ગીરની ઓળખાણ ધરાવતી કેસર કેરી પોતાની અસલીયત ગુમાવી રહી છે, જાણો જાણકારો શું કહે છે.

નવાબના વખત થી માંગરોળ અને ત્યારબાદ તાલાલા ગીર પંથકમાં પ્રસરેલી કેસર કેરી પોતાની ઓળખ, સુવાસ, સુંગંધ અને સ્વાદ ધીમે ધીમે ગુમાવી રહી છે. અત્યારે કેસર કેરીમાં ત્રણ જગ્યાની જી.આઇ. ઉભી થઇ ગઇ છે

૧) મુળ સ્થાન ગીરની કેસર કેરી

૨) કચ્છની કેસર કેરી

૩) વલસાડી કેસર કેરી

ત્રીસ વરસ પહેલાની વાત કરુ તો ઘરમાં બે ત્રણ કેસર કેરી પડેલી હોય તો આખુ ઘર મહેંકી ઉઠતુ. ત્યારની કેરીની સાઇઝ થોડી મોટી લંબગોળ હતી અને રંગ રસ સીંદુરીયો લાલ હતો એકવાર તમારા હાથને રસ અડે એટલે આખો દિવસ સુગંધ આવતી, ઓડકાર પણ સુગંધીત આવતા.

અત્યારની કલમ કરવાની પદ્ધતીને લીધે ઓરીજીનલ જાતમાં ઘણાં ફેરફાર થઇ ગયા છે. નર્સરી વાળા માતૃછોડ ભલે સારો રાખતા હોય પણ મુળ પઠ્ઠો પણ તેના ગુણધર્મનો ભાગ ભજવે જ છે, એટલે કેસર કેરીની જાતમાં ખુબ બધા ફેરફાર અને વિવિધતા જોવા મળે છે. જમ્બો કેસર કેરી કયારેય હતી જ નહીં પણ પઠ્ઠાના ગુણધર્મને લીધે તેની સાઇઝમાં ફેરફાર થયો છે.

તાલાલાની કેરીમાં પણ હવે પહેલા જેવો સ્વાદ નથી રહ્યો… મીઠાસ ઘટી રહી છે પણ હજુ સેલ્ફલાઇફ ઘણી લાંબી છે. રસરંગ અમુક બાગોમાં હજુ સીંદુરીયો લાલ જળવાઇ રહ્યો છે.

કચ્છની કેસર કેરીનું ફળ મધ્યમ કદનું છે પણ સ્વાદ ખુબ જ મીઠો છે તો બીજી બાજુ કચ્છની કેરીની સેલ્ફ લાઇફ ખુબ ઓછી છે અંદરથી ઝડપથી પાકવા લાગે છે અને સીઝન પુરી થવાની હોય ત્યારે ૫૦% જેવા ફળ બેસ્વાદ બની જાય છે મોટાભાગની કેરીમાં સાંખ જેવો સ્વાદ આવવા લાગે છે. રસનો રંગ પીળાશ પડતો છે.

વલસાડી કેસર કેરીને થોડોઘણો આફુસનો રંગ લાગ્યો છે સ્વાદ, રંગ રુપ થોડે ઘણે અંશે કચ્છની કેસરને મળતા આવે છે. રસનો રંગ કેસરી આલ્ફાંન્જો ટાઇપનો પીળાશ પડતો છે.

કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ હોવાને લીધે અને મોટાભાગના લોકોની આતુરતાનું ફળ હોવાને લીધે આવનારુ ભવિષ્ય કેરીની બાગાયત ખેતી કરતા લોકો માટે સારુ છે.

તૌકતે જેવા વાવાઝોડા આ વખતે ઘણી શીખ આપી ગયા છે એટલે આવનારા ભવિષ્યમાં હાઇ ડેન્સીટી પ્લાન્ટેશન વધશે તે પણ નક્કી છે.

જયેશ રાદડીયાની આ સોશિયલ મીડિયા પોસ્ટ પર હિમ્મ્ત છાયાની નામના વ્યક્તિએ પોતાનું મંતવ્ય રજુ કરતા કેટલીક એવી વાતો કહી છે જે દરેકે જાણવી જરૂરી છે. તેમણે કહેલી વાત તેમના શબ્દોમાં જ નીચે રજુ કરવામાં આવી છે.

તાલાળા પાહેનુ રમળેચી ગામ છે. ત્યાની કેરીઓ મુળ કેસર કેરીના વંશને જીવતો રાખી શકી છે. જોકે મહામારી પછેની હાલત ખબર નથી. કેરી ઉપરાંત ટમેટા મરચા ઘઊ રીંગણા દેશી દિવાળીયો કપાહ અજમેરી બોર અને એવી બીજી કેટલીયે ખાદ્ય ઉત્પાદો હાલ ની પ્રોડ્ક્શનની આંધળી રેસમાં હાંસિયે ધકેલાઈ ગઈ છે.

દેશી નસુવાળા ચિપટા ટમેટાની જગ્યા લંબગોળ ફીક્કા ખાલી વજન જ વધારતા ફેપ્સા ટમેટાએ લઈ લીધી. દેશી વઢવાણી ઘોલર કે રેશમ પટ્ટો વગેરે જાતના મરચાઓ જે મરચાના સ્વાદમાં ઉત્તમ ગણાય છે. પણ કેટલીયે વાડીયુ ખુંદીએ તયે માંડ હાથવગા થાય. એની જગ્યા હાલ તકલાદી ઘોલર કેપ્સીકમ પીળો પટ્ટો બોરમરચા ઉભડામરચાએ લઈ લીધી છે. ઉભડુ કે બોર મરચુ ખાલી તીખાશ જ વધારે છે, અને તેનો ઉપયોગ એવા ખાણીપીણીના વેપારીઓ કરવા લાગ્યા છે કે જેઓ પોતાની અગાશી પર કુંડાઓ મુકીને આ બોર મરચા ઉભા મરચા ઉગાડે છે. હા તીખાશ જરૂર છે પણ સ્વાદ નામે શુન્ય.

બગોદરા વટામણ વચ્ચે અરણેજ પાહેનું કોઠ ગામ છે. અહી ભાલિયા નું મુખ્ય મારકીટ ભરાય છે, ઘઊની વેરાયટીઓમાં નીચેથી ઉપરના ક્રમ મુજબ લોકવન મધ્યપરદેશના ઘઊ ટુકડા બંસી અને સહુથી ઉપર ભાલિયા ઘઊ આમ તે ઘઊની કિંમત ઉપરાંત તેના સવાદ મુજબ ઓળખ હતી. હાલ ભાલિયા કે છાસિયા ઘઊને પ્રાકૃતિક રીતે ઉગવા દઈને તેનું મુલ્ય જળવાઈ રહે તેવા પ્રયાસોને બદલે જમીનમાં બોર કરીને પાણી વડે પકવીને ઘઊનો પાક લેવાઈ રહ્યો છે. એટલે આ મોંઘા સ્વાદિષ્ટ ગણાતા ઘઊ પણ હાલ ભેળસેળીયા સંકર પાકો સહુ વાવવા લાગતા તે ઘઊએ પોતાનો સ્વાદ ગુમાવી દીધો છે.

કાંટાળા શીંગુરિયા રિંગણા મારકીટમાં મળી જાય પણ સ્વાદમાં જાણે કે એવુ લાગે કે રિંગણુ છે જ નઈ. અમે ૨૦૧૪ માં ગીરના ત્રંબકપુર ગામે ગયેલા. ત્યાની કેસર કેરીના ખેડુતના ઘરે અમે રોકાયેલા. તે ખેડુના કહેવા મુજબ તેણે જે આંબાઓ વાવેલા તે ઉત્પાદન સારુ એવુ આપી જાણે પણ સ્વાદ કે મિઠાશ એવરેજ રહે. પણ પોતાના ઘર માટે તેણે ચાર પાંચ અસલી કેસરના આંબા રાખેલા તેની કેરીઓ પોતે ખાય. અરે એક લંગડો કેરીનું ઝાડ લગભગ ત્રીસ ચાલીસ વરસ જુનુ હતુ તેની કેરીઓ અમને ખવરાવી. પણ એ કેરીની સુગંધ તમે જેમ લખ્યુ તેમ અઠવાડીયા સુધી હાથમાં રહી.

આપડે ન્યા એવરેજ અસલ અને કનિષ્ઠ સ્ડાંડર્ડ જળવાતા નથી. અથવા પબ્લીકને જ એવરેજ કનિષ્ઠના ભાવે અને અસલ એવરેજના ભાવે જોઈએ છે. એટલે ખેડૂઓ પછે લાલચમાં ક્વોલિટીની બાંધછોડ કરી લે છે. હાલ જેમ ગીર ગાયના ઘીનું એક વાતાવરણ બનવા લાગ્યુ છે તેમ દરેક ખાદ્ય ઉત્પાદો નું વાતાવરણ બનવા લાગશે ત્યારે જ લોકોને તેનો અસલી આસ્વાદ માણવાનો ખરો મોકો મળશે.

ખેડુઓ પોતાની નૈતિક જવાબદારી ત્યારે જ નીભાવશે જ્યારે ગ્રાહકો પણ તેના પ્રમાણમાં જ નૈતિકતા રાખશે. બાકી ” સસ્તુ માગવુ ને ચીન ને ગાયરૂ દેવી ” જેવી નિતીઓ કોઈનું ભલીવાર કરી શકે નઈ.