કાશીનું ભારત માતા મંદિર જ્યાં ભારતના માનચિત્રની થાય છે પૂજા, જાણો મંદિરની વિશેષતાઓ.

ભગવાનના ઘણાં મંદિરો જોયા હશે, હવે જુઓ ભારત માતાનું મંદિર જ્યાં ભારતના માનચિત્રની થાય છે પૂજા. દેવધરા કાશીમાં ઘણા એવા મંદિર છે જેને જાણવા અને સમજવાની સાથે સાથે દર્શન-પૂજા માટે દેશના ખૂણે ખૂણામાંથી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઘાટો અને મંદિરોની આ નગરીનું શાનદાર રત્ન છે. ભારતનું એકમાત્ર એવું મંદિર જ્યાં કોઈ દેવી દેવતા નહિ પણ અખંડ ભારતની મૂર્તિની આરાધના થાય છે.

કાશીના વૈભવ એવા શિવપ્રસાદ ગુપ્તનું જીવન રાષ્ટ્રને સમર્પિત હતું. તે વાતનું પ્રમાણ આપણને જ્ઞાન મંડળ, કાશી વિદ્યાપીઠ, ભારત માતા મંદિર વગેરેમાંથી મળે છે. ભારત માતા મંદિર કાશી વિદ્યાપીઠનાં કેન્દ્રીય કાર્યાલય પાસે આવેલું છે. લાલ રંગના પથ્થરમાંથી બનેલું આ મંદિર તેની શૈલીમાં એક અનોખો પ્રયત્ન છે. તેમાં હરિદ્વારના ભારત માતા મંદિરની જેમ દેવી દેવતાઓની મૂર્તિ નથી. પણ તેની જગ્યાએ મંદિરના ગર્ભગૃહમાં ભારત માતાનું ભૂ-માનચિત્ર  રહેલું છે. આવું માનચિત્ર બીજે ક્યાંય ઉપલબ્ધ નથી.

આ એક ઐતિહાસિક વારસો છે. આ ભૂ-માનચિત્રની આંકણી ભૂ-માપન વિબાગ દ્વારા પ્રકાશિત ઈ.સ. 1917 ના ભારત વર્ષના માનચિત્રને પાંચ ગણું મોટું કરીને 6 વર્ષના સમયગાળામાં કરવામાં આવી હતી. માનચિત્રની તેની પોતાની વિશેષતાઓ છે. તેની પૂર્વથી પશ્ચિમ સુધી લંબાઈ 32 ફૂટ 2 ઇંચ અને ઉત્તરથી દક્ષીણ સુધી 30 ફૂટ 2 ઇંચ છે. તેમાં 11 ઇંચ વર્ગના 726 ચતુષ્કોણ મકરાના (માર્બલનો પ્રકાર) સફેદ કોતરેલા ખંડ છે.

તેમાં હિમાલય અને બીજા પર્વતોના 450 શિખરો, 800 નાની મોટી નદીઓ અને મુખ્ય નગર, તીર્થસ્થાન, પ્રાંત, કુદરતી સ્થળ પ્રદર્શિત છે. મુખ્યદ્વારની બંને તરફ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘વંદે માતરમ’ શિલાલેખ ઉપર કોતરવામાં આવ્યું છે.

સંપૂર્ણ ભવન એક ઊંચા ચબુતરા ઉપર રહેલો છે. મંદિરનું ભવન બે ભાગોમાં વિભાજીત છે. નીચે દીવાલો ઉપર ગ્રહોથી સૂર્યનું અનુમાનિત અંતર ચિત્રિત છે. અહીં લીપી ચિન્હ પણ બનાવવામાં આવ્યા છે. બીજી જગ્યાઓ પર પણ ચિત્ર બનાવવામાં આવ્યા છે, પરંતુ સમયના માર અને પ્રવાસીઓની ઉદાસીનતાએ તેને નુકશાન પહોંચાડ્યું છે. એક મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભારતના માનચિત્રને અંકિત કરવું એ દર્શાવે છે કે, આપણે ભારતીયોને આપણી ભારત માતા સાથે કેટલો પ્રેમ છે.

ભારત માતાનું આ મંદિર દેશ જ નહિ વિદેશી પ્રવાસીઓની નજરમાં પણ એક ખાસ સ્થળ છે. મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠનો એક અનોખો ભાગ છે આ ભારત માતા મંદિર. તેનું ઉદ્ઘાટન સ્વયં મહાત્મા ગાંધીએ કર્યું હતું. આ મંદિરનું અનોખું શિલ્પ બાબુ શિવ પ્રસાદ ગુપ્તએ તૈયાર કર્યું, તે પણ ગાણીતીક સુત્રોના આધાર ઉપર. દુર્ગા પ્રસાદ ખત્રીની દેખરેખમાં 25 શિલ્પકારો અને 30 મજૂરોએ આ મંદિરને છ વર્ષના લાંબા સમયગાળા પછી સાકાર કર્યું. તેમના નામ પણ આ મંદિરના એક ખૂણામાં લખાયેલા છે. તેનું ઉદ્ઘાટન બાપુએ 25 ઓક્ટોબર 1936 માં કર્યું હતું.

આ અનોખા મંદિરના ગેટ ઉપર જ ભારતીય સંસ્કૃતિ અને દેશ પ્રેમની ઝલક જોવા મળે છે. જયારે આપણે મંદિરના મુખ્ય દ્વાર ઉપર પહોંચીએ છીએ, તો સૌથી પહેલા ભારત માતાનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ લખેલું જોવા મળે છે. ભારત માતા મંદિરમાં રાષ્ટ્ર કવિ મેથલીશરણ ગુપ્તાએ એક કવિતા પણ લખી હતી, જે મંદિરમાં હજુ પણ જોવા મળે છે. આ કવિતાનો સાર દેશવાસીઓને એકતાના દોરામાં પરોવે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર, અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.