જાણો સોમવારનું વ્રત રાખવાના નિયમ અને તેના ફાયદા

આ છે સોમવારનું વ્રત રાખવાના ફાયદા અને તેના નિયમ, જાણો વિસ્તારથી

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં, શ્રાવણ માસના સોમવારના વિશેષ મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું ઘણું જ મહત્વ માનવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર, જે પણ આ મહિનામાં સોમવારે ઉપવાસ રાખે છે, ભગવાન શિવ તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવની કૃપાથી લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે.

શ્રાવણ માસના સોમવારના દિવસે ત્રીજો પહોર એટલે કે સાંજ સુધી રાખવામાં આવે છે. સવારે સ્નાન તથા નિત્ય કર્મ કર્યા પછી, ઉપવાસનો સંકલ્પ કરો. ત્યાર પછી ગંગા જળ, બીલીપત્ર, સોપારી, ફૂલ, ધતુરો, ભાંગ વગેરે સાથે ભગવાન શિવની પૂજા કરો. ત્યાર પછી ઉપવાસની કથા સાંભળો અને પછી શિવમંત્રનો જાપ કરો. ત્રીજો પહોર સમાપ્ત થયા પછી જ ભોજન કરો. માત્ર શ્રાવણ માસના સોમવારે જ નહીં, શિવજીને લગતા તમામ ઉપવાસ ત્રણ પહોર સુધી જ કરવામાં આવે છે. આ રીતે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી લઈને છેલ્લા સોમવાર સુધી ઉપવાસનું પાલન કરો.

સોમવારના ઉપવાસ કરવાના લાભ

સોમવારના ઉપવાસ કરવાથી ચંદ્રગ્રહ મજબૂત થાય છે, જેથી ફેફસાના રોગ, દમ અને માનસિક રોગો માંથી મુક્તિ મળે છે.

અપરિણીત છોકરીઓ માટે આ ઉપવાસ ખૂબ જ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે સોમવારના રોજ ઉપવાસ કરવાથી છોકરીઓને શ્રેષ્ઠ વરની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત, ચંદ્રગ્રહ મજબૂત થવાથી ધંધા અને નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ભક્ત સાચા મનથી શ્રાવણ માસના સોમવારે શિવજીની પૂજા કરે છે, તો તેને જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે. અને તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. તેમ જ તેના તમામ પાપો નાશ પામે છે.

શ્રાવણ માસના સોમવારનો ઉપવાસ રાખવાથી લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓ માંથી છુટકારો પ્રાપ્ત થાય છે. આ ઉપવાસ સ્ત્રી અને પુરુષ બંને રાખી શકે છે.

શ્રાવણ માસના સોમવારના ઉપવાસથી અકાળે મૃત્યુ અને અકસ્માતોથી રાહત મળે છે. શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવને ધતૂરો અર્પણ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ માસના સોમવારના ઉપવાસના નિયમો

શ્રાવણ માસના સોમવારના દિવસે જે ઉપવાસ ન પણ રાખતા હોય તે કોઈપણ અનૈતિક કૃત્ય કરવાનું ટાળે.

શ્રાવણ માસના સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાનનું ધ્યાન ધરો. સાથે જ વૃદ્ધ અને લાચાર લોકોનું અપમાન ન કરો.

શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવની પૂજામાં બેલપત્ર અને ધતુરો તો જરૂર રાખો.

શ્રાવણ હરિયાળી ઋતુ છે. જે શિવને ખૂબ પ્રિય છે, તેથી ઝાડ અને છોડ કાપવાનું ટાળવું જોઈએ.

શ્રાવણ માસના સોમવારની પૂજા વિધિ

શ્રાવણ માસના સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો.

શિવમંદિરમાં જઈને ભગવાન શિવનો જળાભિષેક કરો. સાથે જ માતા પાર્વતી અને નંદીને પણ ગંગાજળ અથવા દૂધ ચડાવો.

પંચામૃત સાથે રુદ્રાભિષેક કરો, બીલીપત્ર ચડાવો. શિવલિંગ ઉપર ધતુરો, ભાંગ, દૂધ, બટાકા, ચંદન, ચોખા અર્પણ કરો અને તમામને તિલક લગાવો.

પ્રસાદ તરીકે ભગવાન શિવને ઘી-સાકર ચડાવો. ધૂપ, દીવા સાથે ગણેશજીની આરતી કર્યા બાદ શિવજી અને માતા પાર્વતીની આરતી કરો અને પ્રસાદનું વિતરણ કરો.

શ્રાવણ માસના સોમવારનું મહત્વ

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ કરવાથી, આખા વર્ષના તમામ સોમવારના ઉપવાસનું ફળ મળી જાય છે.

એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગની વિશેષ પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું કહેવામાં આવે છે કે જે મહિલાઓ શ્રાવણ માસના સોમવારનો ઉપવાસ રાખે છે તેમના પતિ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે છે. વળી અપરિણીત યુવતીઓને મનપસંદ જીવનસાથી મળે છે.

શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારે ભગવાન શિવના અભિષેક અને પૂજા-અર્ચના કરવાથી કાલસર્પ દોષની અશુભતા ઓછી થાય છે.

દર સોમવારના છે વિશેષ યોગ, મળશે ઇચ્છિત ફળ

આ વર્ષે શ્રાવણ મહિનામાં અનેક શુભ સંયોગો ઉભા થઇ રહ્યા છે. આ વિશેષ યોગમાં શિવની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. પંચાંગ મુજબ શ્રાવણના પહેલા સોમવારના વિશેષ યોગ ઉભા થઇ રહ્યા છે. શ્રાવણ માસ સોમવારથી શરૂ થઈ રહ્યો છે. આ દિવસે તિથી પ્રતિપદા છે અને વિદ્યુતી યોગ ઉભા થઇ રહ્યા છે. આ દિવસે નક્ષત્ર ઉત્તરાષાઢા છે. સૂર્ય મિથુન રાશિ અને ચંદ્રમાં મકર રાશિમાં રહેશે, જે વિશેષ ફળ આપવાના છે.

પહેલા સોમવારે કરો શિવ સાથે શ્રીહરિની પૂજા

શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ઉત્તરાષાઢા નક્ષત્ર વિદ્યુતી યોગ, કૌલવ કરણ અને પ્રતિપદમાં તિથી આવી રહી છે. આ દિવસે ગુરુ ધન રાશિમાં અને ચંદ્રમા મકર રાશિમાં રહેશે. તેથી, આ સોમવારે શિવપૂજાથી વિશેષ ફળ પ્રાપ્ત થશે. આ દિવસે શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થશે.

બીજા સોમવારે કરો શિવનો જળાભિષેક :-

આ વખતે શ્રાવણ મહિનો ઘણા વિશેષ યોગ લઈને આવી રહ્યો છે. તેથી આ વખતે દર સોમવારે શિવજીની પૂજા અર્ચના કરવાથી મળશે વિશેષ ફળ. બીજા સોમવારે શિવજી ઉપર જળાભિષેક કરવાથી જીવનની તમામ અડચણોમાંથી મુક્તિ મળે છે.

ત્રીજા સોમવારે અર્પણ કરો ભાંગ અને ધતુરો, મળશે શ્રેષ્ઠ ફળ

ત્રીજા સોમવારે ભગવાન શિવને ભાંગ, ધતુરો અને મધ ચડાવવાથી શ્રેષ્ઠ ફળ મળશે, સાથે સાથે આ દિવસે શિવજીની પૂજા કરવાથી સારું આરોગ્ય અને શક્તિનો આશીર્વાદ મળશે.

ચોથો સોમવાર ભક્તિ અને સાધના માટે છે વિશેષ

શ્રાવણ માસનો ચોથો સોમવાર સાધના અને ભક્તિ માટે યોગ્ય માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના તમામ મંત્રોનો જાપ કરવાથી મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાધ્ય યોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી સૌથી અઘરામાં અઘરા કાર્ય પણ સરળ થઈ જાય છે.

પાંચમો સોમવાર કરશે નાણાકીય સમસ્યાઓ દૂર

એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસના પાંચમા સોમવારના દિવસે ભક્તિ ભાવથી શિવજીની પૂજા કરવાથી શત્રુઓ ઉપર વિજય મળે છે. જીવન ઉપર આવનારા તમામ દુઃખ ટળી ગયા છે. આ વખતે આ દિવસ સર્વાંર્થ સિધ્ધિ યોગ હોવાને કારણે તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને સાથે સાથે આર્થિક મુશ્કેલીઓથી પણ મુક્તિ મળશે. આ દિવસે રવિ યોગ હોવાથી, આ દિવસ સુખ સમૃદ્ધિ પ્રદાન કરવાનો છે.

આ માહિતી આઈ નેક્સ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.