બાળપણમાં બંગડી વેચવાનું કામ કરતો હતો આ IAS ઓફિસર, પછી આ રીતે પુરી કરી IAS બનવાની સફર

સપના તો દરેક જુવે છે પણ પોતાના સપના પુરા કરવા દરેકના હાથની વાત નથી હોતી. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ રમેશ ઘોલપ છે. તેમણે ન માત્ર મોટા બનવાના સપના જોયા પરંતુ તેને પુરા કરીને પણ દેખાડ્યું. રમેશ ઘોલપનો જન્મ મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં થયો છે. જો કોઈને જીવન જીવવાની સાચી રીત શીખવી છે તો તેમની પાસેથી શીખો.

રમેશના જીવનમાં એક સમય એવો પણ હતો જયારે તેમણે પોતાની માં સાથે બંગડી વેચીને પોતાનું ગુજરાન ચલાવ્યું છે. અને આજના સમયમાં તે એક આઈએએસ ઓફિસર છે. ગરીબીના દિવસોમાં પોતાનું જીવન પસાર કરવા વાળા રમેશે ક્યારે પણ પોતાના જીવનથી હાર ન માની. અને હવે તો યુવાનો માટે એક એવું ઉદાહરણ બની ચુક્યા છે, જેમને જોઇને દરેક પ્રેરણા લઇ શકે છે. આવો જાણીએ રમેશ ઘોલપે કેવી રીતે કરી IASની તૈયારી.

રમેશના પિતાજી એક પંચરની દુકાન ચલાવતા હતા જેનાથી ઘણી મુશ્કેલીથી ૪ લોકોના કુટુંબનું ભરણપોષણ થતું હતું. પણ તેમને દારુ પીવાની ખરાબ ટેવ હતી જેના કારણે જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા માટે રમેશની માં એ આસપાસના ગામોમાં બંગડી વેચવાનું કામ શરુ કર્યું.

રમેશ અને તેના ભાઈ બંગડી વેચવામાં પોતાની માં ની મદદ કરતા હતા. પરંતુ કદાચ નસીબને તેની વધુ કસોટી લેવી હતી. તે દરમિયાન રમેશના ડાબા પગમાં પોલીયોની બીમારી થઇ ગઈ. રમેશ જે ગામમાં રહેતો હતો ત્યાં માત્ર એક જ પ્રાથમિક સ્કુલ હતી. પોતાનો આગળનો અભ્યાસ પૂરો કરવા માટે રમેશ પોતાના કાકા પાસે બરસી જતા રહ્યા.

રમેશ એ વાત સારી રીતે જાણતા હતા કે, માત્ર અભ્યાસ જ તેના કુટુંબની ગરીબીને દુર કરી શકે છે. એટલા માટે તે ધ્યાનથી અભ્યાસ કરવા લાગ્યો. રમેશ અભ્યાસમાં ઘણો સારો હતો અને એટલા માટે તે પોતાના શિક્ષકનો પણ પ્રિય બની ગયો હતો. જે સમયે રમેશના પિતાનું મૃત્યુ થયું તે સમયે રમેશ ૧૨ માં ધોરણની પરીક્ષાની તૈયારીમાં લાગેલો હતો.

તે સમયે રમેશનું કુટુંબ એટલું ગરીબ હતું કે તેની પાસે તેના પિતાની અંતિમ યાત્રામાં જોડવા માટે ૨ રૂપિયા પણ ન હતા. કોઈપણ રીતે પાડોશીઓની મદદથી તે પોતાના પિતાની અંતિમ યાત્રામાં જોડાઈ શક્યા. પિતાના મૃત્યુ પછી તેની ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા, છતાંપણ તેમણે જીવન સામે ક્યારે પણ હાર ન માની અને ૮૮ ટકા માર્ક્સ લાવીને ૧૨માં ધોરણની પરીક્ષા પાસ કરી.

૧૨નું ધોરણ પાસ કર્યા પછી તેમણે શિક્ષણમાં ડીપ્લોમાં પ્રાપ્ત કર્યું અને ૨૦૦૯ માં શિક્ષક બની ગયા. પણ રમેશની આ સફર અહિયાં પૂરી થઇ ન હતી. થોડા દિવસો સુધી શિક્ષકની નોકરી કર્યા પછી તેમણે પોતાની નોકરી છોડી દીધી અને આઈએએસની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. ઘણી મહેનત કર્યા પછી છેવટે તેમણે ૨૦૧૨ માં સિવિલ સેવા પરીક્ષામાં ૨૮૭ મો રેન્ક પ્રાપ્ત કર્યો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.