અમુક ખોટી પરંપરાઓ કેવી રીતે જન્મ લેતી હોય છે વાંચો આ રમુજી સ્ટોરી દ્વારા

પરંપરા કેવી રીતે જન્મ લે છે?

એક કેમ્પમાં નવા કમાન્ડરનું પોસ્ટિંગ થયું,

ઇન્સ્પેક્શન દરમિયાન તેમણે જોયું કે, કેમ્પ એરિયાના મેદાનમાં બે સિપાહી એક બેંચની રખેવાળી કરી રહ્યા છે,

આ જોઈ કમાન્ડરે તે સિપાઈઓને પૂછ્યું કે, આ બેંચની રખેવાળી કેમ કરી રહ્યા છો?

સિપાઈ બોલ્યા : “અમને ખબર નથી સર, પણ તમારી પહેલાવાળા કમાન્ડર સાહેબે આ બેંચની રખેવાળી કરવા માટે કહ્યું હતું. કદાચ આ કેમ્પની પરંપરા છે, કારણ કે શિફ્ટના હિસાબે ચોવીસ કલાક આ બેંચની રખેવાળી કરવામાં આવે છે.”

વર્તમાન કમાન્ડરે પૂર્વ કમાન્ડરને ફોન કર્યો અને તે વિશેષ બેંચની રખેવાળીનું કારણ પૂછ્યું.

પૂર્વ કમાન્ડરે કહ્યું : મને નથી ખબર, પણ મારા કરતા પહેલા જે કમાન્ડર હતા તે બેંચની રખેવાળી કરાવતા હતા, એટલે મેં પણ પરંપરા જાળવી રાખી.

નવા કમાન્ડર ચકિત થઈ ગયા. પછી તેમણે અન્ય 3 પૂર્વ કમાન્ડરો સાથે વાત કરી, અને બધાએ તેમને એક જેવો જ જવાબ આપ્યો. આમ પાછળ જતા જતા નવા કમાન્ડરની વાત એક રિટાયર્ડ કમાંડેંટ સાથે થઈ જેમની ઉંમર 100 વર્ષ હતી.

નવા કમાન્ડરે તેમને ફોન પર કહ્યું : “તમને પરેશાન કરવા માટે ક્ષમા માંગુ છું. હું તે કેમ્પનો નવો કમાન્ડર છું જેના તમે 60 વર્ષ પહેલા કમાન્ડર રહ્યા હતા. મેં અહીં બે સિપાઈઓને એક બેંચની રખેવાળી કરતા જોયા છે. શું તમે મને આ બેંચ વિષે કોઈ જાણકારી આપી શકો છો, જેથી હું સમજી શકું કે તે બેંચની રખેવાળી કેમ જરૂરી છે.”

સામેવાળા કમાન્ડર ફોન પર આશ્ચર્યજનક સ્વરમાં બોલ્યા : શું? તે બેંચનો ઓઈલ પેઇન્ટ હજી સુધી નથી સુકાયો?