મહાન લેખક કાંતિભટ્ટ નો આ લેખ સાચો લાગે તો જરૂર સેર કરજો ”બિનજરૂરી સર્જરીથી કરોડો કમાતા સર્જનો”

ભાવનગરના ”સૌરાષ્ટ્ર સમાચાર’’માં એક ખબર છપાયેલાં કે એક હોસ્પિટલના ડોક્ટરને દર્દીએ છૂરી મારી દીધી. દર્દીનો આક્ષેપ હતો કે તેનું ઓપરેશન ફેઈલ ગયું છે અને તેનું દર્દ ઊલટાનું વધી ગયું છે. આમાં વિચિત્ર વાત મને દિવ્ય ભાસ્કરના વાચકે કહી કે ભાવનગરમાં આ ઘટના માટે ડોક્ટર પ્રત્યે ભાગ્યે જ કોઈને સહાનુભૂતિ થઈ એક લોકલાગણી વ્યાપક છે કે ડોક્ટરો આડેધડ સર્જરી કરે છે. ન જોઈતી સર્જરી કરીને પૈસા કમાય છે- આવી લોકલાગણી છે. એ સાથે ૧૯-૩-૧૩ના મુંબઈના સમાચાર હતા કે મુંબઈની એક ખાનગી હોસ્પિટલના સર્જને સ્ત્રીનું ઓપરેશન કર્યું જે તેના દર્દ માટે તદ્દન બિનજરૂરી હતું. ભાવનગરનો દર્દી તો બચી ગયો. પણ મુંબઈની દર્દી કમનસીબે મરી ગઈ. માત્ર ભારતમાં જ નહીં. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અમેરિકા, કેનેડા, ઈગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ આવી જ ખરાબ હાલત છે.

વોલસ્ટ્રીટ જર્નલ જેવા ગંભીર પેપરે તો સર્જનો, ડોક્ટરો અને દવાકંપનીઓની આખી ગેંગ મળેલી છે અને દર્દીઓને લૂંટે છે તેમ કહેલું. ”નેચરલ ન્યૂઝ’’ નામની વેબસાઈટે ૧૧-૧૨-૨૦૧૨ના રિપોર્ટ આપેલો તેનું મથાળું અંગ્રેજીમાં લખું છું. ”ગ્લોબલ રિપઓફફ: અનનેસેસરી સર્જરીઝ અર્નિંગ્સગ મિલિયન્સ ફોર ડોક્ટર્સ.’’ રિપોર્ટમાં લખે છે કે ડોક્ટરોએ લાખ્ખો ડોલરની લોનો લઈને ડિગ્રી લીધી હોય તેનું દેવું ભરવા માટે તંદુરસ્ત શરીરવાળા દર્દી જો હાથમાં આવી જાય તો તેને બિનજરૂરી સર્જિકલ પ્રોસિજરમાં લઈ જઈને તંદુરસ્ત શરીરના ભાગો કાઢી નાંખે છે. તેમાં મોટી ફાર્માસ્યુટીકલ કંપનીઓને પણ કમાઈ આપે છે. એટલી હદે બેશરમી છે કે ‘નેચરલ ન્યૂઝ’ના કહેવા પ્રમાણે સ્ત્રીના સ્તનનું પરીક્ષણ કરીને પછી તેને કેન્સરનો ભય છે તેવું કહીને તંદુરસ્ત સ્તનની સર્જરીમાં કમાય છે.

ડો. હાર્ટલેમ હેમ્પટને વોલસ્ટ્રીટ જર્નલમાં ચોંકાવનારી વાત લખી છે કે એક ડોક્ટરે મોટી કંપની ઊભી કરી. તે કંપની કરોડરજ્જુની સર્જરી કરવા એક નવું તિકડમ શોધી લાવી હતી. તેને સ્પાયનલ ફયુઝન કહે છે. આ નવી જાતનું ઓપરેશન કર્યા પછી ઘણા દર્દી મરણ પામ્યા હતા.

”પર્થ-નાઉ’’ નામના ઓસ્ટ્રેલિયાના અખબારે ૨૦-૨-૧૨ના સમાચાર પ્રગટ કરેલા કે ૧પ૨ જેટલી ઓસ્ટ્રેલિયન સ્ત્રીઓની ”અનનેસેસરી અને અનઓથોરાઈઝડ સર્જરી’’ કરેલી તે માત્ર પૈસા કમાવાનો ધંધો હતો. સર્જરી બિનજરૂરી સાથે જોખમી પણ હતી. આવાં અનધિકૃત ઓપરેશનને કારણે ૧૪૧ સ્ત્રીઓને કદી જ સંતાન નહીં થાય તેવું નિષ્ણાતોએ કહેલું કેટલાક સર્જનોએ મોટા વળતર ભરવા ન પડે તે માટે દેશ છોડી દીધો હતો. વાચકો જાણે છે કે હૃદયરોગના દર્દીનેં ઓપરેશન કરી ‘સ્ટેન્ટ’ મુકાય છે. મુંબઈથી અમદાવાદ સુધી આ સ્ટેન્ટથી હૃદયરોગના દર્દીને રાહત થાય છે, પણ શું દર્દી કદી પૂછે છે કે આ મોંઘા સ્ટેન્ટ જરૂરી છે? ”ટેલિગ્રાફ ડેઈલી’’જણાવે છે કે અમેરિકાની લોનવૂડ રિજયોનલ મેડિકલ સેન્ટર એન્ડ હાર્ટ ઈન્સ્ટિ‌ટયુટની એક નર્સે ભાંડો ફોડયો કે અડધો ડઝન દર્દીને બિલકુલ જરૂર ન હતી છતાં સ્ટેન્ટ મૂકવામાં આવેલું. ભારતમાં આવું આડેધડ ચાલે છે. પૂછનાર કોઈ નથી.

કેનેડાના ટોરોન્ટો શહેરના ડો. બ્રિયાન ગોલ્ડમેને તો ડોક્ટરો અને સર્જનોની પોલ ખુલ્લી પાડતી ઝુંબેશ શરૂ કરી છે. ડો. બ્રિયાને તાજેતરમાં પ્રગટ થયેલા ડો. ગીલબર્ટ વેલ્શના પુસ્તકનો હવાલો આપ્યો છે. દર્દીઓને ડાયાબિટીસ કે બીજી બીમારીનો ડર બતાવીને નિદાનકેન્દ્રોમાં ધકેલે છે. ત્યાં તેમનું કમિશન હોય છે પણ એ તો માત્ર પૈસાની વાત થઈ પરંતુ આવાં ખોટાં નિદાન પછી બિનજરૂરી સર્જરી પણ થાય છે. કેનેડિયન ઈન્સ્ટિ‌ટયુટ ફોર હેલ્થ ઈન્ર્ફોમેશને ઓર્થોપેડિક સર્જનોની પોલ પકડીને બધાનાં નામ જાહેર કર્યા હતાં. આ ડોકટરોએ ૩૬૦૦ દર્દીઓનાં ઘૂંટણોના બિનજરૂરી ઓપરેશન એક વર્ષમાં કર્યાં હતાં. અમેરિકામાં ૭ લાખ જેટલી સ્ત્રીઓને ગર્ભાશયના કેન્સરનો ડર બતાવીને તેમના ગર્ભાશયને કાઢી નાંખ્યાં હતાં આવું જ કેનેડામાં ચાલે છે. કેનેડામાં ૧ લાખ સ્ત્રીદીઠ પ૧૨ સ્ત્રીના ગર્ભાશય કાઢી નંખાય છે જે બિનજરૂરી સર્જરી ગણાય છે.

લોસ એન્જલસ ટાઈમ્સ તેના ૨૨-૨-૧૩ના રિપોર્ટમાં લખે છે કે ખોટી દવાઓ અને બિનજરૂરી સર્જરી તેમ જ બિનજરૂરી સી.ટી. સ્કેન અને સીઝેરીયન ઓપરેશન અને બાળકોના ”પેપ’’ટેસ્ટમાં અમેરિકનો ૭પ૦ અબજ ડોલર ખર્ચી નાંખે છે એટલે કે બિનજરૂરી મેડિકલ ટ્રીટમેન્ટમાં રૂ. ૪૨૦૦ અબજ ખર્ચી નાંખે છે. ”સાયન્સ ડોટ સ્લેશડોટ’’ નામની વેબસાઈટ કહે છે કે હવે તો ડોક્ટરો સર્જરી માટે રોબોટ યંત્રો પણ વાપરવા માંડયાં છે. હવે મેડિકલ-માલ-પ્રેક્ટિસના કેસો વધ્યા છે. અમેરિકામાં તો આ બધું પ્રગટ થાય છે. ભારતમાં બહુ ઓછા દર્દી ડોક્ટરો પાસેથી બિનજરૂરી સર્જરીથી થયેલા નુકશાન કે મૃત્યુનું વળતર માગે છે. જો કેસ કરવા જાય તો ભારતનો દર્દી કોર્ટના આંટાફેરામાં સપડાય છે.

અમેરિકાની સી.બી.એસ. ન્યૂઝ ચેનલે અમેરિકામાં બિનજરૂરી સર્જરીનું લાંબુ લીસ્ટ આપ્યું છે તેમાં મેરિલેન્ડનાં કાર્ડિયોલોજિસ્ટ ડો. જહોન આર. મેકલીનનું નામ પણ છાપ્યું છે. તેનો ગુનો એટલો હતો કે ઘણા દર્દીને હૃદયરોગના હુમલાનો ડર બતાવીને તેમને બિનજરૂરી ‘સ્ટેન્ટ’ બેસાડયું તે પુરવાર થયું છે ”સેંકડો દર્દીને’’ આવું સ્ટેન્ટ બેસાડી કમાણી કરી છે. લુઝિયાના પ્રદેશના એક ડોક્ટરે દર્દીને બિનજરૂરી સ્ટેન્ટ બેસાડયું છે તે પુરવાર થતાં તેને જેલભેગો કરાયો હતો આવી રીતે જેલ જનારાં સર્જનોનાં કે તેના લાખ્ખો ડોલર દંડ થયાના અઢળક દાખલા છે પણ ભારતમાં હજી સુધી કોઈ ડોક્ટર કે સર્જનની આવી ”બદમાશી’’ માટે કેસ થયો હોય તેવું જૂજ બને છે સાત વર્ષ પહેલાં મેં આવા બિનજરૂરી ક્લિનિકલ ટેસ્ટ કે તદ્દન નક્કામી સર્જરી અંગે દિવ્ય ભાસ્કરમાં લેખ લખેલો તો રાજકોટ અમદાવાદના કેટલાક તબીબો ઉકળી ઊઠેલા ઉપર જે કાંઈ લખ્યું છે કે ભારતમાં જે બને છે તેવી જાતના લાલચુ ડોકટર કે સર્જન નહીં હો તો તમને એ લાગુ પડતું નથી. પ્રમાણિક અને નિષ્ઠાવાન સર્જનો હોય તેમને ઉપરની વાત લાગુ પડતી નથી. તેણે ચિંતા કરવા જેવી છે કે જેમની જમાતમાં આવા બ્લેકશીપ છે.

મુંબઈ કે અમદાવાદમાંથી મને મળતી માહિ‌તી પ્રમાણે મોંઘાદાટ બિનજરૂરી ટેસ્ટમાં લોહીની સંપૂર્ણ તપાસના ૭ વર્ષ પહેલાં રૂ. ૧૨૦ લેવાતા તે આજે અનેક ઘણા થયા છે. પેશાબની કે ઝાડાની રૂટીન તપાસના રૂ. પ૦ લેવાતા તેમાં પણ ફુગાવો લાગુ પડયો છે સી.ટી. સ્કેનના ભાવ ૧૦ ગણા વધ્યા છે. કેન્સર માટે ટેસ્ટ રૂ. ૨પ૦માં થતો તેના મનગમતા ભાવ લેવાય છે. વોશિંગ્ટન પોસ્ટ લખે છે તે મુજબ પીઠના નીચેના ભાગમાં થોડો દુખાવો થાય ત્યાં એકસ-રેની સલાહ અપાય તે બિનજરૂરી હોય છે. કોઈ વ્યક્તિ ખરાબ સમાચારથી બેભાન થયો હોય અને ડોક્ટર પાસે જવાની ભૂલ કરે તો તુરંત તેને સી.ટી. સ્કેન કે એમ.આર.આઈ. ટેસ્ટના મોંઘા નિદાન (ભારતમાં રૂ. ૨૦૦૦થી રૂ. ૬૦૦૦) તરફ ધકેલાય છે. તબીબી વ્યવસાય ‘બિઝનેસ’ બની ગયો છે? દર્દી તેમને માટે ગ્રાહક છે નિષ્ઠાવાન સર્જનો માથે ટોપી ઓઢી ન લે.

સાભાર  લેખક – કાંતિ ભટ્ટ