હોટલમાં ખાવા અંગે વિચાર કરવાનો સમય આવી ગયો છે, દરેકે સમજવા જેવી છે આ વાત.

મિત્રો, પહેલાનો સમય એવો હતો જયારે ગામડાના માણસો શહેરમાં ખરીદી કરવા માટે જતા હતા. તે વખતે બપોરના સમયે તેઓ ના છૂટકે સો ગ્રામ ભજીયા ખાવાની હિંમત કરતા, અને તે પણ ડરતા ડરતા. તેનું કારણ એ હતું કે, તેમના મનમાં એવી ગ્રંથિ હતી કે બજારમાં ખાઈએ તો માંદા પડી જવાય. પછી એવો સમય આવ્યો કે, કેટલાક લોકો શહેરમાં જાય તો એમને રોકાવું પડતું હતું. આથી નછૂટકે ખાવું પડે. એટલે અન્ય કોઇ ઉકેલ ન હોવાથી એ લોકો હોટલોમાં અથવા લોજમાં જમતા અને એ રીતે લોજમાં જમવાનું જરૂરી બનતું.

પણ આજનો સમય એવો છે જેમાં હોટલમાં જઇને ખાવું તે ફેશન બની ગયું છે. આજે કોઈપણ જાતના કારણ વગર આખે આખું કુટુંબ ઘરને તાળું મારી ને ગાડીમાં ગોઠવાઈને હોટલોમાં જાય છે. ત્યાં જઈને કલાકો લાઈનમાં બેસે છે અને પોતાનો નંબર આવે ત્યારે પૈસા ખર્ચીને મોંઘા ભાવના ભોજન ખાય છે. આ ભોજનની પડતર કિંમત કરતાં લગભગ પાંચથી સાત ગણી કિંમત વસૂલવામાં આવે છે. અને આ ભોજન માત્ર અને માત્ર મસાલાઓના લીધે જ ચટાકેદાર લાગતું હોય છે. બાકી એની અંદરની હકીકતો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.

અવારનવાર સમાચાર પત્રોની અંદર રસોડાના સમાચારો ચમકતા જ હોય છે. વ્યવસ્થિત સાફ ન કરવામાં આવતાં વાસણો અને ગંદા ભોંય તળિયા આ બધું સમાચાર પત્રમાં પ્રકાશિત થાય જ છે. પણ આપણે તે રસોડામાં ક્યારેય જોવા જતા હોતા નથી કે જોવા માંગતા નથી. આપણે હંમેશા બહાર રહેલા સોફા ઉપર બેસી અને પોતાની જાતને ધન્ય માનીએ છીએ.

તેની પાછળનું એક મહત્વનું કારણ એ છે કે, આજકાલ અતિથિ ધર્મ એટલે કે મહેમાન ગતિ સદંતર બંધ થઈ ગઈ છે. હવે કોઈના ઘેર મહેમાન તરીકે કોઈ જતું નથી. આથી ભોજનમાં પણ કોઈ પ્રકારનો ચેન્જ આવી શકતો નથી. આથી ભોજનમાં ચેન્જ લાવવાના હેતુથી નાછૂટકે હોટલમાં જવું પડે છે. તમે જ વિચારો, શું અતિથિ ધર્મ બંધ કરીને આપણે સારું કર્યું છે?

અને બીજી વાત એ કે, હોટલોની અંદર વપરાતું અનાજ તેમજ મસાલા એ અત્યંત નિમ્ન કક્ષાના હોય છે. વારંવાર આ પ્રકારનું ખાવાથી પેટમાં પણ ઘણી ગરબડો થતી હોય છે. પેટને હોટલોના ખોરાક સાથે મેળ આવતો નથી. આથી પેટને આ પ્રકારના ભોજનીયા ભાવતા હોતા નથી. પરંતુ નાછૂટકે આરોગવા પડે છે.

એટલે હકીકતમાં આપણે કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં હોટલમાં જમવાનું બંધ કરવા જેવું છે. આપણા નાના બાળકોને પણ આપણે જાણતા-અજાણતા ઘરના ભોજન કરતાં હોટલનું ભોજન કંઈક સારું છે, એવું શીખવી રહ્યા છીએ. એટલે આવા નાના બાળકો પણ મોટા થઈને હોટલોના ભોજન કરતા થઈ જશે. આમ આપણે એમનામાં ખોટા નીતિ મૂલ્ય પણ રોપી રહ્યા છીએ. એટલે કોઈ પણ પ્રકારના સંજોગોમાં ઘરનું ભોજન જ ઉત્તમ છે એ ખ્યાલ બાળકોના મનમાં રોપવાની જરૂર છે.

મિત્રો, આજે તો યુટ્યુબ જેવી સુવિધાથી આપણે અનેક પ્રકારની રસોઈ શીખીને આપણી રસોઈમાં વૈવિધ્ય લાવી શકીએ છીએ, અને રસોઈને કલાનો દરજ્જો પણ આપી શકીએ છીએ. પરંતુ રસોઈ બનાવવાની 30 મિનિટ બચાવવા માટે આપણે હોટલમાં જઇને 2 કલાક વેડફીએ છીએ, અને સાથે પૈસા અને શક્તિ બરબાદ થાય છે તે અલગ. બાળકોમાં ખોટા નીતિ મૂલ્યો રોપાય છે તે જુદા. મને લાગે છે કે હોટલમાં ખાવા અંગે વિચાર કરવાનો સમય પાકી ગયો છે. આભાર.

– સાભાર કર્દમ ર. મોદી, પાટણ, 82380 58094.