જાણો કેવી રીતે પંડિત જસરાજ શાંતારામના જમાઈ બન્યા, લગ્ન માટે જસરાજના આ જવાબ સાંભળીને લગ્ન થયા નક્કી.

વી. શાંતારામની પુત્રી મધુરાએ કહ્યું હતું – લગ્ન કરીશ તો પંડિત જસરાજ સાથે, નહીં તો નહિ, ત્યારે શાંતારામને પૂછ્યું – કેટલી કમાણી કરો છો?

1960 માં પંડિત જસરાજ અને મધુરા વચ્ચે વાતચીત થઈ હતી, 1962 માં થયા હતા લગ્ન

પંડિત જસરાજે 78 વર્ષની ઉંમરમાં જ બોલિવૂડ માટે એકમાત્ર રોમેન્ટિક ગીત ગાયું હતું,

લોકપ્રિય શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું નિધન થઇ ગયું છે. 90 વર્ષની વયે તેમણે અમેરિકાના ન્યુ જર્સીમાં અંતિમ શ્વાસ લીધા. જસરાજે બોલિવૂડ માટે પહેલું અને એકમાત્ર રોમેન્ટિક ગીત 78 વર્ષની ઉંમરે ગાયું હતું. ફિલ્મ હતી ‘1920’ અને ગીત હતું ‘વાદા તુમસે હૈ વાદા’. આ ફિલ્મના ડિરેક્ટર વિક્રમ ભટ્ટ હતા, જ્યારે ગીતનું સંગીત અદનાન સામીએ આપ્યું હતું. જોકે, તેમનો હિન્દી ફિલ્મ ઉદ્યોગ સાથે ખૂબ જ ગાઢ સંબંધ રહેલો હતો. તેઓ તેમના જમાનાના પીઢ ફિલ્મમેકર વી.શાંતારામના જમાઈ હતા.

કેવી રીતે શાંતારામના જમાઈ બન્યા પંડિત જસરાજ

સુનિતા બુધિરાજનાં પુસ્તક ‘રાસરાજ: પંડિત જસરાજ’ અનુસાર વી.શાંતારામની પુત્રી મધુરાનો જન્મ 1937 માં થયો હતો. તેમના પિતા વી. શાંતારામ પોતે એક મોટા કલાકાર હતા અને તેમની કલા તેમની ફિલ્મોમાં પ્રતિબિંબિત થતી હતી. શાસ્ત્રીય ગાયન અને નૃત્યનો તેમણે સફળતાપૂર્વક ઉપયોગ તેમની બધી ફિલ્મોમાં કર્યો. તેમણે તેમના બધા બાળકોમાં બાળપણમાં જ કળા પ્રત્યે થોડો આદર પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો.

મધુરાએ વર્ષ 1952 ના વર્ષથી જ ગાવાનું શીખવાનું શરૂ કરી દીધું. ગુરુ વિપિનસિંહ પાસેથી મણિપુરી અને ભરતનાટ્યમ શીખ્યા પછી, મધૂરાએ ‘ઝનક-જનક પાયલ બાજે’ બન્યું ત્યારે ગોપીકિશનજી પાસેથી કથકનો પણ અભ્યાસ કર્યો હતો. 1960 માં મધુરા અને પંડિત જસરાજ વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો. પંડિત જસરાજની ભત્રીજી યોગાઈ કહે છે કે તેણી તેમના વતી તે પત્ર લખતી હતી, પરંતુ તેની ઉપર સહી ‘ચાચાજી’ એટલે કે પંડિત જસરાજ કરતા હતા.

આમ તો આ પત્રો ટૂંકા અને ઔપચારિક હતા કે હું આ તારીખે આવવાનો છું અથવા તમારું રિયાઝ કેવું ચાલે છે. મધુરાએ કહ્યું હતું- ‘એક વખત મેં મારું ગીત જસરાજજીને પણ સંભળાવ્યું હતું, જે તેમને ગમ્યું.’ શાંતારામજીને પણ જસરાજજી પસંદ આવ્યા. ધીરે ધીરે તેઓ સમજી ગયા કે મધુરાનું તેમના તરફ વલણ છે.

તે સમયે શાંતારામની ફિલ્મ ‘સ્ત્રી’ પૂર્ણ થવાની હતી. તેમણે વિચાર્યું કે પહેલા ‘સ્ત્રી’ રિલીઝ થઇ જાય, ત્યાર પછી તે આ બાબત ઉપર ધ્યાન આપવામાં આવશે. મધુરા તેની નાની બહેન ચારુશીલા સાથે ‘સ્ત્રી’ની રજૂઆત માટે કોલકાતા ગઈ હતી.

એકવાર જ્યારે શાંતારામે જસરાજને તેની કમાણી વિશે પૂછ્યું, ત્યારે જાણવા મળ્યું કે તે મહિને 200 થી 300 રૂપિયા કમાય છે. તે દિવસોમાં 200-300 રૂપિયા પણ ઘણા હતા, પછી હજારો તો ઘણી મોટી રકમ હતી. મધુરા કહે છે, મેં મારા પિતાને કહ્યું છે કે જો હું લગ્ન કરીશ તો તેની સાથે અન્યથા નહિ કરુ.

વી. શાંતારામ ખૂબ મોટા નિર્માતા-દિગ્દર્શક હતા. તેમને લાગ્યું કે છોકરો પંજાબી છે. તે સમયે હરિયાણા પંજાબનો એક ભાગ હતો. કેટલી કમાણી છે? તેમણે મણિરામ (જસરાજના કાકા) ને પૂછ્યું કે જસરાજ કેટલી કમાણી કરે છે, તો ત્યાંથી પણ એ જ જવાબ મળ્યો કે મહિને 200-300 રૂપિયા. તો પછીનો પ્રશ્ન આવ્યો આવક વધશે? જવાબ હતો કે ઓછી પણ થઇ શકે છે. બસ શાંતારામજીને આ જવાબ પ્રામાણિક લાગ્યો. અને તેમણે મધુરા સાથે પંડિત જસરાજની સગાઈ કરી દીધી. તે 1962 ની વાત છે.

19 માર્ચ, 1962 ના રોજ મધુરા શાંતારામ મધુરા જસરાજ બની ગઈ. શાંતારામની પુત્રીના લગ્ન જે ધામધૂમથી થવા જોઈતા હતા, તે ધામધૂમથી થયા. શાંતારામ પાસે એક હાથી હતો. ફિલ્મ ‘નવરંગ’ માં એક ગીત – ‘અરે જા રે અરે નટખટ’ તે હાથી ઉપર શુટિંગ થયું હતું. મધુરા-જસરાજના લગ્નમાં મહેમાનોનું સ્વાગત કરવા શણગાર સજીને તે હાથી ઉભો હતો.

વી. શાંતારામ માટે બોલિવૂડમાં પહેલું ગીત ગાયું

પંડિત જસરાજે બોલીવુડનું પહેલું ગીત ‘વંદના કરો’ 1966 માં આવેલી ફિલ્મ ‘લડકી શહયાદ્રી કી’માં ગાયું હતું, જે એક ભજન હતું. ફિલ્મનું દિગ્દર્શન વી.શાંતારામ દ્વારા કરાયું હતું. જ્યારે સંગીત વસંત દેસાઇએ આપ્યું હતું. આ ઉપરાંત 1973 માં આવેલી ફિલ્મ બિરબલ માય બ્રધર માટે ભીમસેન જોશી સાથે એક જુગલબંધીમાં જોડાયા હતા.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.