જાપાન UK અને USA ના ચિકિત્સકોએ અપનાવી જોધપુરની આયુર્વેદ ફોર્મ્યુલા

ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ માટે આયુર્વેદ હોસ્પિટલમાં શોધાયો સફળ ફોર્મ્યુલા તેમજ દેશ વિદેશના ડોક્ટરોએ જાણી નિઃસંતાનતા પર અજમાવેલી આયુર્વેદિક ચિકિત્સા પ્રક્રિયા. રાજસ્થાન આયુર્વેદ વિશ્વવિદ્યાલય સાથે સંબંધિત આયુર્વેદ હોસ્પિટલમાં નિઃસંતાનપણાના ઈલાજનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો જેમાં 8 મહિલાઓને મળ્યું માતૃત્વનું સુખ.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાજસ્થાન આયુર્વેદ વિશ્વવિદ્યાલય સાથે સંબંધિત, આયુર્વેદિક હોસ્પિટલમાં નિઃસંતાનપણા (વંધ્યત્વ) ના ઈલાજ માટે કરવામાં આવેલ આયુર્વેદિક ચિકિત્સાના સફળ ફોર્મ્યુલાને જાપાન, યુકે અને યુએસના ડોક્ટરો પણ અપનાવશે. સાથે જ જોધપુર એમ્સમાં પણ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી નિઃસંતાનતાનો ઈલાજ કરવામાં આવશે.

હાલમાં જ વિશ્વવિદ્યાલયમાં સંપન્ન થયેલા માતૃ અને શિશુ સ્વાસ્થ્ય સુરક્ષા વિષયક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ – કૌમારકોન 2019 માં ભાગ લેવા આવેલા આખા દેશના 350 ગાયનેક નિષ્ણાંતો સિવાય જાપાન, યુએસ અને યુકેના નિષ્ણાંતોએ આ નવા પ્રયોગને સમજ્યો અને એને કારગર જણાવી એનું અનુકરણ કરવાની વાત કરી.

જોધપુરના કરવડમાં આવેલી વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત આયુર્વેદ હોસ્પિટલની આયુર્વેદિક ચિકિત્સા પ્રક્રિયાથી નિઃસંતાનપણાનો ઈલાજ કરવામાં વિશેષ સફળતા પ્રાપ્ત થઇ છે. અને છેલ્લા થોડા સમયથી એવી મહિલાઓને સંતાન પ્રાપ્તિ કરાવવામાં આવી છે, જે નિઃસંતાનપણાથી બીમારીથી પીડિત હતી. વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. રાધેશ્યામ શર્માએ જણાવ્યું કે આધુનિક ખાનપાન અને માનસિક તણાવને કારણે વર્તમાન સમયમાં દંપતીઓમાં નિઃસંતાનપણુ અભિશાપના રૂપમાં ઉભરી રહ્યું છે.

પરંતુ હવે આયુર્વેદ ચિકિત્સા પ્રક્રિયાથી નિઃસંતાનપણાથી પીડિત દંપતીનું કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ વગર સંતાન પ્રાપ્તિનું સપનું સાકાર થઈ રહ્યું છે. આયુર્વેદ હોસ્પિટલમાં એવી ઘણી મહિલાઓએ એના માટે સલાહ લીધી છે અને ઈલાજ કરાવ્યો છે. સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. રશ્મિ શર્મા અને એમની ટીમે 8 એવી મહિલાઓનો સલાહ સાથે ઈલાજ કર્યો જેમને નિઃસંતાનપણાની સમસ્યા હતી, અને આ ઈલાજથી એમને સંતાન પ્રાપ્તિ થઇ ગઈ.

એલોપેથીમાં નિષ્ફ્ળ, પણ આયુર્વેદથી ઈલાજ સફળ :

અમુક મહિલાઓ લગ્નના પાંચ-દસ વર્ષ પછી પણ માતૃત્વ સુખથી વંચિત હતી. મહિલાઓની ઉંમર 30 વર્ષ કરતા વધારે હોવાને કારણે એમની બંને બીજગ્રંથિઓમાં પરિપક્વ ઈંડાનું નિર્માણ થઇ રહ્યું ન હતું. આ મહિલાઓએ થોડા વર્ષો સુધી એલોપેથી પદ્ધતિથી ઉપચાર કરાવ્યો, પણ ઈલાજ સફળ નહિ થયો. ત્યારબાદ આ મહિલા દર્દીઓએ આયુર્વેદની હોસ્પિટલમાં ઈલાજ શરુ કરાવ્યો. અહીં તેમને દાખલ કરવા પર પંચકર્મી ચિકિત્સા (સ્નેહપાન અને વમનકર્મ વગેરે) તેમજ દવાઓ આપવાની શરુ કરવામાં આવી.

ઉપચારના સમયગાળા દરમ્યાન મહિલાઓએ વિશેષ ખાનપાનના નિયમનું પાલન કર્યુ. ઉપચાર પછી મહિલાઓમાં ઈંડા પરિપક્વ બનવા લાગ્યા, અને અમુક મહિલાઓના અંડાશયમાં બનેલી ગાંઠો પણ સારી થવા લાગી. થોડા સમય પછી તે મહિલાઓ ગર્ભવતી બની ગઈ અને સ્વસ્થ શિશુઓને જન્મ પણ આપ્યો. ઈંડાનું ન બનવું, બીજવાહિનીઓ અને ગર્ભાશયની વિકૃતિ અને અંતઃસ્ત્રાવનું અસંતુલન મહિલાઓમાં નિઃસંતાનપણાનું મુખ્ય કારણ છે.

આયુર્વેદિક ઉપચારની પદ્ધતિ :

નિઃસંતાનપણાના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતી આયુર્વેદિક ઉપચાર ચિકિત્સા સ્નેહપાન, અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન વગેરે પંચકર્મની પ્રણાલીઓથી યુક્ત હોવાને કારણે નુકશાન રહિત છે. ઈલાજમાં સંપૂર્ણ પ્રાકૃતિક ઔષધિ જેવી કે વરિયાળી, સુવા, ધાણા, સાકર, દરો ઘાસ, લીમડો, હળદર, અજમો વગેરે પ્રયોગમાં લેવામાં આવે છે. એની કોઈ આડઅસર નથી થતી.

અન્ય જટિલ બીમારીઓનો ઈલાજ પણ થાય છે :

આયુર્વેદિક હોસ્પિટલમાં સ્ત્રી રોગ સાથે સંબંધિત અન્ય જટિલ અને અસાધ્ય બીમારીઓ જેવી કે અનિયમિત માસિકધર્મ, ઈંડાનું ન બનવું અથવા ઓછા બનવું, વારંવાર ગર્ભપાત, બાળક ન રહેવું, શ્વેતપ્રદર, રક્તપ્રદર, સંક્રમણ, ગર્ભાશયમાં ગાંઠ અથવા ઇજા, માસિકધર્મમાં ઇજા થવી, સ્તનમાં ગાંઠ વગેરે બીમારીઓનો ઈલાજ પણ થઈ રહ્યો છે.