શેઠના અંત સમયે દીકરાઓ ની દાનત બગડી ને હીરાસાંકળીનું તલસાંકળી કરી દીધું પણ…

એક શેઠ હતા. તેમને સાહ્યબી સારી. તેમને થયું, ‘મારું દેહ સારું નથી રહેતું માટે મિલકત દીકરાઓમાં વહેંચી દઉં.’ આ વિચારી પોતાની પાસે સારી એવી મિલકત તથા એક હજારની હીરાસાંકળી રાખીને બાકીનું બધું દીકરાઓને સરખે ભાગે વહેંચી દીધું. આ હીરાસાંકળી મોટા દીકરાને પોતાના નામે રાખવા આપી. દીકરાઓને પણ કહ્યું કે ‘મેં એક હીરાસાંકળી મોટા દીકરાને આપી રાખી છે તે મારા અંત સમે પુણ્યદાનમાં વાપરવાની છે.’

બે-ચાર મહિને શેઠ પાછા માંદા પડયા. મંદવાડ વધી ગયો. બોલાય પણ નહિ. મહેમાનો દીકરાઓને પૂછવા આવે કે ‘બાપાને કેમ છે ?’ છોકરાઓ કહે : ‘ઠીક છે.’ શેઠને માંદગી વધી ગઈ. શેઠનો ખાટલો પડદામાં રાખ્યો. પુણ્યદાન કરવાનો વખત આવ્યો. શેઠે દીકરાઓએ બોલાવી ધીમા સાદે કહ્યું : ‘ હવે પુણ્યદાન કરવું પડશે, તો પુણ્યદાન કરીએ.’

પછી મોટા દીકરાને કહ્યું : ‘મને હીરાસાંકળી ધો.’ બીજા સગાંઓ પણ હાજર હતા. તેમણે પૂછ્યું : શેઠ શું કહે છે ?’ દીકરાઓની દાનત બગડી. તેમને થયું; : ‘નખ્ખોદ કાઢ્યું.’ તેમણે સગાંઓને કહ્યું : ‘ બાપાને લવરી થઇ ગઈ છે તે તલસાંકળી ખાવા માંગે છે.’ એમ કહી બાપાએ કહ્યું : ‘બાપા, તલસાંકળી હવે ન ખવાય. ગળું બંધ થઇ જાય.’ સગાં પણ કહે : ‘માંદવાડમાં તલસાંકળી ન દેવી. આમ, દીકરાઓએ હીરાસાંકળીએ બદલે તલસાંકળી ઠપકારી.

શેઠ મનમાં સમજી ગયા પણ બોલાય તેવી સ્થિતિ નહોતી. બાપાએ મનોમન શ્રીકૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી કે ‘ જો હું આ માંદગીમાંથી બેઠો થાઉં તો તલસાંકળી ખાઉં. મારી ખાનગી મિલકત છે તે ભગવાન માટે વાપરું.

ભગવાને પ્રાર્થના સાંભળી આવરદા દીધી. શેઠ સારા થવા લાગ્યા. મગનું પાણી પીધું. ધીરે ધીરે તબિયત એકદમ સારી થઇ ગઈ. શેઠે બે મહિના પછી દીકરાઓને કહ્યું : ‘તમે પરદેશ પધારો. મારી ફિકર ન કરવી. હવે હું સાજો છું. તમને ભાગ આપ્યા છે તે વાપરો ને કમાવ. મુંબઈ, કલકતા જાવ.’ આમ, ચારે દીકરાઓને પરદેશ મોકલ્યા. પછી શેઠે વિચાર્યું : ‘મારી પાસે હજી પચાસ હજારની ખાનગી મૂડી છે તે ભગવાનને અરથે વાપરું. નહિ તો છોકરા ‘ ‘તલસાંકળી’ જેવું કરશે. ધરનું ફળિયું મોટું છે તેમાં કૃષ્ણ ભગવાનનું મંદિર બાંધી દઉં, મૂર્તિપ્રતિષ્ઠા કરાવી દઉં.’

દીકરાઓને લખ્યું કે ‘મારી તબિયત સારી છે. રોટલી,દાળ-ભાત ખાઉં છું. રમું છું. તમે સુખેથી વેપાર કરજો. આવવા ઉતાવળ કરતા નહિ.’

પછી મિસ્ત્રી બોલાવી નકશા કરાવી, પાયા ગળાવીને ફળિયામાં શિખરબદ્ધ મંદિર બાંધી દીધું. મુહૂર્ત જોઈ શ્રીકૃષ્ણ ભગવાનની આરસની મૂર્તિ ધામધૂમથી પધરાવી દીધી. ચોરાશી કરી. આખું ગામ જમાડ્યું. બાહ્મણ-પૂજારી રાખ્યા. પાકા થાળ બાંધી દીધા.

તેઓ દીકરાઓને પત્ર લખે કે ‘મારે શરીરે સારું છે. તમો ત્યાં રોકશો.’ એમ, પત્ર લખીને બળ આપ્યા કરે. આમ કરતા કરતા બે વર્ષ વીતી ગયાં. દીકરાઓએ વિચાર્યું કે ‘બાપા કેમ આપણને બોલાવતા નથી ?’ પછી તો દીકરાઓ પોતાના ગામ આવ્યા. પોતાના ફળિયામાં આવ્યા. ત્યાં કળશવાળું શિખરબદ્ધ મંદિર દીઠું. વળી મંદિર કોણે બાંધ્યું ?’ લોકોએ કહ્યું : ‘તમારા બાપાએ.’ દીકરાઓ આશ્વર્ય પામ્યા, ‘ બાપાએ આપણને ખબરેય ન આપી અને આ મંદિર ક્યારથી બાંધી દીધું !’

તેમણે બાપા પાસે જઈ પૂછ્યું : ‘બાપા, અમને કેમ ખબર ન આપી ?’ બાપાએ કહ્યું : ‘જો મેં તમને ખબર આપી હોત તો તમે મંદિર કરવા ન દેત, અને હીરાસાંકળીને બદલે ‘તલસાંકળી’ જેવું કરત. માટે હવે તમે ધંટડી ખખડાવો અને નગારાં વગાડો. મેં મારું જીવનું ભાથું કરી લીધું. મેં મંદિર બાંધી દીધું અને તલસાંકળી ખાઈ લીધી.’ દીકરા મનમાં સમજી ગયા કે ‘બાપાએ તલસાંકળી ખાઈ લીધી.’

માટે આ દુનિયા સ્વાર્થી છે. જો દીકરાઓ એક હજારની હીરાકંઠી પુણ્યદાનમાં આપી હોત તો પચાસ હજાર રૂપિયા મળત, પણ આવો ધંધો કર્યો તો બાપાએ ‘તલસાંકળી’ ખાઈ લીધી.

દેવાનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું છે કે :

‘સ્વારથિઓ સંસાર તેમાં રહ્યો લથબથી …,

શામળીયાને શરણે જાતાં જાશો ઉગરી …,

ભજી લે ભગવાન સાચા સંતને મળી.’