ઇમ્યુનિટી બુસ્ટ કરવાના ચક્કરમાં પોતાનું જ નુકશાન ના કરી બેસતા, 5 લક્ષણ દેખાય તો થઇ જજો સાવધાન

આયુર્વેદિક ઔષધિમાં આ વસ્તુનું ધ્યાન નહિ રાખો તો ફાયદાની જગ્યાએ નુકશાન પણ થઇ શકે છે, જાણો તેના લક્ષણ.

કોઈએ સાચું કહ્યું છે કે અતિ પણ નુકશાનકારક થઈ શકે છે. કોરોના સંક્રમણ કાળમાં જે ઉપાય વરદાન જેવું લાગી રહ્યું છે, તે વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાને લીધે ઘણા લોકો માટે અભિશાપ જેવું થઈ ગયું છે. આયુર્વેદિક ઉકાળાએ કોરોના વાયરસથી તો બચાવી લીધા પણ હવે અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જી હાં, ઉકાળાના વધુ સેવનથી હવે લોકોને મુશ્કેલી થવા લાગી છે. સમજ્યા વિચાર્યા વગર અને ડો. ગુગલની મદદથી જે લોકોએ રોજ ઉકાળાનું સેવન કર્યું, હવે તે લોકો ડોક્ટરના ચક્કર લગાવવા માટે મજબુર થઈ રહ્યા છે.

એવામાં દેશમાં હાલના દિવસોમાં ઇમ્યુનીટી બુસ્ટર ઉકાળા ઘણા ચર્ચામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના ભાષણોમાં ઉકાળાનું સેવન કરવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘાતક વાયરસથી બચવા માટે આયુષ મંત્રાલયે ઉકાળો બનાવવાની વિધિ પણ જણાવી છે.

પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ઇમ્યુનીટી બુસ્ટ કરતા ઉકાળા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદાચાર્ય ડો. કવિતા ગોયલ અનુસાર કોઈ પણ આયુર્વેદિક ઔષધિ હંમેશા ઋતુ, પ્રકૃતિ, ઉંમર અને સ્થિતિ જોઈને આપવામાં આવે છે. જો આ વસ્તુઓનું ધ્યાન નહિ રાખવામાં આવે, તો ફાયદાની જગ્યાએ નુકશાન પણ થઈ શકે છે.

આ 5 લક્ષણોથી રહો સાવધાન :

નાકમાં લોહી આવવું.

મોં માં ચાંદા પડવા.

પેટમાં બળતરા થવી.

પેશાબ કરતા સમયે બળતરા.

અપચો અને મરડો જેવી સમસ્યા.

ઉકાળાથી નુકશાન શા માટે?

ડોક્ટર કવિતા અનુસાર ઇમ્યુનીટી બુસ્ટર ઉકાળામાં સામાન્ય રીતે કાળા મરી, સૂંઠ, પીપર, તજ, હળદર, ગિલોય, અશ્વગંધા જેવી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓની પ્રકૃતિ ઘણી ગરમ હોય છે. જો કોઈ વ્યક્તિ આ વસ્તુઓનું સેવન માત્રા વગર કરશે, તો તેના શરીરમાં ગરમી વધી શકે છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં આ ગરમ પ્રકૃતિ વાળા ઉત્પાદન વધારે નુકશાન પહોંચાડી શકે છે.

ઉકાળો બનાવતા સમયે રાખો ધ્યાન :

જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલા અથવા કોઈ આયુર્વેદાચાર્ય દ્વારા જણાવવામાં આવેલા ઉકાળાનું સેવન કરી રહ્યા છો, તો તમારે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉકાળાને બનાવતા સમયે ઔષધિઓની માત્રા પર ખાસ ધ્યાન આપો. ઉકાળાના સેવનથી તમને કોઈ પ્રકારનું નુકશાન દેખાય તો સૂંઠ, કાળા મરી, અશ્વગંધા અને તજની માત્રા ઓછી કરી દો. સમસ્યા ઓછી ન થવા પર કોઈ આયુર્વેદાચાર્યની સલાહ જરૂર લો.

વાત અને પિત્ત દોષ વાળા ખાસ ધ્યાન રાખે :

ઉકાળાના સેવનથી કફ સાજો થઈ જાય છે. એટલા માટે કફ દોષથી પ્રભાવિત લોકો માટે આ ઉકાળો ઘણો ફાયદાકારક છે. પણ વાત અથવા પિત્તથી પ્રભાવિત લોકોએ આયુર્વેદિક ઉકાળો પીતા સમયે વિશેષ સાવધાની રાખવી જોઈએ. ધ્યાન રહે કે ગરમ પ્રકૃતિવાળી વસ્તુઓને ઉકાળામાં ખુબ ઓછા પ્રમાણમાં નાખો. તેની જગ્યાએ ઠંડી પ્રકૃતિવાળી વસ્તુઓ નાખો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.