‘અમ્ફાન’ પછી હવે ગુજરાતમાં હિકા ચક્રવાતનો ભય, 120 Km/h હશે ઝડપ

ગુજરાતના માથે નવું સંકટ, હિકા ચક્રવાત ઉભી કરી શકે છે મોટી મુશ્કેલી, 120 Km/h હશે તેની ઝડપ

બંગાળની ખાડી (Bay of Bengal) માં આવેલા ચક્રવાતી તોફાન ‘અમ્ફાન’ (Amphan) પછી હવે ગુજરાતના સમુદ્ર કિનારા પર ‘હિકા’ ચક્રવાત (Cyclone Hikaa) નું સંકટ છવાયેલું છે. ભારતીય હવામાન વિભાગ તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે, ગુજરાતમાં બે સમુદ્રી તોફાનનો સંકટ છવાયેલો છે.

જેમાં પહેલું તોફાન 1 થી 3 જૂનની વચ્ચે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં આવી શકે છે. જયારે બીજું હિકા નામનું ચક્રવાત 4 થી 5 જૂનની વચ્ચે ગુજરાતના દ્વારકા ઓખા અને મોરબી થઈને કચ્છ તરફ જઈ શકે છે. આ દરમિયાન હવાની ઝડપ 120 કિમી/કલાક હશે. આનાથી ગુજરાતમાં ભારે વિનાશ થઈ શકે છે.

પ્રશાસને હાલમાં અરબ સાગરના ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં 1 નંબરનું સિગ્નલ જાહેર કર્યું છે, સાથે જ માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જોકે, હવામાન વિભાગ જણાવી ચૂક્યું છે કે, ચક્રવાત ઓમાન-મસ્કત પાસે કેન્દ્રિત છે, પણ 3-4 દિવસમાં તે ગુજરાત તરફ ઝડપથી આગળ વધશે. માનવામાં આવી રહ્યું છે કે, જયારે આ ચક્રવાત જમીન સાથે અથડાશે તે સમયે હવાની ગતિ 120 કિમી/કલાક રહેશે.

ગુજરાતના આ જિલ્લાને ભારે નુકશાનની શંકા :

હવામાન વિભાગ અનુસાર આવતા 48 કલાક દરમિયાન દક્ષિણ-પૂર્વ અને પૂર્વ મધ્ય અરબ સાગર ઉપર એક ઓછા દબાણ વાળું ક્ષેત્ર બનશે અને ત્યાંથી ઝડપથી આગળ વધશે. 3 જૂન સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના કિનારા પર અથડાયા પછી ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની શક્યતા છે. ગુજરાતમાં આ ચક્રવાતથી સૌરાષ્ટ્ર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર વગેરે જિલ્લાને નુકશાન થવાની શક્યતા જણાવવામાં આવી રહી છે.

હવામાન વિભાગે જાહેર કરી હતી એડવાઈઝરી :

હવામાન વિભાગ તરફથી વીતેલા દિવસોમાં એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝડપી હવાઓ સાથે ભારે વરસાદ થશે. હવામાન વિભાગે 28 મે થી લઈને 5 દિવસ સુધી આ ચેતવણી આપી હતી. આ પહેલા સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા પર ચક્રવાત છવાયું હતું, પણ તે વેરાવળની નજીકથી પસાર થયું અને સમુદ્રમાં જ ખતમ થઈ ગયું.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.