24 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, માછીમારોને અપાઈ આ સૂચના

મિત્રો, ભારતમાં આ વર્ષમાં પડેલા વરસાદની વાત કરીએ તો આ વર્ષે ઘણો સારો વરસાદ રહ્યો છે. ઘણી જગ્યાએ જળબંબાકાર અને પૂરની સ્થિતિ પણ જોવા મળી, જેને પગલે જાનમાલની ભારે હાનિ થઇ અને કેટલાય લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. અને જો આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો આ વખતે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જે આ સિઝનમાં 116.59 ટકા જેટલો નોંધાયો છે. જાણકારી માટે જણાવી દઈએ કે, જુના રેકોર્ડ અનુસાર છેલ્લે વર્ષ 2013 માં ગુજરાત રાજ્યમાં 128 ટકા વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને અગાઉ જે આગાહી કરવામાં આવી હતી, એ સાચી પડી છે. અને હાલમાં હવામાન વિભાગે ફરી આગાહી કરી છે, જે અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે.

ગુજરાત રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો, આ વર્ષે જૂન મહિનામાં ચોમાસાની સિઝન શરુ થવાથી લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. એટલે વર્ષ 2013 પછી 5 વર્ષ પછી ચાલુ વર્ષમાં રાજ્યમાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. પણ આ બાબતે અમદાવાદ પાછળ રહી ગયું, કારણ કે ત્યાં આ સિઝનના કુલ વરસાદ કરતાં 4 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

જો આપણે અલગ અલગ ઝોન પ્રમાણે પડેલા વરસાદની વાત કરીએ તો, કચ્છમાં 142%, દક્ષિણ ગુજરાતમાં 126%, સૌરાષ્ટ્રમાં 116%, મધ્ય ગુજરાતમાં 107% અને ઉત્તર ગુજરાત 93% વરસાદ નોંધાયો છે. સ્થાનિક ન્યુઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે ગુજરાત રાજ્યના 31 જિલ્લાના અલગ અલગ 184 તાલુકા મળીને 5.5 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. આ વખતે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 38 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ઉમરપાડામાં માત્ર 24 કલાકમાં જ 16 ઇંચ વરસાદ નોંધાયો હતો. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ વખતે એવરેજ 461.3 મીમી સામે 678 મીમી એટલે કે 47 ટકા વધુ વરસાદ પડ્યો છે. પણ અમદાવાદમાં આ વખતે એવરેજ 634.5 મીમી સામે માત્ર 607.7 મીમી વરસાદ પડ્યો છે. એટલે કે અમદાવાદમાં 4 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

આ વખતે ગુજરાતમાં જૂન મહિનામાં 4 ઇંચ, જુલાઈ મહિનામાં 9 ઇંચ, ઓગસ્ટ મહિનામાં 18 ઇંચ અને સપ્ટેમ્બર મહિનામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યના 23 જિલ્લામાં 100% કરતા વધારે વરસાદ પડી ચૂક્યો છે. અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાને કારણે ભરૂચના નર્મદા નદીની સપાટી 31 ફૂટને પાર કરી ગઈ હતી. અને ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તારના 1 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. અને હવામાન વિભાગે હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

આ વખતે 100 ટકા કરતા વધારે વરસાદ પડેલા જિલ્લાઓની યાદીમાં ભરૂચ(155 %), ડાંગ(126%), વલસાડ(125%), નવસારી(117%), બોટાદ(152%), ભાવનગર(115%), અમરેલી(109%), જૂનાગઢ(116%), દાહોદ(82%), ખેડા(109%), આણંદ(113%), વડોદરા(111%), સુરેન્દ્રનગર(122%), રાજકોટ(115%), મોરબી(137%)ટકા, જામનગર(140%), દ્વારકા(104%), નર્મદા(135%), પંચમહાલ(120%), છોટાઉદેપુર(149%), કચ્છ(142%), તાપી(113%) અને સુરતમાં(132%) નો સમાવેશ થાય છે.