ભારતીય ક્રિકેટરે જણાવ્યું : મારી પણ હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી, પરંતુ હું માનસિક રીતે મજબૂત

ભારતીય ઝડપી બોલરે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂત જેવી હાલત મારી પણ, હું માનસિક રીતે મજબૂત છું.

ભારતીય ક્રિકેટર અશોક ડિંડાને ટીમ ઈંડિયા માટે વધારે રમવાની તક નથી મળી. કોલકાતા સાથે સંબંધ રાખતા આ 36 વર્ષીય ફાસ્ટ બોલરને ગયા વર્ષે રણજી ટ્રોફી દરમિયાન શિસ્તબદ્ધ કારણોને લીધે વચ્ચેથી જ બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. આ રીતે બહાર કાઢવામાં આવેલા આ બોલરે કહ્યું કે, તે બંગાળ ક્રિકેટની રાજનીતિનો શિકાર થયા છે. તેમણે એ પણ કહ્યું કે, તે આ સીઝનમાં એક નવી ટીમ સાથે ફરીથી પાછા આવશે.

તમને જણાવી દઈએ કે ઘરેલુ ક્રિકેટમાં બંગાળ તરફથી સૌથી વધારે વિકેટ લેવામાં ડિંડા બીજા સ્થાન પર છે, અને તેમને રણજી ટીમના કોચ રાણાદેવ બોઝ સાથે થયેલા વિવાદ પછી ટીમમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. અશોક ડિંડાએ જણાવ્યું કે, તેમની અમુક ટીમો સાથે વાત ચાલી રહી છે અને તે બંગાળ ક્રિકેટ સંઘ એટલે કે કેબ પાસે જલ્દી જ એનઓસી માટે અરજી કરશે.

ડિંડાએ બંગાળ માટે 116 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 420 વિકેટ લીધી છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે, તે હવે બંગાળનો ભાગ નહિ રહે તે પાક્કું છે. આ મારો અંગત નિર્ણય છે, અને એવું મેં ગઈ સીઝનમાં જ વિચારી લીધું હતું.

અશોક ડિંડાએ કહ્યું કે, આખી દુનિયાએ જોયું કે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કઈ અવસ્થામાંથી પસાર થયા હતા. ફિલ્મી દુનિયા જ નહિ દરેક જગ્યાએ આવી સ્થિતિ છે, પણ હું માનસિક રીતે ઘણો મજબૂત છું અને કોઈપણ કારણે તૂટી નથી શકતો. ડિંડાએ ભારત માટે 13 વનડે અને 9 T20 મેચ રમી છે. તેમણે કહ્યું કે, અમુક ટીમો સાથે મારી વાત થઈ રહી છે અને આવનારી સીઝનમાં હું કઈ ટીમ તરફથી રમીશ તેના વિષે અત્યારે મેં કોઈ નિર્ણય નથી લીધો, પણ હું કોઈ અન્ય રાજ્ય તરફથી રમીશ.

ડિંડા પર બંગાળના બોલિંગ કોચ માટે અપશબ્દનો ઉપયોગ કરવાનો આરોપ છે, અને તેમણે માફી માંગવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે, હું આ કોંચીંગ સ્ટાફ સાથે રમવાથી ખુશ નથી, કારણ કે મારી સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે યોગ્ય ન હતું. મેં મારું ઉત્તમ આપ્યું, પણ હવે મારો કોઈ ઉપયોગ નથી, અને આ દુનિયા સ્વાર્થી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.