કેરીના ગોટલાને સુકવ્યા વગર સરળતાથી ગોટલાને તોડીને બનાવો ઈન્સ્ટન્ટ અને જોરદાર સફેદ ગોટલીનો મુખવાસ

આજે આપણે કેરીની સફેદ ગોટલાનો મુખવાસ બનાવતા શીખીશું. આ મુખવાસને ઇન્સ્ટન્ટ મુખવાસ પણ કહી શકાય છે, કારણ કે આમાં તમારે ગોટલાને અઠવાડિયાઓ સુધી સૂકવવાની જરૂર નથી પડતી. તો ચાલો શરૂ કરીએ.

કેરીના ગોટલાનો ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવવા માટે સૌથી પહેલા કેરીના 5-6 ધોયેલા ગોટલા લઇ લો. જણાવી દઈએ કે, ગોટલાનું ઉપરનું રેસા વાળું સખત પડ હમણાં કાઢવાનું નથી. હવે એક કુકર લઈને તેમાં 2 કપ પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું ઉમેરી તેમાં કેરીના ગોટલા નાખી દો. ધ્યાન રહે કે બધા ગોટલા પાણીમાં સંપૂર્ણ ડૂબેલા રહેવા જોઈએ. તમે તેમાં જરૂરિયાત મુજબ બીજું પાણી ઉમેરી શકો છો.

હવે કુકર બંધ કરીને તેને મીડીયમ આંચ પર મૂકી દો અને તેની 2 સીટી પડવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. કુકરમાં રહેલું બધું પ્રેશર આપમેળ ઓછું થઇ જાય ત્યાં સુધી તેને એમ જ રહેવા દો. પછી ગોટલાને બહાર કાઢી લો અને ઠંડા થવા દો. ધ્યાન રહે કે ગોટલા પર ઠંડુ પાણી નાખીને તેને ઠંડા નથી કરવાના. તે ઠંડા થાય પછી તેને એક એક કરીને ઉભા પકડીને તેની પર દસ્તા વડે ફટકારી તેની અંદર રહેલી ગોટલી કાઢી લેવાની છે. ગોટલા પોચા થઈ ગયા હોવાથી તે ફટાફટ ખુલી જશે અને આખે આખી ગોટલી બહાર નીકળશે.

ત્યારબાદ દરેક ગોટલી પર રહેલી પાતળી બ્રાઉન રંગની છાલ હાથથી અથવા તો છરીની મદદથી કાઢી નાખવી. જો તે નહિ કાઢો તો તમારા મુખવાસનો રંગ કાળો પડી જશે. ત્યારબાદ તે ગોટલીને છીણી લેવાની છે. ત્યારબાદ તેને સૂર્ય પ્રકાશમાં સુકવી લેવાની છે. જો તાપ સારો હોય તો તે 1 દિવસમાં સુકાઈ જશે, અને વાદળ છવાયેલા હોય તો તેને 2-3 દિવસ લાગી શકે છે.

હવે તેનો મુખવાસ બનાવવા માટે એક કઢાઈ લઈને તેમાં 1 ચમચી ઘી ઉમેરી તેને ગેસ પર ગરમ કરવા મુકો. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં અડધું ટી સ્પૂન સંચળ નાખવું. હવે તેમાં ગોટલીની છીણ ઉમેરો અને ગેસની ફ્લેમ ધીમી કરીને તેને સારી રીતે શેકી લો. સંચળનું પ્રમાણ તમે તમારી જરૂરિયાત મુજબ ઓછું વધારે કરી શકો છો. ગોટલીની છીણ સારી રીતે શેકાય જાય એટલે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તમારો ગોટલીનો મુખવાસ. આને તમે એકલો પણ ખાઈ શકો છો અથવા તલ-વરિયાળીના મુખવાસ સાથે પણ ખાઈ શકો છો.

વિડીયો :