વાંચો આખી કથા : જીવનમાં સંતુષ્ટ રહેવું સૌથી વધારે જરૂરી હોય છે, કારણ કે સંતુષ્ટ વ્યક્તિ હંમેશા ખુશ રહે છે

એક લોકવાર્તા અનુસાર એક ખેડૂત ખુબ જ પરેશાન રહેતો હતો અને પોતાના જીવનથી ખુબ દુ:ખી હતો. એકવાર આ ખેડૂતના ગામમાં એક સંત આવે છે. આ ખેડૂત સંતની પાસે જઈને સંતને જણાવે છે કે, તે ખુબ જ પરેશાન છે અને તેને આ મુશ્કેલીઓમાંથી નીકળવાનો રસ્તો જણાવો. સંત ખેડૂતને એક મંત્ર જણાવે છે અને કહે છે કે, તેણે રોજ આ મંત્રનો જાપ કરવો. આ મંત્રનો જાપ કરવાથી તેની સામે એક દેવી પ્રગટ થશે, અને તારે જે જોઈએ છે તે દેવી પાસેથી માંગી લેજે.

ખેડૂત સંત દ્વારા જણાવેલા મંત્રનો જાપ રોજ કરવા લાગ્યો, અને એક દિવસ ખેડૂતની સામે દેવી પ્રગટ થઇ જાય છે. દેવીને જોઇને ખેડૂત ખુબ ખુશ થઇ જાય છે. દેવી ખેડૂતને કઈ પણ માંગવાનું કહે છે. જોકે ખેડૂત મૂંઝવણમાં પડી જાય છે કે, દેવી પાસેથી શું માંગવું જોઈએ? ઘણો વિચાર કર્યા પછી ખેડૂત દેવીને કહે છે કે, અત્યારે મને કાંઈ પણ સમજાતું નથી. તમે કૃપા કરીને કાલે આવી શકો છો? જેથી મારે તમારી પાસેથી શું વરદાન જોઈએ છે? એ વિચારવા માટે થોડો સમય મળી શકે.

દેવી ખેડૂતની વાત માની લે છે અને ખેડૂતને કહે છે કે, તે કાલે ફરી આવશે અને કાલ સુધી ખેડૂત વિચારી લે કે તેને શું જોઈએ છે? દેવીના ગયા પછી ખેડૂત એ વિચારમાં પડી જાય છે કે, તે રહેવા માટે ઘર, ઘણી બધી જમીન અને પૈસામાંથી શું માંગે? ખેડૂત આખી રાત આ જ ચિંતામાં રહે છે. સવાર થતા જ ખેડૂત ફરીથી મંત્રનો જાપ કરે છે અને મંત્રનો જાપ કરતા જ દેવી પ્રગટ થઇ જાય છે. દેવી ખેડૂતને વરદાન માંગવા માટે કહે છે. ખેડૂત દેવીને કહે છે, તમે મને એ વરદાન આપો કે હું કોઇપણ સંજોગોમાં સંતુષ્ટ રહું.

ખેડૂતની વાત સાંભળ્યા પછી દેવી ખેડૂતને તથાસ્તુ કહી દે છે. તથાસ્તુ કહ્યા પછી દેવી ખેડૂતને એક સવાલ પૂછતા કહે છે, આજ સુધી લોકોએ મારાથી વરદાનમાં માત્ર ધન-સંપતિ જ માંગી છે. પરંતુ તમે પહેલા એવા માણસ છો જેણે વરદાનમાં મારા પાસેથી સંતોષ માંગ્યો છે. આવું કેમ? ખેડૂત દેવીને કહે છે મારી પાસે ધન જરા પણ નથી.

તમારા પ્રગટ થયા બાદ હું એ વિચારમાં પડી ગયો કે, તમારી પાસેથી હું ઘર, પૈસા અને જમીનમાંથી શું માંગું? અને આ ચિંતામાં મને આખી રાત ઊંઘ આવી નહી અને હું આખો દિવસ અસ્વસ્થ રહ્યો. જેના કારણે મને માથાનો દુ:ખાવો થવા લાગ્યો. આથી મને જીવનમાં એવું ધન નથી જોઈતું જેના લીધે મારી શાંતિને ખલેલ પહોંચે. હું જીવનમાં સુખી અને સંતુષ્ટ રહેવા માંગું છું. આથી મેં તમારી પાસે આ વરદાન માંગ્યું.

વાર્તાનો ઉપસંહાર :

આ વાર્તામાંથી આપણને એ સીખવા મળે છે કે, જીવનમાં સુખી રહેવા માટે ધનથી વધારે જરૂરી સંતોષ હોય છે. જે લોકો જીવનમાં સંતુષ્ટ રહે છે તે હમેશા સુખી રહે છે અને બધા પ્રકારની મુશ્કેલીઓ તેમનાથી દુર રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.