KBC-5 ના વિજેતા સુશીલની આ પક્ષી સાથે છે દોસ્તી, કરી રહ્યાં છે પક્ષીઓ માટે ઘરનું વિતરણ

આ પક્ષીને બચાવવા અને તેમની સંખ્યા વધારવા માટે કેબીસીના વિજેતા સુશીલ કરી રહ્યા છે ખાસ કામ, જાણીને તમને ગર્વ થશે. કેબીસી-5 ના વિજેતા સુશીલ કુમારનું ચકલી બચાવ અભિયાન હવે રંગ દેખાડવા લાગ્યું છે. તેમણે અત્યાર સુધી ઓછામાં ઓછા બે હજાર ઘરોમાં ચકલીના માળા લગાવ્યા છે. તેમાંથી 500 માળામાં ચકલીઓ રહેવા લાગી છે.

આ બધું કામ તેઓ તેમના સંસાધનને આધારે કરી રહ્યા છે. આ કાર્યમાં, તેમને અન્ય લોકોનો પણ સહકાર મળવા લાગ્યો છે. પહેલા તેઓ લોકોને પોતાના ઘરોમાં માળો બનાવવાની અપીલ કરતા હતા. પરંતુ અભિયાનથી પ્રભાવિત થઈને પૂર્વ ચંપારણના ગૃહ જિલ્લાની સાથે, હવે બીજા જિલ્લાના લોકો સામેથી તેમને માળા લગાવવા માટે બોલાવી રહ્યા છે.

સુશીલ કહે છે કે આ અભિયાનના ત્રણ તબક્કા છે. પ્રથમ તબક્કામાં એક નાનો માળો લગાવામાં આવે છે. તેમાં એક જોડી ચકલીઓ રહી શકે છે. જો ઘરના માલિક દ્વારા આ માળાની સારી રીતે કાળજી લેવામાં આવે, તો તેમાં એક ચકલીની જોડી આવી જાય છે, પછી બીજા તબક્કામાં ત્યાં નવ વિભાગો વાળો માળો મૂકવામાં આવે છે.

જો નવ-વિભાગમાંથી 5 વિભાગમાં ચકલીઓ આવી જાય, તો ત્રીજા તબક્કામાં 15 વિભાગનો માળો લગાવવામાં આવે છે. સાથે સાથે તેની સાથે સંકળાયેલ મકાન માલિકોનું સન્માન પણ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુશીલ પર્યાવરણ તરફ સતત સક્રિય રહીને જુદા જુદા અભિયાનો ચલાવી રહ્યા છે.

તેમનું વૃક્ષારોપણ અભિયાન પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. સુશીલ કહે છે કે, પ્રકૃતિએ આપણને ઘણી ભેટો આપી છે. જ્યારે પ્રકૃતિએ આપણને આટલું બધુ આપ્યું છે, તો આપણી ફરજ છે કે આપણે પ્રકૃતિના સંતુલનમાં શક્ય તેટલું યોગદાન આપીએ. આપણે જે કમાઇએ છીએ તેના કેટલાક ટકા પ્રકૃતિ અને સમાજ સેવામાં ખર્ચવા જરૂરી છે.

આખી દુનિયામાં ચકલીનું સંરક્ષણ એક મોટો પડકાર છે : પ્રકૃતિની બધી રચનાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એકબીજા પર નિર્ભર છે, અને તેમાં આપણી સાથે નાની ચકલીઓનો પણ સમાવેશ થાય છે. આપણા મકાનો ખુબ મોટા થઈ ગયા છે, પરંતુ હૃદય એટલા નાના થઇ ગયા છે કે, તેમાં નાની ચકલી પણ આવી શકતી નથી.

એક સમયે ઘરના આંગણામાં કલરવ કરવાવાળી ચકલી આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. આ જ કારણ છે કે, આજે વિશ્વભરમાં ચકલી એક ચિંતા કરવાવાળી પ્રજાતિ બની ગઈ છે. ભારતમાં પણ પક્ષી વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં ચકલીની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

જો સતત ઘટતી જતી સંખ્યાને આપણે ગંભીરતાથી નહિ લઈએ, તો તે દિવસ દૂર નથી જ્યારે ચકલી હંમેશા માટે આપણાથી દૂર થઇ જશે. ચકલી સંરક્ષણ અભિયાન ચલાવી રહેલા કેબીસી સીઝન 5 ના વિજેતા સુશીલ કુમાર કહે છે કે, પ્રકૃતિએ આપણને ઘણી બધી ભેટ આપી છે. વધુ પ્રમાણમાં થઇ રહેલા શહેરીકરણ અને આધુનિકતાની ઝગઝગાટમાં, આપણે પ્રકૃતિની ભેટની સતત અવગણના કરીએ છીએ. તે વિનાશને આમંત્રણ આપવા જેવું જ છે. આધુનિક ભેટોના ભોગે આધુનિકીકરણના આ વાવાઝોડાને અટકાવવું જરૂરી છે. હવે થોભવાની અને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

લુપ્ત થવાની અણીએ છે ચકલી : સુશીલ કહે છે કે, ભારતના મોટાભાગના મોટા શહેરોમાં ચકલીની હાલત ખૂબ જ ચિંતાજનક છે. અહીં તો જાણે કે તે દેખાતી જ બંધ થઇ ગઈ છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદે કરેલા એક સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આંધ્રપ્રદેશમાં તેમની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે અને કેરળ, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.