તમને ભગવાન દેખાતા નથી તો પછી તમે મંદિરે શા માટે આવો છો? પત્રકારના આ સવાલનો કાકાએ આપ્યો આવો જવાબ.

ભારતના લોકોની ભગવાનમાં આસ્થા અતૂટ છે. જોકે ઘણા લોકો એવા પણ છે જે ભગવાનમાં વિશ્વાસ નથી રાખતા અને પોતાની રીતે જીવન જીવે છે. પણ જો તમારે જીવનમાં સુખી રહેવું હોય અને મોક્ષ પ્રાપ્ત કરવો હોય, તો આપણા શાસ્ત્રો અને ભગવાન પર વિશ્વાસ રાખી નીતિ-નિયમો અનુસાર જીવન જીવવું જોઈએ. ઘણી વાર જીવનમાં આવતી મુશ્કેલીઓને કારણે લોકોનો વિશ્વાસ ડગમગી જાય છે. એવા સમયે તમારે આ એક કિસ્સો યાદ કરી લેવો જોઈએ જેથી તમે માર્ગ પરથી ભટકી ન જાવ.

એક દિવસ એક પત્રકાર એક મંદિરની બહાર ઉભો રહીને લોકોને ભગવાનમાં આસ્થા સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો પૂછી રહ્યો હતો. તે એક પ્રકારનો સામાન્ય સર્વે કરી રહ્યો હતો. એટલામાં એક મોટી ઉંમરના કાકા મંદિરમાં દર્શન માટે આવે છે. તે કાકા નિયમિત રીતે મંદિરમાં આવતા હોય છે. તે પત્રકાર અન્ય લોકોની જેમ આ કાકાને પણ કેટલાક પ્રશ્નો પૂછે છે.

સૌથી પહેલા પત્રકારે કાકાને તેમનું નામ પૂછ્યું અને પછી તેણે કાકાને તેમની ઉંમર કેટલી છે એ પૂછ્યું. કાકાએ કહ્યું મારી ઉંમર 65 વર્ષ છે દીકરા.

પછી પત્રકારે પૂછ્યું કે, તમે કેટલા વર્ષથી આ મંદિરે આવો છો?

કાકાએ કહ્યું હું છેલ્લા 50 વર્ષથી અહીં દર્શને આવું છું.

પછી પત્રકારે પૂછ્યું કે, તમને એક વખત પણ ભગવાન દેખાયા?

કાકા બોલ્યા – ના દીકરા, નથી દેખાયા.

એટલે પત્રકારે પૂછ્યું કે, તમને ભગવાન દેખાતા નથી તો પછી તમે મંદિરે શા માટે આવો છો?

પછી કાકાએ તેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, અમે ગામમાં ઘરની આજુબાજુ કુતરા પાળીએ છીએ. અમે કુતરાને તમારી જેમ ફેશન માટે નથી પાળતા, પણ ચોરી કરનારા ચોરોથી ઘરના રક્ષણ માટે પાળીએ છીએ. રાત્રે જયારે એક કુતરાને ચોર દેખાય, તો એ જોર જોરથી ભસવા લાગે છે. એ સાંભળીને આજુબાજુનાં મહોલ્લાનાં 20 કુતરા પણ ભસવાનું ચાલુ કરી દે છે.

આ 20 કુતરામાંથી 19 કુતરાઓએ ચોરને જોયો નથી હોતો, પણ પહેલા ભસેલા કુતરા પર વિશ્વાસ મુકીને તે ભસવાનું ચાલુ કરી દે છે. હવે જો પ્રાણીઓ એક બીજા પર વિશ્વાસ મૂકી શકે, તો માણસ માણસ પર કેમ નહિ? ઇતિહાસમાં નરસિંહ મહેતા, મીરાંબાઇ, પ્રહલાદ અને બીજા અનેક લોકોએ ઠાકોરજીને એટલે કે શ્રીકૃષ્ણને જોયા છે. અને મને એમનામાં વિશ્વાસ છે કે, એક દિવસ મને પણ ઠાકોરજીનાં દર્શન થશે. એટલે મને ભગવાન દેખાતા નથી છતાં પણ હું મંદિરે આવું છું. કાકાનો આ જવાબ સાંભળી પત્રકાર ચકિત રહી ગયો.