જગન્નાથ પુરી રથયાત્રા 2020 : જાણો કેટલા વર્ષો પછી મોકુફ રાખવામાં આવી રથયાત્રા.

સુપ્રીમ કોર્ટનો આવ્યો આદેશ, આટલા વર્ષો પછી અટકી જગન્નાથ પુરી રથયાત્રા

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ વર્ષે જગન્નાથપૂરીની ઐતિહાસિક રથયાત્રા કાઢવામાં ન આવે. તેનાથી કોરોના વાયરસ ફેલાવાનું જોખમ છે.

નવી દિલ્હી, ઓનલાઇન ડેસ્ક. સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ વખતે જગન્નાથપૂરીની ઐતિહાસિક રથયાત્રા નહીં નીકળી શકે. ઇતિહાસના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આમ તો જ્યારથી રથયાત્રાની શરૂ થઇ છે, ત્યાર પછી કુલ 32 વખત તેને અન્ય કારણોસર મુલતવી રાખવામાં આવી છે, પરંતુ વર્ષ 1737 પછી, હવે 2020 માં પ્રથમ વખત તેને મુલતવી રાખવામાં આવી છે. આ રીતે, આ યાત્રા 284 વર્ષ પછી પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના આદેશથી મુલતવી રાખવામાં આવી રહી છે.

10 લાખ તેમાં જોડાય છે

હકીકતમાં, આ રથયાત્રામાં આશરે 10 લાખ લોકો જોડાવાની અપેક્ષા રાખવામાં આવતી હતી, કોર્ટ તેવું ઇચ્છતી ન હતી કે રથયાત્રામાં આટલી મોટી સંખ્યામાં લોકો જોડાય અને તેના કારણે લોકો કોરોના વાયરસથી ઝપટમાં આવી જાય તે કારણોસર રથયાત્રા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કર્યા પછી આ આદેશ આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જગન્નાથ પુરીમાં વહીવટકર્તા રથયાત્રાની તૈયારી કરી રહ્યા છે. તેની ઉપર કોર્ટે હસ્તક્ષેપ કરી રથયાત્રા ઉપર પ્રતિબંધ લગાવવો જોઇએ. આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે આ આદેશ આપ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ કોર્ટે ઓડિશાના પુરીમાં નીકળતી રથયાત્રાને મુલતવી રાખી છે.

દર વર્ષે 23 જૂનના રોજ નીકળે છે રથયાત્રા

દર વર્ષે, 23 જૂનના દિવસે ઓડિશામાં જગન્નાથપુરીની ઐતિહાસિક રથયાત્રા કાઢવામાં આવે છે, આ દિવસે આખું ઓડિશા બંધ રહે છે. દેશ-વિદેશ માંથી લોકો આ રથયાત્રામાં ભાગ લેવા અને રથ ખેંચવા માટે આવે છે. દર વર્ષે લાખો લોકો તેમાં ભાગ લેવા માટે આવે છે.

ગૃહ મંત્રાલય તરફથી મળી હતી પરવાનગી

8 મેના રોજ યાત્રાને લઈને ગૃહ મંત્રાલયે મંજુરી આપી હતી. મંત્રાલયે કેટલીક શરતો સાથે યાત્રા કાઢવાની મંજૂરી આપી હતી. તેવામાં રથયાત્રા વહીવટ તંત્રએ આ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ યાત્રાની નજીક માત્ર પુજારીઓ અને વહીવટી તંત્રની ટુકડીને આવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેવામાં સમગ્ર શહેરમાં 144 લાગુ કરી યાત્રાને આગળ વધારવાની તૈયારી ચાલી રહી હતી.

ઓડિશા વિકાસ પરિષદે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષે ઓડિશા વિકાસ પરિષદે રથયાત્રા મુલતવી રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કાઉન્સિલ વતી મુખ્ય એડવોકેટ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 23 જૂને મહાપ્રભુની વિશ્વ વિખ્યાત રથયાત્રા કાઢવાની હતી. તેના માટે તમામ પ્રકારની પરંપરાઓ અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. મહાપ્રભુના રથનું નિર્માણ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

દર વર્ષે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે

પુરીમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા ખૂબ ધામધૂમ સાથે કાઢવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓને ત્રણ જુદા જુદા રથમાં બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ વિશ્વ વિખ્યાત રથયાત્રાની ઉજવણી અષાઢ મહિનાના સુદ પક્ષની બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં ભગવાન જગન્નાથને રથ ઉપર બેસાડીને આખા શહેરમાં ફેરવવામાં આવે છે. આ રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઇને ગુંડીચ્ચા મંદિર સુધી જાય છે. પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા વર્ષોથી ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતામાં બેસાડવામાં આવેલી ત્રણ સભ્યોની કમિટી દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. ન્યાયાધીશે લોકોની સલામતી અને જનહિતને ધ્યાનમાં રાખીને રથયાત્રા બંધ કરવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું છે કે જો સુપ્રીમ કોર્ટ રથયાત્રાની મંજૂરી આપે છે, તો પછી ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.

માત્ર પુરી જ નહીં, પરંતુ આ વર્ષે ઓડિશામાં કોઈ પણ જગ્યાએ રથયાત્રા નહીં થાય. કોર્ટે વધુમાં જણાવ્યું કે નાગરિકોની સલામતી અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ વર્ષે પુરીમાં રથયાત્રાની મંજૂરી આપી શકાશે નહીં.

આ કેસની સુનાવણી સમયે, કેન્દ્ર સરકાર વતી લડતા સોલિસીટર જનરલ તુષાર મેહતાએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ પુરી મંદિરમાં કેટલાક ધાર્મિક કાર્યક્રમની મંજૂરી આપી શકે છે, ભક્તો વિના વિવિધ ધાર્મિક વિધિઓ પૂરી કરી શકાય છે. ઓડિશા તરફથી હાજર રહેલા મુખ્ય વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, ત્યારે લોકો ખાસ કરીને એકઠા થાય જ છે. લોકોને અટકાવા શક્ય નથી.

જસ્ટિસ બોબડેએ એડવોકેટ સાલ્વેને વાત સ્વીકારતા કહ્યું કે અમે પહેલેથી જ જોઈ રહ્યા છીએ કે જ્યારે કોઈ પણ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવતી હોય છે ત્યારે કાર્યક્રમમાં લોકોની ભીડ થાય છે. આવી સ્થિતિમાં, અમે કોરોના રોગચાળાની વચ્ચે પુરી રથયાત્રાને મંજૂરી નહિ આપી શકીએ. લોકોના હિતને ધ્યાનમાં રાખીને કોર્ટે રથયાત્રા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.