જો તમે ભગવાનના છો, તો ભગવાન તમારો છે, વાંચો રસપ્રદ સ્ટોરી.

તે ખુલ્લા પગે આવ્યો …

એક ગામમાં એક વૃદ્ધ ડોસો અને ડોસી રહેતાં હતાં. એમને કોઈ બાળક ન હતું. નાનું મોટું વણાટનું કામ કરતાં અને ગુજરાન ચલાવતાં. દિવાળીનો ઉત્સવ આવતો હતો. ડોસીએ કહ્યું : ‘દિવાળીના દિવસો આવે છે, પણ ઘરમાં કંઈ છે જ નહિ, શું કરીશું?’ ડોસાએ એક કામળો હજી હમણાં જ વણીને પૂરો કર્યો હતો, એટલે કહ્યું : ‘મને કામળો દે, હું વેચી આવું!’ ડોસો કામળો લઈને બાજુના ગામમાં વેચવા નીકળી પડ્યો. એ ગામ મોટું હતું એટલે ખપત ખુબ રહેતી.

ડોસો દી’ આખો ગામમાં ફર્યો પણ કામળાનું કોઈ પણ ઘરાક ન થયું. સાંજ પડવા આવી કે ને તે પોતાને ગામ પાછો ફર્યો. ચાલતાં ચાલતાં એક ત્રિભેટે જઈ પહોંચ્યો. ત્રિભેટે એક સુંદર મંદિર હતું. મંદિરમાં ભગવાન રામ બિરાજ્યા હતા, મૂર્તિ મોટા કદની હતી. ભગવાન રામ ભેગા મૈયા સીતા અને ભૈયા લખન તો હોય જ, પણ અહીં, મંદિરની વિશેષતા જાણો તો વિશેષતા, ભગવાન રામ એકલા બિરાજ્યા હતા. સાંજ ઢળી ગઈ હતી.

આ વખતે હિમાલયની ગિરિમાળામાં બરફ ખુબ વહેલો પડ્યો હતો, એટલે ઠંડી ફરી વળી હતી. એમ પણ ડોસાને ઠંડી પણ લાગતી હતી અને થાક્યો પાક્યો પણ હતો, એટલે ભગવાન રામનાં દર્શન કરવા માટે અને થોડો થાક ઉતારવા મંદિરમાં દાખલ થયો. તેણે ભગવાન રામનાં દર્શન કર્યાં, અને તેની મૂર્તિ સામે બેઠો. સભા મંડપ ચારે બાજુથી ખુલ્લો હતો, જોરદાર ઠંડા પવનના સુસવાટા આવતા હતા.

ડોસાને ટાઢથી કંપારી આવી જતી હતી. તે મૂર્તિ સામે એક ચિત્ત થઈને બેઠો હતો અને કોણ જાણે કેમ તેને થયું કે, ‘મને ટાઢ લાગે છે, તો આ મારા વહાલાને નહિ લાગતી હોય?’ તેને જાણે કોઈએ દોર્યો, અને તે ઊભો થયો, ગર્ભગૃહમાં પહોચી ગયો અને ભગવાન રામને પોતાનો કામળો લપેટી દીધો, અને બોલ્યો, ‘લે મારા વાહલા પ્રભુ, હવે તને ટાઢ નહિ લાગે!’ આ પછી થોડો થાક ખાઈને તે પોતાના ગામ ભણી ચાલી નીકળ્યો.

તે ઘરે પહોંચ્યો. અને ડેલીની સાંકળ ખખડાવી. ડોસીએ ડેલી ખોલી. ડોસાના હાથમાં કામળો ના જોતા. ડોસીને થયું કે કામળો ખપી ગયો લાગે છે, હવે ભલેને દિવાળી આવે ! ડોસો ઘરમાં દાખલ થયો. તે થાકી ગયો હતો, પણ ઊંઘ્યો નહિ, ગોદડું ઓઢીને બેઠો. ડોસી પણ તેની પાસે જઈ બેઠી. પછી ડોસાએ જરાક નિરાશામાં કહ્યું, ‘આજે કામળાનું કોઈ ઘરાક જ ન થયું.’

ડોસીએ તરત પૂછ્યું : ‘તો કામળો ક્યાં?’

ડોસાએ કહ્યું : ‘મેં રામજીને ઓઢાડી દીધો.’

ડોસીએ પૂછ્યું : ‘ક્યાં?’

‘ત્રિભેટાના મંદિરે.’ ડોસી તેની સામે જોઈ રહી, પણ ગુસ્સે ન થઈ, તેનું હૈયું માર્દવભર્યું હતું એટલે બોલી, ‘તમે જે કર્યું તે બરાબર કર્યું.’

પછી ડોસીએ કહ્યું : ‘થાકી ગયા હશો, તો લો હું ખાટલો ઢાળું.’ ડોસી ખાટલો ઢાળવા ગઈ, એ જ ટાણે ડેલીએ હળવેથી ટકોરા પડ્યા. ડોસીને થયું, ‘અત્યારે કોણ હશે વળી?’ ડોસાએ જઈને ડેલી ખોલી, પણ ત્યાં કોઈ પણ ન હતું! ડેલીની આગળ એક કોથળી પડી હતી. ડોશાએ તે લીધી, ડેલી વાસી અને અંદર આવ્યો. તેણે ડોસીને કહ્યું, ‘ડેલીએ તો કોઈ ન હતું, આ કોથળી પડી હતી.’

તેણે ડોસીને કોથળી આપી અને કહ્યું, ‘જો તો ખરી, અંદર શું છે ?’ ડોસીએ કોથળીનું મોઢું ધીરે રહીને ખોલ્યું કે માંહ્ય સોના-ચાંદીના સિક્કા જોયા! ડોસીને અચરજનો પાર ન રહ્યો. ડોસાને આ કૌતુક સમજાણું નહિ. એ આખી રાત બેય જણાને નીંદર ન આવી. વહેલા ઊઠીને ડોસાએ ડેલી ખોલી, તો ડેલીના આગળ ધૂળમાં કોઈનાં પગલાં દીઠાં અને એ પગલાં પાછાં પણ વળ્યાં ના હતાં! અને ડોસાનો અંતરાત્મા બોલી ઊઠ્યો, ‘નક્કી આ પગલાં મારા રામનાં છે ! મારો વહાલો પરભુ ઉઘાડે પગે કામળાના પૈસા દેવા આવ્યો હતો!’ તેની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ ગયા, ડોસીએ પણ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેની આંખોમાં પણ ભીનાશ વળી ગઈ!

પછી તેઓએ રંગેચંગે દિવાળી મનાવી.

જો તમે ભગવાનના છો, તો ભગવાન તમારો છે.

– ગુલાબરાય જોબનપુત્રા