મુસાફરોથી ભરેલી બસ ચલાવતી વખતે ડ્રાયવરને આવ્યો હાર્ટ એટેક, પછી તેણે જે કર્યું તે પ્રશંસનીય હતું

આજના જમાનામાં દરેક વ્યક્તિ પોતાના જીવનું પહેલા વિચારે છે. બીજા પર પોતાના કોઈ નિર્ણયની કેવી અસર પડશે એનો નિર્ણય લેતા સમયે વ્યક્તિ હંમેશા પોતાની સુરક્ષાને પહેલા પ્રાથમિકતા આપે છે. જો કે અમુક લોકો એવા પણ હોય છે, જે માણસાઈનો પરિચય આપતા બીજાના જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે છે.

ઉદાહરણ તરીકે થોડા દિવસો પહેલા એક મહિલા અને એના બાળકને બચાવવા માટે એક રીક્ષા વાળો પાણીમાં કૂદી ગયો હતો. એણે મહિલાનો જીવ તો બચાવી લીધો પણ પોતે ડૂબી ગયો હતો. આ કડીમાં અન્ય એક બનાવ સામે આવ્યો છે, જેમાં એક બસ ડ્રાઈવરે પોતાના જીવ કરતા બસમાં બેસેલા બધા મુસાફરોની સુરક્ષા વિષે વિચાર્યું.

તેલંગાના સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TSRTC) ના 48 વર્ષીય બસ ચાલકે માણસાઈ અને પ્રેઝનસ ઓફ માઈન્ડની નવી મિસાલ આપી છે. હકીકતમાં ઓ. યદૈયા(O. Yadaiah) નામનો એક બસ ડ્રાઈવર 20 ઓક્ટોબરના રોજ બપોરે યાત્રીઓ ભરેલી બસ ચલાવી રહ્યો હતો. ત્યારે બપોરે બે વાગ્યેને ત્રીસ મિનિટે એમને હાર્ટ એટેક આવ્યો. હદ કરતા વધારે દુઃખાવો થતો હોવા છતાં એમણે પોતાની ડ્યુટી પુરી કરવાનો નિર્ણય લીધો અને યાત્રીઓથી ભરેલી બસને સુરક્ષિત મહાત્મા ગાંધી બસ સ્ટોપ પર પાર્ક કરી દીધી. એવું કર્યા પછી તે ત્યાં જ બેભાન થઈ ગયો.

ત્યાં હાજર લોકો ડ્રાઈવરને ઓસ્માનિયા જનરલ હોસ્પિટલ પણ લઈ ગયા, પણ અફસોસ કે ડોક્ટર તેનો જીવ બચાવી શક્યા નહિ. જાણકારી અનુસાર અમુક બસ ડ્રાઈવર હડતાલ પર હતા. એવામાં યદૈયાને એમની જગ્યાએ થોડા દિવસ માટે મુકવામાં આવ્યા હતા. આ તેમની ત્રીજી ટ્રીપ હતી, પણ તે જાણતા ન હતા એ તેમની છેલ્લી ટ્રીપ હશે.

એ બસમાં હાજર કંડકટર જી. સંતોષનું કહેવું છે કે, ‘આ એ ડ્રાઈવરનું પ્રેઝન્સ ઓફ માઈન્ડ હતું જેને લીધે આટલા બધા લોકોનો જીવ બચી ગયો. એમની સતર્કતાથી ફક્ત બસમાં હાજર લોકો જ નહિ પણ બસ સ્ટેશન પર બસની રાહ જોઈ રહેલા લોકો પણ સુરક્ષિત છે. અમે તેનો દુઃખાવાને કારણે બૂમો પાડવાનો અવાજ સાંભળી શકતા હતા, છતાંપણ તેણે બસ રોકી નહિ અને તેને સુરક્ષિત રીતે પહોંચાડી.’

જો હાર્ટ એટેક આવવાને કારણે ડ્રાઈવર બસ પરથી પોતાનું નિયંત્રણ ખોઈ દેત, તો બસમાં બેસેલા યાત્રી અને રોડ પર ચાલી રહેલા લોકો બધાના જીવ મુશ્કેલીમાં હોત. બસ ડ્રાઈવરે ક્યાંય પણ અચાનક રસ્તા વચ્ચે બસ રોકી નહિ, પણ તે એને સુરક્ષિત પાર્કિંગ સુધી લઈ ગયો જેથી રસ્તા પર પાછળથી આવતા વાહનો સાથે ટક્કર ન થઈ જાય. અહીં ડ્રાઈવરની પ્રશંસા કરવી પડે કે, હાર્ટ એટેક આવવા જેવી સ્થિતિમાં પણ એણે પોતાના જીવ કરતા બીજા લોકો વિષે વિચાર્યું. ડ્રાઈવરની આ વિચારસરણી અને હિમ્મતને અમારા સલામ.

અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ દુઃખની ઘડીએ ભગવાન એમની પત્ની સરિતા અને 18 વર્ષના દીકરા વેંકટેશને શક્તિ આપે. સાથે જ યદૈયાની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરીએ છીએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.