉપડી ગયા. ત્યારબાદ સંજયભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં આ વાતની ફરિયાદ નોંધાવી.

મિત્રો, ધ્યાન રહે કે ક્યારેય પણ ઇન્ટરનેટ પર કોઈ પણ બેંક કે કંપનીનો હેલ્પલાઇન નંબર સર્ચ કરી તેની પર પૈસા બાબતે ફોન કરવો નહિ. સામેથી કોઈનો પણ ફોન આવે તો તેને ઓટીપી, કાર્ડ ડીટેલ, પિન નંબર, યુપીઆઈ આઈડી, કોઈ પણ જાતનો ઈમેલ કે એસએમએસ કે કોઈ પણ મેસેજ આપવો નહિ. કોઈને પોતાના કાર્ડનો ફોટો પણ મોકલવો નહિ. કાંઈ પણ સમસ્યા હોય તો જાતે બેંકમાં જઈને રૂબરૂ ઉકેલ લાવવો.

કોઈ તમને ફોન કરીને કહે કે, હું ફલાણી બેંકમાંથી બોલું છું કે ફલાણી કંપનીમાંથી બોલું છું, તમારું કાર્ડ કે ખાતું બંધ થયું છે કે તમારે કેવાયસી કરાવવું પડશે, કે તમને ઇનામ લાગ્યું છે, તો તેમની વાતોમાં આવવું નહિ. તરત ફોન કરી દેવો તેમાં જ તમારી ભલાઈ છે. તમારા ઘરના અન્ય સભ્યને પણ આ વાત સમજાવવા વિનંતી.