અવિશ્વસનીય ઘટના, એક મરઘો માથું કપાઈ ગયા પછી પણ મર્યો નહિ, જાણો પછી શું થયું?

શું માથું કપાયા પછી પણ કોઈ માણસ કે જીવજંતુ જીવતા રહી શકે છે? તમે કહેશો હોય જ નહિ. પરંતુ અમેરિકામાં આજથી ૭૨ વર્ષ પહેલા કાંઈક એવી જ વિચિત્ર ઘટના બની હતી. અહિયાં એક મરઘો માથુ કપાવા છતાં પણ લગભગ ૧૮ મહિના સુધી જીવતો રહ્યો હતો. તે સમયે માથા વગરના મરઘાને જોઈ લોકો આશ્ચર્યચકિત થઇ જતા હતા. હવે તમે વિચારી રહ્યા હશો કે, એવું કેવી રીતે થયું હતું? તો તેના વિષે પણ અમે જણાવી દઈએ.

આ મરઘાને ‘મિરેકલ માઈક’ નામ આપવામાં આવ્યું હતું. ૧૦ ડીસેમ્બર ૧૯૪૫ ના રોજ કોલારાડોના ફ્રુટામાં રહેતા ખેડૂત લોયડ ઓસ્લેન પોતાની પત્ની ક્લારા સાથે પોતાના ફાર્મ ઉપર મરઘા-મરઘીને કાપી રહ્યા હતા. તેમણે ઘણા મરઘા-મરઘી કાપ્યા. તે દરમિયાન લોયડે સાડા પાંચ મહિનાના એક મરઘાનું માથું કાપ્યું જેનું નામ માઈક હતું.

પરંતુ તેમને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તે મરઘો મર્યો નહિ પરંતુ માથા વગર જ દોડતો રહ્યો. ત્યાર પછી તે મરઘાને એક બોક્સમાં બંધ કરી દીધો. તેના બીજા દિવસે સવારે ઉઠીને જોયું તો તે જીવતો જ હતો.

માથા વગરના મરઘાના જીવતા રહેવાના સમાચાર ધીમે ધીમે આખા ફ્રુટામાં અને ત્યાર પછી અમેરિકાના ઘણા શહેરોમાં ફેલાઈ ગયા. કહેવાય છે કે સાલ્ટ લેક સીટીમાં આવેલા યુટા વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ તે જાણવા માટે ઘણા મુરઘાના માથા કાપી દીધા હતા કે, માથા વગરના તે જીવતા રહે છે કે નહિ? પરંતુ માઈક જેવી ખાસિયત તેમને કોઈ મરઘામાં જોવા ન મળી.

મીડિયાના અહેવાલ મુજબ, માથા વગરના તે મરઘાને ડ્રોપથી જ્યુસ વગેરે આપવામાં આવતું હતું. અને તેની અન્નનળીને સિરીંજથી સાફ કરવામાં આવતી હતી, જેથી તેનો શ્વાસ ન રૂંધાય. આમ તો માર્ચ ૧૯૪૭ માં તેનું મૃત્યુ થઇ ગયું.

તેનું કારણ એ જણાવવામાં આવે છે કે, લોયડ ઓલ્સેન તેને જ્યુસ આપ્યા પછી તેની અન્નનળીને સિરીંજથી સાફ કરી શક્યા ન હતા, કારણ કે તે સિરીંજને ક્યાંક બીજી જગ્યાએ ભૂલી આવ્યા હતા. તેના કારણે તેનો શ્વાસ રૂંધાય જવાથી તેનું મૃત્યુ થઇ ગયું હતું.

કહેવામાં આવે છે કે, ‘મિરેકલ માઈક’ ની પ્રસિદ્ધી એટલી ફેલાઈ ચુકી હતી કે, લોયડ ઓલ્સેને તેને જોવા માટે પણ ટીકીટ લગાવી દીધી હતી. તે સમયમાં તે એ મરઘાથી ૪૫૦૦ ડોલર દર મહીને કમાતા હતા. આજની ગણતરીએ તે ૪૫૦૦ ડોલર લગભગ ૩ લાખ ૨૦ હજાર રૂપિયા થાય છે. આ મરઘાને કારણે જ લોયડ ઓલ્સેનની આર્થિક સ્થિતિ સુધરી ગઈ હતી.

બીબીસીના અહેવાલ મુજબ, ન્યુકૈસલ યુનીવર્સીટીમાં સેન્ટર ફોર બિહેવીયર એંડ ઇવોલ્યુશન સાથે જોડાયેલા ચીકન એક્સપર્ટ ડૉ ટોમ સમલ્ડર્સ જણાવે છે કે, તમને નવાઈ થશે કે તેનું આખું માથું તેની આંખોના હાડકાની પાછળ એક નાના એવા ભાગમાં હોય છે. અહેવાલ મુજબ માઈકની ચાંચ અને આંખો નીકળી ગઈ હતી, પરંતુ સ્મલ્ડર્સનું અનુમાન છે કે, તેના મગજનો ૮૦ ટકા ભાગ બચી ગયો હતો, જેનાથી માઈકનું શરીર, ધબકારા, શ્વાસ, ભૂખ અને પાચન તંત્ર ચાલતું રહ્યું.

આજે ફ્રુટામાં દર વર્ષે ‘હેડલેસ ચીકન’ મહોત્સવ ઊજવવામાં આવે છે. તેની શરુઆત વર્ષ ૧૯૯૯ માં થઇ હતી. આ મહોત્સવમાં હજારો લોકો જોડાય છે. જેમાં ઘણા પ્રકારની હરીફાઈઓ થાય છે, અને ત્યાં સુધી કે ગીત ગાવા અને વાજા વગાડવાના પણ કાર્યક્રમ થાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.